• Home
  • News
  • મારિયુપોલને મળી આત્મસમર્પણ ન કરવાની સજા:શક્તિશાળી રશિયાના બોમ્બમારાથી શહેર કાટમાળમાં ફેરવાયું, ઝેલેન્સ્કીએ કહ્યું- હવે અહીં કશું જ બચ્યું નથી
post

મારિયુપોલમાં ઘણા લોકો ફસાયા છે, તેઓ વીજળી અને પાણી વિના જીવવા મજબૂર છે

Written By newsonline | Ahmedabad | Published: 2022-03-23 11:50:25

રશિયાએ યુક્રેનના દક્ષિણ તટીય શહેર મારિયુપોલ પર હુમલા વધારી દીધા છે. મંગળવારે બે શક્તિશાળી બોમ્બના હુમલાથી મારિયુપોલ શહેર હચમચી ઊઠ્યું હતું. આ હુમલા ઔદ્યોગિક વિસ્તાર પર થયા હતા, જોકે હુમલામાં માર્યા ગયેલા લોકોની સંખ્યાની પુષ્ટિ થઈ શકી નથી.

રશિયાએ મારિયુપોલને કબજે કરવા માટેની છેલ્લી સોમવારે ડેડલાઈન આપી હતી, જે પૂરી થઈ ગઈ હતી. જ્યારે આ તરફ યુક્રેને આત્મસમર્પણ કરવાનો ઇનકાર કર્યો હતો. આ પછી અહીં લડાઈ પણ ઉગ્ર બની હતી. મંગળવારે ઇટાલીની સંસદમાં સંબોધનમાં ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે રશિયન બોમ્બધડાકા પછી આ શહેરમાં કંઈ જ બચ્યું નથી.

રશિયન સૈનિકો શહેરને રાખમાં ફેરવવા માગે છે
યુક્રેનિયન અધિકારીઓએ જણાવ્યું હતું કે રશિયન સૈન્યને મારિયુપોલ શહેરમાં રસ નથી, તેઓ એને ધ્વસ્ત કરીને રાખ કરવા માગે છે. મારિયુપોલમાં ઘણા લોકો ફસાયા છે. તેઓ વીજળી અને પાણી વિના જીવવા મજબૂર છે. રશિયન સૈનિકોએ 1 માર્ચના રોજ 4.5 લાખની વસતિવાળા મારિયુપોલને ઘેરાવ કર્યો હતો. હુમલા પછી અત્યારસુધીમાં લગભગ 2.5 લાખ લોકો શહેર છોડી ગયા છે.

શા માટે મારિયુપોલ મહત્ત્વપૂર્ણ છે?
જો મારિયુપોલને રશિયા દ્વારા કબજે કરવામાં આવે છે તો એને ક્રિમિયા દ્વીપકલ્પ સુધી પહોંચવા માટે જમીન માર્ગ મળી જશે. 2014માં ક્રિમિયાને રશિયાએ યુક્રેનથી છીનવી લીધું હતું, જેથી ક્રિમિયા અને દક્ષિણ-પશ્ચિમમાં રશિયન દળો વચ્ચે એક ભૂમિ પુલ બનશે. જ્યારે ઉત્તર અને પૂર્વમાં રશિયાના કબજા હેઠળના પ્રદેશોને પણ એકબીજા સાથે જોડવામાં આવશે.

યુક્રેનના ડેપ્યુટી PM ઈરિના વેરેસ્ચુકે કહ્યું હતું કે જ્યાં સુધી તમામ લોકોને બહાર કાઢવામાં ન આવે ત્યાં સુધી અમે અહીં બચાવકાર્ય ચાલુ રાખીશું. યુક્રેન આ બાબતે હ્યુમેનિટેરિયન કોરિડોર ખોલવાની માગ કરી ચૂક્યું છે. ઈરિનાએ કહ્યું હતું કે મારિયુપોલને ઝાપોરિઝ્ઝ્યા સાથે જોડવા માટે ત્રણ રૂટ તૈયાર કરવામાં આવ્યા છે. 22 માર્ચે 1,200થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. મારિયુપોલ પોર્ટ પરથી 15 બસથી લોકોને ઝાપોરિઝ્ઝયા પહોંચાડાયા હતા.

અહીં 2 લાખથી વધુ લોકો ફસાયેલા છે
હ્યુમન રાઇટ્સ વોચ અનુસાર, રશિયા માટે વ્યૂહાત્મક રીતે મહત્ત્વપૂર્ણ આ શહેરમાં 2 લાખથી વધુ લોકો ફસાયેલા છે. યુક્રેનના અધિકારીઓએ અહીંથી નાગરિકોને બચાવવા માટે રેસ્કયૂનો પ્રયત્ન પણ કર્યો છે. જ્યારે યુરોપિયન યુનિયનના વિદેશનીતિના વડા જોસેપ બોરેલે કહ્યું હતું કે મારિયુપોલની ઘેરાબંધી એ યુદ્ધ અપરાધ છે, જેમાં 2,000થી વધુ લોકો માર્યા ગયા છે.

મારિયુપોલમાં ચારેય તરફ રશિયાનાં લશ્કરી વાહનો અને ટેન્કો દેખાય છે. યુક્રેનના અધિકારીઓએ કહ્યું હતું કે રશિયન સૈનિકો શહેરને ધ્વસ્ત કરવા માગે છે. હુમલાથી તબાહ થઈ ગયેલા લોકો મારિયુપોલમાંથી બહાર નીકળી રહ્યા છે. અહીંના રસ્તા પર કારની લાંબી કતારો જોવા મળે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post