• Home
  • News
  • અમદાવાદમાં રોજ એક રોડ ઉપર ભૂવો પડવાની ઘટના; સરખેજમાં ભૂવો પડ્યો ને ડમ્પર અંદર ખાબક્યું, 30 દિવસમાં 40થી વધુ જગ્યાએ ભૂવા પડ્યા
post

છેલ્લા 30 દિવસમાં 40થી વધુ જગ્યાએ ભૂવા પડ્યા

Written By newsonline | Ahmedabad | Published: 2023-07-04 18:15:30

અમદાવાદ ફરી એકવાર ભૂવાનગરી બની ગયું છે. શહેરની વર્ષો જૂની ગટર લાઈનો અને માટીના પોલાણના કારણે ભૂવા પડવાની પરિસ્થિતિ થઈ રહી છે. દિવસે ને દિવસે ભૂવા પડવાના બનાવો વધતા હવે નાગરિકોમાં ડર છે કે, હવે રોડ ઉપર નીકળીશું ને ભૂવો પડશે તો? અમદાવાદમાં રોજ એક ભૂવો પડી રહ્યો છે. સરખેજ વિસ્તારમાં આવેલા ફતેવાડીમાં સવેરા હોટલ પાસે મોડી રાત્રે મોટો ભૂવો પડ્યો હતો. ડમ્પર રોડ ઉપરથી પસાર થઈ રહ્યું હતું, ત્યારે અચાનક જ રોડ પર ભૂવો પડતાની સાથે જ ડમ્પરનું પાછળનું આખું ટાયર ભૂવામાં ગરકાવ થઈ ગયું હતું. જેના કારણે ડમ્પર પલટી જતા આસપાસના લોકો પણ ભેગા થઈ ગયા હતા.

ભૂવામાં ડમ્પર ખાબક્યું
સરખેજ વિસ્તારમાં આ ત્રીજો મોટો ભૂવો પડ્યો છે. મકતમપુરા પાસે બે મોટા ભૂવા પડ્યા છે, જેના કારણે તેના આસપાસ બેરિકેડ મૂકીને કામગીરી કરવામાં આવનાર છે. સરખેજ વિસ્તારમાં જ ફતેવાડી પાસે મોડી રાત્રે ડમ્પર પસાર થતા ભૂવો પડ્યો હતો. જેના કારણે ડમ્પર પલટી જતા તેને ક્રેન વડે બહાર કાઢવાની ફરજ પડી હતી. ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી. 2200 mmની મોટી ડ્રેનેજ લાઈનમાં આ ભંગાણ સર્જાયું છે. ઘટના મોડી રાતની હોવાથી કોર્પોરેશન તંત્ર સવારની રાહ જોઈ ફરક્યું ન હતું.

બે દિવસ પહેલાં ભૂવાના કારણે ટ્રક પલટી હતી
બે દિવસ પહેલાં શહેરના જમાલપુર વિસ્તારમાં કાચની મસ્જિદ પાસે રોડ ઉપર ભૂવો પડ્યો હતો. જમાલપુર વિસ્તારમાંથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હેવી ટ્રક રોડ પરથી પસાર થઈ અને અચાનક જ ભૂવો પડ્યો હતો. ટાયર ભૂવામાં પડે તે પહેલાં જ ટ્રક થોડી આગળ નીકળી ગઈ હતી. આ ભૂવા પડવાની સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. ભૂવો પડતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને વાહન-વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો. મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રને જાણ કરવામાં આવતા આસપાસ બેરિકેડ મારી અને કામગીરી શરૂ કરવામાં આવી હતી.

છેલ્લા 30 દિવસમાં 40થી વધુ જગ્યાએ ભૂવા પડ્યા
ચોમાસાની શરૂઆત થતાંની સાથે જ શહેરમાં ઠેર ઠેર ભૂવા પડવાની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે પૂર્વ અને પશ્ચિમ એમ બંને વિસ્તારમાં છેલ્લા 30 દિવસમાં 40થી વધુ જગ્યાએ ભૂવા પડ્યા છે. આમ કહી શકાય કે, અમદાવાદમાં રોજ એક રોડ પર ભૂવો પડે છે. મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા ભૂવો પડતાની સાથે ત્યાં આસપાસ બેરિકેડ લગાવી અને રિપેરિંગ કામગીરી હાથ ધરવામાં આવે છે. જો કે, મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર ભૂવા પડવા પાછળનું કારણ જણાવતા કહે છે કે, અમદાવાદ શહેરની 50 વર્ષથી જૂની ગટર લાઈનો છે, જેના કારણે નીચે પોલાણ અને પાઇપો કાટી ગઈ હોવાથી ભંગાણ સર્જાય છે.

શહેરમાં પડેલા ભૂવાની ધ્યાને આવેલી વિગત

1

વાળીનાથ ચોકથી હેલ્મેટ સર્કલ

2

શિવરંજની ચાર રસ્તા

3

કર્ણાવતી કલબ સામે

4

મક્તપુરા કેનાલ-1

5

મક્તપુરા કેનાલ-2

6

મણિનગર ડી-વાઈન સ્કૂલ

7

નાથાલાલ ઝઘડા બ્રિજ

8

એલ.જી. હોસ્પિટલ મણિનગર

9

શ્રદ્ધા બંગ્લોઝ જીવરાજ બ્રિજ

10

સરખેજ રેન્ડમ ગ્રાન્ટ

11

જશોદાનગર બ્રિજ

12

ભુદરપુરા આંબાવાડી

13

નાગરવેલ હનુમાન ચાર રસ્તા

14

સ્વસ્તિક તરફ મેઈન રોડ પર

15

માનસી ટેનામેન્ટ- રામોલ હાથીજણ

16

ઓઢવ જેસલ પાર્ક, અંબિકાનગર પંપિંગ પાસે

17

કુબેરનગર માયા સિનેમા પાસે

18

રખિયાલ મલેકસાબાન સ્ટેડિયમ પાસે

19

ઇદગાહ સર્કલ અસરવા બ્રિજ સર્વિસ રોડ શાહીબાગ

20

જમાલપુર કાચની મસ્જિદ

21

સરખેજ ફતેવાડી નજીક

 

adv

Related News

post
post
post
post
post
post
post