• Home
  • News
  • ન્યૂયોર્કની સ્કૂલો આપશે હવે દિવાળી વેકેશન:મેયરે કહ્યું- હેપ્પી દિવાળી; અમેરિકન સંસદમાં સરકારી રજા માટે બિલ રજૂ કરવામાં આવ્યું
post

આ બિલ 25 મેના રોજ US સંસદમાં રજૂ કરવામાં આવ્યું હતું

Written By newsonline | Ahmedabad | Published: 2023-06-27 19:54:57

હવેથી ન્યૂયોર્કની શાળાઓમાં દિવાળીની રજા રહેશે. ન્યૂયોર્ક ટાઈમ્સ અનુસાર, આ માટેનું બિલ રાજ્ય વિધાનસભામાં પસાર થઈ ગયું છે. ન્યૂયોર્કના મેયર એરિક એડમ્સે સોમવારે આની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું- મને ખાતરી છે કે ગવર્નર કેથી આ બિલ પર હસ્તાક્ષર કરશે. આ સાથે ન્યૂયોર્કમાં રહેતા 2 લાખથી વધુ પરિવારોને ઉત્સવ વધુ સારી રીતે ઊજવવાની તક મળશે.

મેયરે કહ્યું- મને આનંદ થાય છે કે દિવાળી પર રજા જાહેર કરવાની આ લડતમાં હું સ્થાનિક સમુદાય અને વિધાનસભા સભ્ય જેનિફર રાજકુમાર સાથે ઊભો હતો. આ સાથે તેમણે ટ્વિટર પર શુભ દિવાળી પણ લખ્યું હતું. ગવર્નરની સહી બાદ તમામ શાળાઓમાં આ ફેરફાર લાગુ કરવામાં આવશે. આ વર્ષે દિવાળી 12 નવેમ્બર, એટલે કે રવિવારે ઊજવવામાં આવી રહી છે, તેથી આ વર્ષના કેલેન્ડરમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં.

મેયરે કહ્યું- ન્યૂયોર્કમાં દરેકને અપનાવવામાં આવે છે
ન્યૂયોર્કમાં દિવાળી પર શાળાઓમાં રજા સાથે સંબંધિત આ બિલ વિધાનસભા સભ્ય જેનિફર રાજકુમાર દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. મેયર એડમ્સ સાથેની પ્રેસ-કોન્ફરન્સ બાદ તેમણે કહ્યું- મને ખુશી છે કે મેં ન્યૂયોર્કના લોકો વતી આ લડાઈ શરૂ કરી અને જીતી લીધી. એડમ્સે કહ્યું- આ નિર્ણય તે લોકો માટે એક મેસેજ છે, જેમણે ન્યૂયોર્કમાં રહીને એવો અનુભવ થયો છે કે તેમનો સ્વીકાર કરવામાં આવતો નથી. ન્યૂયોર્ક બધા જ લોકો માટે બન્યું છે અને અહીં દરેક વ્યક્તિને અપનાવવામાં આવી રહી છે.

આ બિલ 25 મેના રોજ US સંસદમાં રજૂ કરવામાં આવ્યું હતું
આ પહેલાં અમેરિકામાં 25 મેના રોજ નીચલા ગૃહના સાંસદ ગ્રેસ મેંગે દિવાળીને સરકારી રજા તરીકે જાહેર કરવાની માગ કરી હતી. આ માટે તેમણે સંસદમાં બિલ પણ રજૂ કર્યું હતું. આ બિલને 'દિવાળી ડે એક્ટ' નામ આપવામાં આવ્યું હતું. બિલ હેઠળ અમેરિકામાં દિવાળીને 12મી સત્તાવાર રજા તરીકે જાહેર કરવાની માગ કરવામાં આવી હતી.

પેન્સિલ્વેનિયામાં પાસ થયું બિલ
હાલમાં પેન્સિલવેનિયા રાજ્યની સેનેટમાં દિવાળીને સત્તાવાર રજા તરીકે જાહેર કરવા સંબંધિત બિલ પસાર કરવામાં આવ્યું છે. એની પહેલ ધારાસભ્ય નિખિલ સવલ દ્વારા કરવામાં આવી હતી. બીજી તરફ, ફ્લોરિડાના ગવર્નર રોન ડી-સેન્ટિસ પણ 2019થી ગવર્નર હાઉસમાં ભારતીય-અમેરિકન સમુદાયના લોકો સાથે દિવાળીની ઉજવણી કરી રહ્યા છે.

14 વર્ષ પહેલાં 2009માં તત્કાલીન રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ વ્હાઇટ હાઉસમાં દિવાળીની ઉજવણી શરૂ કરી હતી. ત્યારથી દર વર્ષે અહીં રોશનીનો તહેવાર ઊજવવામાં આવે છે.

અમેરિકામાં 44 લાખ ભારતીયો

UN ઈન્ટરનેશનલ માઈગ્રેશન રિપોર્ટ મુજબ, દુનિયામાં આશરે 1.80 કરોડ પ્રવાસી ભારતીય છે, તેમાંથી 44 લાખ લોકો અમેરિકામાં રહે છે. કેલિફોર્નિયા, ટેક્સાસ, ન્યૂજર્સી, ન્યૂયોર્ક, ઈલિનોઈસમાં તેમની સૌથી વધુ વસતિ છે. અમેરિકન એડમિનિસ્ટ્રેશનમાં 80થી વધુ ભારતવંશીય મહત્ત્વનાં પદો પર તહેનાત છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post