• Home
  • News
  • મોદીની ઐતિહાસિક US યાત્રા શરૂ:72 કલાકમાં 10 કાર્યક્રમ; ન્યૂયોર્કમાં યોગ કરશે, બાઇડન સાથે ડિનર કરશે; વ્હાઇટ હાઉસમાં ભવ્ય તૈયારી, દુનિયાની નજર મોદી પર
post

પીએમ મોદીની મુલાકાતનું ડિપ્લોમેટિક અને સ્ટ્રેટેજિક મહત્ત્વ છે

Written By newsonline | Ahmedabad | Published: 2023-06-20 19:31:30

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે સવારે તેમના 3 દિવસના યુએસ પ્રવાસ માટે રવાના થઈ ગયા છે. આ તેમની પ્રથમ સ્ટેટ વિઝિટ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને તેમને સ્ટેટ વિઝિટ માટે આમંત્રણ આપ્યું છે. તેઓ અત્યાર સુધીના બીજા ભારતીય વડાપ્રધાન અને ત્રીજા મોટા નેતા છે, જેમને અમેરિકા દ્વારા આ મુલાકાત માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.

અગાઉ 1963માં રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણન અને 2009માં મનમોહન સિંહ રાજ્યની મુલાકાતે અમેરિકા ગયા હતા. આ જ કારણ છે કે PM મોદીની અગાઉની 7 યુએસ મુલાકાતોની સરખામણીમાં આ મુલાકાત ઘણી ખાસ છે. આ દરમિયાન તેઓ 72 કલાકમાં 10 કાર્યક્રમમાં ભાગ લેશે અને ન્યૂયોર્કમાં યોગ પણ કરશે.

પીએમ મોદીએ કહ્યું- અમે ફ્રી ઈન્ડો-પેસિફિક માટે સાથે મળીને કામ કરી રહ્યા છીએ
અમેરિકા જતા પહેલાં પીએમ મોદીએ ટ્વીટ કર્યું હતું કે ભારત-અમેરિકા વચ્ચે ગાઢ સંબંધો છે અને દરેક ક્ષેત્રમાં અમારી ભાગીદારી સતત વધી રહી છે. અમેરિકા માલ અને સેવાઓમાં અમારું સૌથી મોટું ટ્રેડ પાર્ટનર છે. આ સિવાય અમે વિજ્ઞાન, ટેક્નોલોજી, સ્વાસ્થ્ય અને સંરક્ષણ ક્ષેત્રે પણ ભાગીદાર છીએ. બંને દેશો ઈન્ડો-પેસિફિકને મુક્ત અને ખુલ્લા બનાવવાની દિશામાં પણ સાથે મળીને કામ કરી રહ્યા છે.

મોદીએ કહ્યું- રાષ્ટ્રપતિ બાઈડન અને અન્ય યુએસ નેતાઓ સાથે મારી વાતચીત બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને વધુ આગળ લઈ જશે. મને વિશ્વાસ છે કે મારી યુએસ મુલાકાત લોકશાહી, વિવિધતા અને સ્વતંત્રતાનાં મૂલ્યો પર આધારિત અમારા સંબંધોને વધુ મજબૂત બનાવશે. વૈશ્વિક પડકારોનો સામનો કરવા માટે અમે એકસાથે મજબૂત રીતે ઊભા છીએ.

PM મોદી સાથે કોણ-કોણ જઈ રહ્યા છે અને શા માટે જઈ રહ્યા છે...
પીએમ મોદીની સાથે મંત્રીઓની એક ટીમ અને ટ્રેડ ડેલિગેશન પણ અમેરિકા ગયાં છે. આ ડેલિગેશનમાં આઈટી, સંરક્ષણ, ઉડ્ડયન અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ જેવાં વિવિધ ક્ષેત્રોના લોકો છે.

જ્યારે મંત્રીઓની ટીમમાં વિદેશ મંત્રી એસ જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલની હાજરી નિશ્ચિત માનવામાં આવી રહી છે. આ પ્રવાસમાં ભારત અને અમેરિકા વચ્ચે સંરક્ષણ, ટેક્નોલોજી, વ્યૂહાત્મક અને બિઝનેસ ડીલ થશે. પીએમ મોદી 20 અમેરિકન કંપનીઓના સીઈઓને પણ મળશે.

PM મોદીની આ મુલાકાત કેટલી મહત્ત્વની છે, તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે PM રવાના થયાના 15 દિવસની અંદર અમેરિકાના 2 મોટા નેતાઓ ભારત આવ્યા છે.

જ્યારે અમેરિકાના રક્ષામંત્રી લોયડ ઓસ્ટિન રાજનાથ સિંહને મળ્યા હતા. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવન ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને વિદેશ મંત્રી એસ જયશંકરને મળ્યા હતા. અમેરિકાના સંરક્ષણ પ્રધાને કહ્યું હતું કે બંને દેશો વચ્ચે ઘણા મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર ડીલ થઈ છે. પીએમ મોદીના યુએસ પ્રવાસ દરમિયાન આની જાહેરાત કરવામાં આવશે.

પીએમ મોદીની મુલાકાતનું ડિપ્લોમેટિક અને સ્ટ્રેટેજિક મહત્ત્વ છે
નાણાકીય વર્ષ 2022-2023માં ભારત અને અમેરિકા વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર 128 બિલિયન ડોલરને પાર થઈ ગયો છે. એટલે કે આ સમયમાં ભારત અને અમેરિકાએ 10 લાખ કરોડ રૂપિયાથી વધુનો બિઝનેસ કર્યો.

અમેરિકા એવા કેટલાક દેશોમાંથી એક છે જેની સાથે ભારતનો વેપાર સરપ્લસ છે. એટલે કે ભારત અમેરિકાને વધુ માલ વેચે છે અને ત્યાંથી ઓછો માલ ખરીદે છે. 2021-22માં ભારતનો યુએસ સાથે 32.8 અબજ ડોલરનો વેપાર સરપ્લસ હતો. ભારત આ વેપાર સરપ્લસ જાળવી રાખવા માંગે છે. આ સંદર્ભમાં પીએમની મુલાકાત મહત્ત્વની છે.

ડિપ્લોમેટિક અને સ્ટ્રેટેજિક રીતે પણ આ મુલાકાત ખૂબ જ ખાસ છે. ખરેખરમાં ચીનના મુદ્દે ભારત અને અમેરિકાની ચિંતા લગભગ સરખી જ છે. જ્યારે ભારત LAC અને હિંદ મહાસાગરમાં ચીનની દખલગીરીનો વિરોધ કરે છે.

સાથે જ અમેરિકા તાઈવાન અને દક્ષિણ ચીન સાગરમાં ચીનની ઘૂસણખોરીના પ્રયાસોનો પણ વિરોધ કરે છે. આવી સ્થિતિમાં ચીન સાથે વ્યવહાર કરવા માટે બંને દેશોને એકબીજાની જરૂર છે. આ સિવાય પીએમની આ મુલાકાત પર ભારતને વિશ્વના સૌથી અદ્યતન MQ-9 ડ્રોન અને ફાઈટર જેટ એન્જિન બનાવવા માટે અમેરિકા પાસેથી 11 ટેક્નોલોજી મળવાની શક્યતા છે.

રાષ્ટ્રપતિ બાઈડન પીએમ મોદીને 6 વખત મળ્યા છે
પીએમ મોદી આ પહેલાં 6 વખત અમેરિકાના રાષ્ટ્રપતિ બાઈડનને મળી ચૂક્યા છે. તેમની પ્રથમ મુલાકાત સપ્ટેમ્બર 2021માં અમેરિકામાં થઈ હતી. ત્યારબાદ બંને નેતાઓએ વ્હાઇટ હાઉસમાં લગભગ 90 મિનિટ સુધી વાતચીત કરી.

આ પછી મોદી અને બાઈડન ઓક્ટોબરમાં ઈટાલીમાં જી-20 સમિટ દરમિયાન મળ્યા હતા. બંને નેતાઓની આગામી બેઠક મે 2022માં QUAD સમિટ દરમિયાન થઈ હતી.

ત્યારબાદ બંનેની મુલાકાત જર્મનીમાં જૂન 2022માં G-7 સમિટ દરમિયાન થઈ હતી. આ પછી મોદી-બાઈડન નવેમ્બર 2022માં ઇન્ડોનેશિયાના બાલીમાં જી-20 સમિટ દરમિયાન મળ્યા હતા. બંને નેતાઓની છેલ્લી મુલાકાત મે 2023માં G7 દેશોની સમિટ દરમિયાન થઈ હતી. અહીં બાઈડને પીએમ મોદીનો ઓટોગ્રાફ માંગ્યો હતો.

 

adv

Related News

post
post
post
post
post
post
post