• Home
  • News
  • મધ્ય પ્રદેશની 364માંથી 65 નર્સિંગ કોલેજ અયોગ્ય, 169ને ક્લિનચીટઃ સીબીઆઈ રિપોર્ટ
post

કોર્ટે કહ્યું, માન્યતા આપનાર તેમજ નિરિક્ષણ રિપોર્ટ રજુ કરનાર અધિકારી સામે પણ કાર્યવાહી કરો

Written By newsonline | Ahmedabad | Published: 2024-02-13 18:58:10

કેન્દ્રીય એજન્સી સીબીઆઈએ મધ્યપ્રદેશની 364 નર્સિંગ કૉલેજોની તપાસ કર્યા બાદ 65 કોલેજોની કામગીરી સંપૂર્ણ અનિયમિત હોવાની તેમજ 74 કોલેજની કામગીરી ઓછી અનિયમિત હોવાનો રિપોર્ટમાં ખુલાસો થયો છે. આ ઉપરાંત 169 કોલેજોના તમામ માપદંડો યોગ્ય હોવાનું પણ સામે આવ્યું છે. આ અંગે સીબીઆઈએ સોમવારે (12 ફેબ્રુઆરી) હાઈકોર્ટમાં સીલબંધ કવરમાં રિપોર્ટ રજુ કર્યો હતો. રાજ્યની મોટાભાગની કોલેજોમાં ગેરરીતિઓ ચાલતી હોવાનો મામલે કોર્ટે આદેશ આપ્યા બાદ સીબીઆઈએ તપાસ શરૂ કરી હતી.

368 નર્સિંગ કોલેજમાં ગેરરીતિની ફરિયાદ

અગાઉ રાજ્યની કુલ 364 નર્સિંગ કૉલેજોમાં ગેરરીતિ ચાલતી હોવાની ફરિયાદ થયા બાદ સીબીઆઈએ 308 કોલેજોની તપાસ કરી હતી. બીજીતરફ સુપ્રીમ કોર્ટે (Supreme Court) 54 નર્સિંગ કોલેજોમાં તપાસ કરવા પર રોક લગાવી છે. જોકે રિપોર્ટ મુજબ સીબીઆઈ તપાસમાં 169ને ક્લીન ચિટ મળી છે, જ્યારે 65 કોલેજોમાં ઘણી અનિયમિતતા અને 74 કોલેજોમાં ઓછી અનિયમિતતાનો ખુલાસો થયો છે. હાઈકોર્ટે લૉ સ્ટુડન્ટ્સ એસોસિએશનના અધ્યક્ષ એડવોકેટ વિશાલ બધેલની જાહેર હિતની અરજી સહિત અન્ય તમામ અરજીઓ પર સુનાવણી કરી વિસ્તૃત આદેશ જારી કર્યો છે.

કમિટીની રચના કરાશે

ન્યાયાધીશ સંજય દ્વિવેદી અને ન્યાયાધીશ એ.કે.પાલીવાલની બેંચે અયોગ્ય કૉલેજોના વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાને રાખી નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતા હેઠળ એક કમિટી રચવાનો આદેશ આપ્યો છે. આ સાથે કોર્ટે માપદંડોનું સંપૂર્ણ પાલન કરતી 169 કૉલેજોને રાહત આપી સંચાલન અને વિદ્યાર્થીઓની પરીક્ષાનો રસ્તો ખોલી દીધો છે. આ ઉપરાંત ઓછી અનિયમિતતા ધરાવતી 74 કોલેજો માટે નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતાવાળી કમિટીની નિમણૂક કરાશે. આ કમિટી કોલેજોની ખામીઓનો અભ્યાસ કરી હાઈકોર્ટમાં રિપોર્ટ રજુ કરશે.

65 કોલેજોમાં વિદ્યાર્થીઓ અને સંસ્થાઓ સામે હાઈકોર્ટની લાલ આંખ

અનિયમિત કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અન્ય કોલેજમાં ટ્રાન્સફર કરવા કે નહીં, કમિટી તે અંગેનો રિપોર્ટ પણ હાઈકોર્ટને સોંપશે. ખંડપીઠે કડક શબ્દોમાં કહ્યું કે, જે 65 કોલેજો સંપૂર્ણ અનિયમિત હોવાનું સામે આવ્યું છે, તેના વિદ્યાર્થીઓ અને સંસ્થાઓ સામે કોઈપણ નરમ વલણ અપનાવવામાં ન આવે. આવી કોલેજોને માન્યતા આપવામાં જે અધિકારીઓ અને નિરીક્ષણ ટીમો દ્વારા ગડબડ કરવામાં આવી છે, તેમના પર પણ કાર્યવાહી કરવામાં આવે.

અન્ય નર્સિંગ કોલેજોમાં તપાસ કરાશે

હાઈકોર્ટે રાજ્યની બાકીની નર્સિંગ કોલેજોમાં પણ તપાસ કરવા સીબીઆઈને આદેશ આપ્યો છે. વાસ્તવમાં અરજદારે અરજી રજુ કરી કોર્ટે જણાવ્યું કે, કોર્ટમાં કેસ પેન્ડિંગ હોવા છતાં અપાત્ર નર્સિંગ કોલેજોને માન્યતા અપાઈ રહી છે, જેને ધ્યાને રાખી હાઈકોર્ટે આવી તમામ સંસ્થાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા ઉપરાંત આવી કોલેજોનું નિરિક્ષણ રિપોર્ટ આપનાર અધિકારીઓ સામે પણ કાર્યવાહી કરવાનો સરકારને આદેશ આપ્યો છે.

adv

Related News

post
post
post
post
post
post
post