• Home
  • News
  • 'બેશરમ રંગ'ને લઈને હવે મુસ્લિમોનો પણ વિરોધ:RTI એક્ટિવિસ્ટ દાનિશે ખાને કહ્યું- દીપિકાએ ભગવા નહીં પીરબાબાનાં કપડાં પહેર્યાં, MP સ્પીકરે શાહરુખને ફેંક્યો પડકાર
post

શાહરુખ અને દીપિકા સ્ટારર ફિલ્મ 'પઠાન' હજુ તો રિલીઝ નથી થઈ ત્યાં વિરોધનો વંટોળ ફૂંકાવા લાગ્યો છે

Written By newsonline | Ahmedabad | Published: 2022-12-19 20:03:13

મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રા બાદ રાજ્ય વિધાનસભાના અધ્યક્ષ ગિરીશ ગૌતમે પણ અભિનેતા શાહરુખ ખાનની રિલીઝ થનારી ફિલ્મ પઠાનનો વિરોધ કર્યો છે. ગિરીશ ગૌતમે શાહરુખને પડકાર ફેંકતાં કહ્યું હતું કે શાહરુખ પોતાની પુત્રી સાથે આ ફિલ્મ જોઈને બતાવે. તેમણે વધુમાં કહ્યું હતું કે શાહરુખે તેની પુત્રી સાથે આ ફિલ્મ જોતાં તેની એક તસવીર પણ અપલોડ કરવી જોઈએ અને દુનિયાને જણાવવું જોઈએ કે તે તેની પુત્રી સાથે પણ આ ફિલ્મ જોઈ રહ્યો છે.

ગિરીશ ગૌતમે વધુમાં કહ્યું હતું કે હું તમને પયગંબર પર આવા જ પ્રકારની ફિલ્મ બનાવવા અને એને રિલીઝ કરવાનો પડકાર ફેંકું છું. સિનેમા હોલમાં 'પઠાન' પર પ્રતિબંધ મૂકવાની માગ વચ્ચે આજથી શરૂ થતા પાંચ દિવસીય શિયાળુ સત્ર પહેલાં વિધાનસભા અધ્યક્ષ ગૌતમે આ વાત જણાવી હતી.

ફિલ્મ ગંદી માનસિકતાને દર્શાવે છે
વિપક્ષના નેતા ડો. ગોવિંદ સિંહ અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી સુરેશ પચૌરી સહિત કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ પણ આ ફિલ્મનો વિરોધ કરતાં કહ્યું હતું કે તે "આ ફિલ્મ આપણાં મૂલ્યોની વિરુદ્ધની છે." સુરેશ પચૌરીએ કહ્યું, "એ પઠાન વિશે નથી, પરંતુ વસ્ત્રો (કપડાં) વિશેની છે. ભારતીય સંસ્કૃતિ કોઈપણ મહિલાને આ પ્રકારનાં કપડાં પહેરવાની અને એનાં દૃશ્ય જાહેરમાં પ્રદર્શિત કરવાની મંજૂરી આપતી નથી, પછી ભલે તે હિંદુ, મુસ્લિમ અથવા અનુયાયી હોય. ગયા બુધવારે નરોત્તમ મિશ્રાએ ફિલ્મના એક ગીત સામે વાંધો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે "ગીતમાં કોસ્ચ્યૂમ વાંધાજનક છે. ગીત એક ગંદી માનસિકતાને દર્શાવે છે."

મધ્યપ્રદેશમાં આ ફિલ્મને રિલીઝ કરવા દેવી કે નહીં એ અમે નક્કી કરીશું
નરોત્તમ મિશ્રાનું નિવેદન 'પઠાન'ના નિર્માતાઓએ 'બેશરમ રંગ' ગીત રિલીઝ કર્યાના બે દિવસ બાદ આવ્યું છે. તેમણે કહ્યું હતું કે હું ફિલ્મના નિર્માતાઓને ગીતમાં દર્શાવેલા વાંધાજનક ભાગોને દૂર કરવાની ભલામણ કરું છું. અગાઉ દીપિકા પાદુકોણ JNUમાં 'ટુકડે-ટુકડે ગેંગ'નું સમર્થન કર્યું હતું, તેની માનસિકતા છતી થઈ છે. મિશ્રાએ વધુમાં જણાવ્યું હતું કે ગીતનું ટાઈટલ બેશરમ રંગ પણ વાંધાજનક છે, સાથે જ કોસ્ચ્યૂમમાં આ પ્રકારના ભગવા અને લીલા રંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે એ પણ વાંધાજનક છે. તેના સીનમાં બદલાવ કરવો જોઈએ. જો આ બાબતે કોઈ બદલાવ કરવામાં નહીં આવે તો મધ્યપ્રદેશમાં આ ફિલ્મને રિલીઝ કરવા દેવી કે નહીં એ અમે નક્કી કરીશું.

વિવાદ પાછળ શું છે કારણ?
'
પઠાન'ના ગીત 'બેશરમ રંગ...'માં દીપિકા પાદુકોણે કેસરી બિકિની પહેરી છે. વિરોધીઓનું કહેવું છે કે ભગવો રંગ હિંદુ ધર્મનું પ્રતીક છે અને દીપિકા આ ​​રંગનાં કપડાં પહેરીને 'બેશરમ રંગ...' ગીત પર ડાન્સ કરી રહી છે, જે તદ્દન વાંધાજનક છે. બિકિની માટે કેસરી જેવા પવિત્ર રંગનો ઉપયોગ કોઈપણ રીતે સ્વીકારવામાં નહીં આવે.

બેશરમ રંગને લઈને હવે મુસ્લિમોનો પણ વિરોધ

પઠાન ફિલ્મના 'બેશરમ રંગ' ગીતનો હવે મુસ્લિમ સમુદાય દ્વારા પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે. RTI એક્ટિવિસ્ટ દાનિશ ખાને રાષ્ટ્રીય માનવધિકાર આયોગ (NHRC)માં આ વિશે ફરિયાદ નોંધાવી છે. તેમનું કહેવું છે કે, જેને લોકો ભગવો રંગ કહે છે તે હકીકતમાં પીરબાબાનો રંગ છે અને મુસ્લિમ સમાજમાં તેનું ઘણું મહત્ત્વ છે. દાનિશે પણ ફિલ્મમાંથી ગીત હટાવવાની માંગ કરી છે.

ફરિયાદમાં લખ્યું- આ ગીતથી હિન્દુ-મુસ્લિમ બધાની ભાવનાને ઠેસ પહોંચે છે દાનિશે તેની ફરિયાદમાં લખ્યું છે- જેને લોકો ભગવો કહે છે હકીકતમાં તે ચિશ્તી (પીરબાબા પહેરતાં હોય તેવાં કપડાનો રંગ) રંગ છે. અને મુસ્લિમો માટે તે ખૂબ મહત્ત્વનું માનવામાં આવે છે. આ ગીતથી હિન્દુ-મુસ્લિમ બધાની લાગણીઓ દુભાય છે. તેથી અમારી એવી માંગ છે કે, આ ગીતને ફિલ્મમાંથી હટાવી દેવું જોઈએ.

શાહરુખ અને દીપિકા સ્ટારર ફિલ્મ 'પઠાન' હજુ તો રિલીઝ નથી થઈ ત્યાં વિરોધનો વંટોળ ફૂંકાવા લાગ્યો છે. દેશનાં 7 રાજ્યમાં વિરોધ શરૂ થયો છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન, બિહાર, ઉત્તરપ્રદેશ, છત્તીસગઢ, ગુજરાત અને મહારાષ્ટ્ર તો ફિલ્મ રિલીઝ કરવામાં આવશે તો ખરાબ ઘટના પણ બની શકે છે. બિહારના મુઝફ્ફરપુરમાં શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણ સહિત પાંચ લોકો પર ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા અને અશ્લીલતા ફેલાવવા અંગેની ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે.

adv

Related News

post
post
post
post
post
post
post