• Home
  • News
  • NIAની મોટી કાર્યવાહી, બિશ્નોઈ-બવાના સહિત 10 ગેંગના 60 જેટલા સ્થળોએ દરોડા
post

ભારતમાં, જેલોમાં કે વિદેશથી ઓપરેટ થતી હોય તેવી ટોપ ગેંગ રડાર પર

Written By newsonline | Ahmedabad | Published: 2022-09-12 18:09:01

નવી દિલ્હી : રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ વિવિધ ગુનાઓમાં સામેલ ગેંગસ્ટર્સને સપાટામાં લીધા છે. ક્રાઈમ સિન્ડિકેટ અને ટેરર કનેક્શનને સકંજામાં લેવા માટે તપાસ એજન્સીએ દિલ્હી, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, હિમાચલ સહિત 50થી 60 સ્થળોએ દરોડા પાડ્યા છે. તપાસ એજન્સીએ ટાર્ગેટ કિલિંગ સહિત અન્ય ગતિવિધિઓમાં સામેલ નીરજ બવાના, લોરેન્સ બિશ્નોઈ ગેંગ સહિત 10 ગેંગસ્ટર સામે કેસ દાખલ કરીને તપાસ આરંભી છે. 

તપાસ એજન્સીએ આજ રોજ ઉત્તર ભારતના 60 જેટલા સ્થળોએ દરોડા પાડ્યા છે જેમાં ભારતમાં, જેલોમાં કે વિદેશથી ઓપરેટ થતી હોય તેવી ટોપ ગેંગ રડાર પર છે. તપાસ એજન્સીએ તાજેતરમાં જ હરિયાણા અને પંજાબ પોલીસના અધિકારીઓ સાથે પણ બેઠક કરી હતી. 

તપાસ એજન્સીએ ગેંગસ્ટર્સ અને તેમની ગેંગ સામે કાર્યવાહી કરવા માટે ડોઝિયર તૈયાર કર્યું છે. ટાર્ગેટ કિલિંગ સહિતની અન્ય ગતિવિધિઓમાં સામેલ ગેંગસ્ટર્સ સામે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એજન્સીએ તાજેતરમાં જ નીરજ બવાના ગેંગ, લોરેન્સ બિશ્નોઈ ગેંગ સહિતના 10 ગેંગસ્ટર સામે કેસ દાખલ કરીને UAPAની કલમ લાગુ કરી હતી. 

ગેંગસ્ટર્સ અને ISI-ખાલિસ્તાનીઓ વચ્ચે સંબંધ

તપાસ દરમિયાન અમુક કેસમાં અને ખાસ કરીને પંજાબના ગેંગસ્ટર્સનું ISI-ખાલિસ્તાની આતંકવાદીઓ સાથેનું કનેક્શન સામે આવ્યું હતું. એજન્સીએ લોરેન્સ બિશ્નોઈ, નીરજ બવાના, ટિલ્લુ તાજપુરિયા સહિત 10 ગેંગસ્ટરની યાદી તૈયાર કરીને તેમના ઠેકાણાઓ ખાતે દરોડો પાડ્યો છે. 

NIAના ડોઝિયરમાં કહેવામાં આવ્યું છે કે, આતંકનો પર્યાય બની ચુકેલી આ ગેંગ ટાર્ગેટ કિલિંગ કરે છે અને સોશિયલ મીડિયા દ્વારા યુવાનોને ફોસલાવે છે. ઉપરાંત ગેંગવોરનો દુષ્પ્રચાર પણ કરે છે. ગેંગના લીડર્સ સોશિયલ મીડિયામાં ક્રાઈમ અને ગેંગવોરના ફોટો શેર કરીને પોતાની જાતને રોબિન હુડ ગણાવે છે. 

દિલ્હીના દાઉદ સામે પણ એક્શન

NIAના ડોઝિયર પ્રમાણે નીરજ સહરાવત ઉર્ફે નીરજ બવાના અને તેની ગેંગ દિલ્હી સહિતના રાજ્યોમાં મોટા લોકોની હત્યા અને આતંક ફેલાવી રહ્યા છે. નીરજ બવાના અને તેની ગેંગનો લોરેન્સ બિશ્નોઈ સામે ગેંગવોર ચાલી રહ્યો હોવાનું પણ સામે આવ્યું છે. બવાના ગેંગને ગુનેગારો 'દિલ્હીનો દાઉદ' માને છે. નીરજ જેલમાં છે પણ તેના સાગરીતો હજુ પણ ડર ફેલાવી રહ્યા છે. પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાની હત્યાના અમુક કલાકો બાદ નીરજ બવાનાએ લોરેન્સ બિશ્નોઈ ગેંગ સામે બદલો લેવાની જાહેરાત કરીને સનસનાટી મચાવી દીધી હતી. 

 

adv

Related News

post
post
post
post
post
post
post