• Home
  • News
  • રાજ્યમાં ફરી ચોમાસું જામશે, સુરતમાં સવારથી ધોધમાર:દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં 6 જુલાઈ પછી ભારેથી અતિભારે વરસાદની સંભાવના; 7-8મીએ અમદાવાદમાં આગાહી
post

ગુજરાતમાં સિઝનના 35 ઇંચની સરેરાશ સામે જૂનમાં પોણા 10 ઇંચ (27.72%) વરસાદ પડ્યો છે

Written By newsonline | Ahmedabad | Published: 2023-07-05 19:18:42

રાજ્યમાં ચોમાસાની શરૂઆત સાથે જ ભારે વરસાદ ખાબક્યો છે. સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડ્યો છે. 25 જૂને ચોમાસું બેઠું ત્યારથી સતત વરસાદ ચાલુ છે. હજુ પહેલો રાઉન્ડ પૂર્ણ થયો નથી, ત્યાં બીજો રાઉન્ડ શરૂ થશે. ભારે વરસાદના પગલે નદીનાળાં છલકાયાં હતાં અને મોટાભાગના ડેમ પણ ઓવરફ્લો થઈ જવા પામ્યા છે.

ડાયમંડનગરીમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી
સુરત શહેરમાં વહેલી સવારે જ વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. પાલ, અડાજણ, રાંદેર, રિંગરોડ વેસુ વરાછા સહિતના વિસ્તારોમાં મુશળધાર વરસાદ શરૂ થયો હતો. હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ આજે વરસાદી માહોલ સર્જાયો છે. સુરત શહેરમાં સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો હતો. ગઈકાલે બપોર બાદ સુરતીઓએ બફારો અનુભવ્યો હતો. આજે વહેલી સવારથી જ વરસાદ શરૂ થઈ ગયો હતો. વીજળીના ચમકારા સાથે વરસાદી માહોલ સમગ્ર શહેરમાં જામી ગયો છે. વરસાદ થતાંની સાથે જ વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગઈ છે. ઘરેથી કામકાજ માટે બહાર નીકળતા લોકો રેઈનકોટ અને છત્રી લઈને બહાર નીકળતા દેખાયા.

 

પહેલા વરસાદમાં જ મોટાભાગના ડેમ પણ ઓવરફ્લો
રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. સમગ્ર રાજ્યમાં વરસાદ પડશે. ખાસ કરીને 7 અને 8 જુલાઈ એમ બે દિવસ રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડશે. 5 અને 6 જુલાઈ એમ બે દિવસ સામાન્ય વરસાદ ત્યાર બાદ રાજ્યમાં ભારે વરસાદ પડશે.

બે દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદ પડશે જેમાં પહેલા બે દિવસ સામાન્ય વરસાદ રહેશે. પરંતુ ત્યારબાદ સમગ્ર રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે. ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારે વરસાદ રહેશે. સમગ્ર રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ પડશે, અમદાવાદ શહેરમાં પણ 7 અને 8 જુલાઈ એમ બે દિવસ અતિભારે વરસાદ રહેશે. વલસાડ, દમણ, દાદરા-નગર હવેલી, ગીર સોમનાથ, મોરબી, ડાંગ, નવસારી સહિતના વિસ્તારમાં ભારે વરસાદ રહેશે.

જૂનમાં રાજ્યનાં જળાશયોની સ્થિતિ સુધરી
ગુજરાતમાં સિઝનના 35 ઇંચની સરેરાશ સામે જૂનમાં પોણા 10 ઇંચ (27.72%) વરસાદ પડ્યો છે. આ વરસાદ અત્યાર સુધીના જૂનમાં પડેલો પાંચમો સૌથી વધુ વરસાદનો રેકોર્ડ છે. 122 વર્ષમાં જૂનમાં સૌથી વધુ 12 ઇંચ વરસાદ 1980માં પડ્યો હતો. જ્યારે સૌથી ઓછો માત્ર 1.7 મિમી વરસાદ 1923માં નોંધાયો હતો. બીજી બાજુ સારા વરસાદના કારણે એક મહિનામાં 97966 કરોડ લિટર પાણી જળાશયોમાં સંગ્રહિત થઇ ચૂક્યું છે. બિપરજોય વાવાઝોડા બાદ ચોમાસાની ધમાકેદાર શરૂઆતના કારણે જૂનમાં રાજ્યનાં જળાશયોની સ્થિતિ સુધરી છે. રાજ્યના 251 તાલુકા પૈકી 112 તાલુકામાં સિઝનનો 25%થી વધુ વરસાદ નોંધાયો છે.

ઝોન વાઈઝ વરસાદ

·         કચ્છમાં સિઝનના સાડા 18 ઇંચની સામે જૂનમાં સવા 16 ઇંચ (87.33%) વરસાદ થયો છે. અંજાર, ગાંધીધામ, મુદ્રા અને ભુજમાં સિઝનનો 100% થી વધુ વરસાદ થઇ ચૂક્યો છે.

·         ઉત્તર ગુજરાતમાં સિઝનના 29 ઇંચ સામે જૂનમાં 8 ઇંચ (27.65%) વરસાદ થયો છે. ધાનેરામાં સૌથી વધુ 61.22% વરસાદ સાથે 51 તાલુકા પૈકી 29 તાલુકામાં 25%થી વધુ વરસાદ થઇ ચૂક્યો છે.

·         પૂર્વ-મધ્ય ગુજરાતમાં સિઝનના સાડા 32 ઇંચ સામે જૂનમાં સાડા 5 ઇંચ (16.59%) વરસાદ થયો છે. મહેમદાવાદમાં સૌથી વધુ 45.52% વરસાદ સાથે 64 તાલુકા પૈકી માત્ર 9 તાલુકામાં 25% થી વધુ વરસાદ થયો છે.

·         સૌરાષ્ટ્રમાં સિઝનના 29 ઇંચ સામે જૂનમાં 12 ઇંચ (41.18%) વરસાદ થયો છે. જામનગરમાં સૌથી વધુ 79.58% વરસાદ સાથે 80 તાલુકા પૈકી 64 તાલુકામાં 25%થી વધુ વરસાદ થઇ ચૂક્યો છે. દક્ષિણ ગુજરાતમાં સિઝનના પોણા 60 ઇંચ સામે જૂનમાં સાડા 12 ઇંચ (20.81%) વરસાદ થયો છે. વાલોદમાં સૌથી વધુ 40.23% વરસાદ સાથે 46 તાલુકા પૈકી માત્ર 10 તાલુકામાં 25%થી વધુ વરસાદ થયો છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post