• Home
  • News
  • ટ્વિટર CEOને જાહેરમાં ચર્ચા માટે મસ્કનો પડકાર:ક્હ્યુ - ટ્વિટર પર નકલી એકાઉન્ટ નથી તે સાબિત કરો
post

ટ્વિટરની કબૂલાતઃ ખામીને પગલે 54 લાખ યુઝર્સનો ડેટા ચોરાયો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2022-08-08 18:54:24

વિશ્વના સૌથી ધનવાન વ્યક્તિ અને ટેસ્લાના સીઈઓ ઈલોન મસ્ક અને ટ્વિટર તેમની વિવિધ લડાઈને લઈને ફરી એકવાર સમાચારોમાં છે. મસ્કે ટ્વિટરના સીઈઓ પરાગ અગ્રવાલને પડકાર ફેંક્યો છે કે, ‘તમે 100 ટ્વિટર એકાઉન્ટનું સેમ્પલિંગ કરીને એ તપાસ કરવાની પદ્ધતિ બતાવી દો કે ટ્વિટર પરના એકાઉન્ટ્સ નકલી નથી. તમે ટ્વિટર પર બોટ એટલે કે રોબોટ એકાઉન્ટ્સ વિશે મારી સાથે જાહેરમાં ચર્ચા કરો. તમે ફક્ત એટલું સાબિત કરી દો કે, ટ્વિટર પર રોજેરોજ ફક્ત પાંચ ટકા જ નકલી એકાઉન્ટ એક્ટિવ હોય છે.

મસ્કે ટ્વિટર પર એન્ડ્રિયા સ્ટ્રોપ્પા નામના એક ડેટા એનાલિસ્ટના ટ્વિટ પર િરપ્લાય કરતી વખતે આ વાત કરી હતી. સ્ટ્રોપ્પાએ લખ્યું હતું કે, ‘જ્યારે ઈલોન મસ્કે ટ્વિટરના નકલી એકાઉન્ટ અંગે સવાલ કર્યા, ત્યારે ટ્વિટરે અસ્પષ્ટ જવાબ આપ્યા હતા. ત્યાર પછી જૂનો ડેટા આપ્યો અને બાદમાં ફરી એકવાર ફેક ડેટા આપ્યો. છેવટે એવો ડેટા મળ્યો, જેમાં નકલી એકાઉન્ટ અગાઉથી જ સસ્પેન્ડ કરી દેવાયા હતા.આ ટ્વિટના જવાબમાં મસ્કે ઉપરોક્ત વાત કરી અને કહ્યું કે, ‘બધી મુશ્કેલીઓનો સાર આ જ છે. ટ્વિટર પર એકાઉન્ટ્સ સેમ્પલિંગ અને વેરિફિકેશન મેથડ જાણવી જરૂરી છે. જો એ વાત સાચી હશે તો હું 44 અબજ ડૉલરનો સોદો જૂની શરતો પર ચાલુ રાખીશ. જોકે, અમેરિકન નિયામક સંસ્થાને આપેલી આ માહિતી ખોટી નીકળશે તો આ સોદો નહીં થઈ શકે.

બીજી તરફ, મસ્ક સાથેના વિવાદો વચ્ચે ટ્વિટર સામે ડેટા ચોરીના પ્રશ્નો પણ ઉઠ્યા હતા. હાલમાં જ સમાચાર હતા કે, ટ્વિટરના 54 લાખ યુઝર્સનો ડેટા ચોરાઈ ગયો છે, જે અંગે ટ્વિટરે કોઈ પુષ્ટિ નહોતી કરી. પરંતુ હવે ટ્વિટરે સ્વીકાર્યું છે કે, કેટલાક હેકરે તેમના પ્લેટફોર્મમાં ઘૂસણખોરી કરીને યુઝર્સનો ડેટા ચોર્યો હતો. આ સાથે કંપનીએ યુઝર્સને તેમનો ડેટા સુરક્ષિત હોવાનું પણ આશ્વાસન આપ્યું છે.

મસ્કે નકલી એકાઉન્ટ મુદ્દે જ ટ્વિટર સાથે 44 અબજ ડૉલરની ડીલ રદ કરી હતી. મસ્કનું કહેવું હતું કે, જ્યાં સુધી ટ્વિટર નકલી એકાઉન્ટની સાચી માહિતી ના આપે, ત્યાં સુધી આ ડીલ શક્ય નથી. ટ્વિટર કહે છે કે, માઈક્રોબ્લોગિંગ સાઈટ્સ પર રોજ કુલ યુઝર્સના ફક્ત પાંચ ટકા જ બોટ યુઝર્સ હોય છે, પરંતુ મસ્કનું કહેવું છે કે, આ સંખ્યા ઘણી વધુ હોઈ શકે છે.

મસ્ક-ટ્વિટર સામસામે, 17 ઓક્ટોબરથી ડેલવરની કોર્ટમાં પાંચ દિવસ સુનાવણી
ટ્વિટર સાથે 44 અબજ ડૉલરની ડીલ રદ કરતા ટ્વિટરે મસ્ક સામે કેસ કર્યો છે, જેની સુનાવણી સપ્ટેમ્બરમાં શરૂ થશે. આ સુનાવણી અમેરિકાના ડેલવરની એક કોર્ટમાં 17 ઓક્ટોબરે શરૂ થઈને પાંચ દિવસ સુધી ચાલશે. ટ્વિટર સતત આ સુનાવણીને વહેલી કરાવવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ મસ્ક ઈચ્છે છે કે આ કેસની સુનાવણી આગામી વર્ષે ફેબ્રુઆરીમાં થાય. મસ્કે ટ્વિટર પર છેતરપિંડીનો આરોપ મૂકીને કાઉન્ટર કેસ કર્યો છે.

યુઝર્સનો ડેટા 30 હજાર ડૉલરમાં વેચાયો હતો
ડિજિટલ પ્રાઈવેસીની વકીલાત કરનારી સંસ્થા રિસ્ટોર પ્રાઈવેસીએ ગયા મહિને જારી રિપોર્ટમાં કહ્યું હતંુ કે, કેટલાક લોકો સોફ્ટવેરમાં ગરબડ સર્જીને ભેગો કરેલો ટ્વિટર ડેટા 30 હજાર ડૉલરમાં વેચી રહ્યા છે. આ અહેવાલ પછી ટ્વિટરમાં યુઝર્સની સુરક્ષાના અનેક પ્રશ્નો સર્જાયા હતા, પરંતુ ત્યારે પણ ટ્વિટરે સંતોષજનક નિવેદન નહોતું આપ્યું.

 

adv

Related News

post
post
post
post
post
post
post