• Home
  • News
  • હવામાન વિભાગે ફરી ખેડૂતોની વધારી ચિંતા, દક્ષિણ ગુજરાતમાં આંબા પર રહેલી કેરીના પાકને થશે મોટું નુકસાન
post

દક્ષિણ ગુજરાતમાં અંદાજે 85 હજાર હેક્ટર જમીનમાં કેરીનું વાવેતર થાય છે.

Written By newsonline | Ahmedabad | Published: 2024-04-13 11:00:59

ગાંધીનગર: હવામાન વિભાગે રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. ત્યારે હાલમાં આંબા પર કેરીનો પાક તૈયાર થઈ રહ્યો છે. તેવામાં કમોસમી વરસાદની આગાહીને પગલે પાકને નુકસાન થવાની ભીંતિ છે. ઉલ્લેખનીય છે કે, દક્ષિણ ગુજરાતના મુખ્ય પાક શેરડી છે અને બાગાયતી પાક તરીકે કેરીનો ખેડૂતો લેતા હોય છે. દક્ષિણ ગુજરાતની કેરીઓ વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. હવામાન વિભાગે કરેલી આગાહીને કારણે દક્ષિણ ગુજરાતમાં વરસાદી ઝાપટા આવવાની શક્યતા ને જોતા ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે.

કમોસમી વરસાદ થવાની શક્યતા
દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને નવસારી વલસાડ અને ધરમપુર વિસ્તારમાં કેરીનું મબલક ઉત્પાદન થાય છે. આ વિસ્તારની કેસર સહિતની કેરીઓ ખૂબ જ મીઠાશવાળી હોય છે અને તેના કારણે કેરીના રસિયાઓ ખૂબ જ આતુરતાથી બજારમાં તેના આગમનની રાહ જોતા હોય છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી ગ્લોબલ વોર્મિંગને કારણે વાતાવરણમાં આવતા એકાએક પલટાને કારણે કેરીના રસિયાઓનો સ્વાદ પણ બગડતો હોય છે. છેલ્લા એક સપ્તાહથી દક્ષિણ ગુજરાતમાં અસહ્ય ગરમીનો અનુભવ લોકો કરી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે, તે મુજબ વાતાવરણમાં પલટો આવી શકે છે તેને કારણે માવઠાં જેવી સ્થિતિ અથવા તો કમોસમી વરસાદ પણ થઈ શકે છે.

કેરીનો પાક ઓછો આવે તેવી શક્યતા
ખેડૂત અગ્રણી જયેશ પટેલે જણાવ્યું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે માવઠા જેવી સ્થિતિ ઊભી થાય તેવી આગાહી કરવામાં આવી છે. હાલ કેરીના લગભગ પાક તૈયાર થવાની તૈયારીમાં છે એવા સમયે જો કમોસમી વરસાદ આવે તો કેરીના પાકને ખૂબ મોટું નુકસાન થવાની શક્યતા છે. માર્ચ મહિનામાં પણ એક વખત માવઠું આવ્યું હતું અને તેને કારણે આંબા ઉપર જે મોરવા લાગવા જોઈએ તે સારી રીતે લાગી શક્યા ન હતા તેના કારણે શરૂઆતથી જ પાકને નુકસાન થયું હતું. જો હાલ કમોસમી વરસાદને વધુ નુકસાન થવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં અંદાજે 85 હજાર હેક્ટર જમીનમાં કેરીનું વાવેતર થાય છે. કમોસમી વરસાદ આવે તો આ વખતે કેરીનો સ્વાદ વધુ બગડવાની શક્યતા છે.