• Home
  • News
  • ફાઈઝર વેક્સિન બ્રિટનમાં મંજૂર - આ રસી કેટલા સમય સુધી સુરક્ષા આપશે, એ એક વર્ષ પછી ખબર પડશે
post

ફાઈઝરના બ્રિટન, અમેરિકા, જાપાન, ઈયુ સાથે કરાર, ભારતને વેક્સિન આપવાની હાલ કોઈ યોજના નથી

Written By newsonline | Ahmedabad | Published: 2020-12-03 11:34:01

દુનિયામાં કોરોના વાઈરસ આવ્યાના એક વર્ષ પછી તેના ખાત્માની દવા પણ શોધાઈ ગઈ છે. બ્રિટને બુધવારે અમેરિકન કંપની ફાઈઝર અને જર્મન કંપની બાયોએનટેકની સંયુક્ત કોરોના વેક્સિનના ઈમર્જન્સી ઉપયોગની મંજૂરી આપી દીધી છે. આ સાથે બ્રિટન, ત્રણ ટ્રાયલ પૂરા કરી ચૂકેલી કોઈ વેક્સિનને મંજૂરી આપનારો પહેલો દેશ બની ગયો છે. બ્રિટિશ પીએમ બોરિસ જોનસને કહ્યું કે, આ વેક્સિન લોકોની જિંદગી બચાવવાની સાથે સ્થિતિ સામાન્ય કરવામાં પણ મદદરૂપ થશે. યુકેના આરોગ્ય મંત્રી મેટ હેન્કોકે કહ્યું કે, ક્રિસમસ પહેલા એટલે કે આ‌વતા અઠવાડિયાથી આઠ લાખ ડૉઝ સાથે બ્રિટનમાં સામાન્ય લોકોને વેક્સિન લગાવવાનું શરૂ થઈ જશે.

પ્રશ્નઃ 10 વર્ષમાં બનતી વેક્સિન 10 મહિનામાં કેવી રીતે બની ગઇ? કોઇ શોર્ટકટ અપનાવાયો?
જવાબઃ છેલ્લે 1960માં મમ્પસ (ગાલપચોળિયું)ની વેક્સિન બની હતી, જેમાં 4 વર્ષ લાગ્યા હતા. કોરોના વેક્સિન 10 મહિનામાં બની પણ કોઇ શોર્ટકટ નથી અપનાવાયો. દરેક તબક્કાની ટ્રાયલ થઇ. બ્રિટન સરકારે રિસર્ચ પાછળ 59 હજાર કરોડ રૂ. ખર્ચ્યા. નિયામકે હજારો પાનાંના દસ્તાવેજોની માહિતીની મથામણમાં પડવાના બદલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા ડેટાનો અભ્યાસ કર્યો. તેના કારણે સમય બચ્યો અને મંજૂરીની પ્રક્રિયા ઝડપી બની. નિયામક એમએચઆરએનાં હેડ જૂન રૈનીએ કહ્યું કે આ માટે સમગ્ર ટીમે 24 કલાક કામ કર્યું.

પ્રશ્નઃ લોકો કેવી રીતે જાણી શકશે કે આ વેક્સિન સુરક્ષિત છે?
જવાબઃ ફાઇઝર-બાયોએનટેકે 44 હજાર લોકો પર ટ્રાયલ કરી છે. કોઇને ગંભીર આડઅસર નથી થઇ. માત્ર થાક, માથાના દુખાવાના કેસ હતા.

પ્રશ્નઃ ભારતમાં ફાઇજરની વેક્સિન આવવી કેમ મુશ્કેલ છે? કંપની સાથે સરકારની વાત થઇ છે?
જવાબઃ આ વેક્સિનના પેકિંગ-સ્ટોરેજથી માંડીને વેક્સિન અપાય ત્યાં સુધી તેને -70 ડિગ્રી તાપમાને રાખવી જરૂરી છે. ભારતમાં હજુ આવી કોઇ તૈયારી નથી. ફાઇજરે ભારતમાં વેક્સિન લૉન્ચ કરવા અંગે હજુ કોઇ વાત કરી નથી. સૂત્રોનું કહેવું છે કે ભારત સરકારે પણ ફાઇજર સાથે વેક્સિનના કરાર અંગે કોઇ વાત નથી કરી.

પ્રશ્નઃ તો શું આ વેક્સિન માત્ર બ્રિટનમાં જ અપાશે?
જવાબઃ એવું નથી. ફાઇજરે અમેરિકામાં પણ એપ્રૂવલ માટે અરજી કરી છે. તદુપરાંત, જાપાન અને ઇયુ સાથે પણ કરાર થયેલો છે. હાલ કંપનીની જેટલી ઉત્પાદનક્ષમતા છે તે જોતાં પહેલાંના કરાર પૂરા કરવામાં જ કંપનીને એક વર્ષ લાગી શકે છે. જોકે, ફાઇજર ઉત્પાદન માટે બીજા દેશોની કંપનીઓનો પણ સંપર્ક કરી શકે છે.

પ્રશ્નઃ ફાઈઝર કેટલા ડૉઝ બનાવશે?
જવાબઃ ફાઈઝર અને બાયોએનટેક મળીને ડિસેમ્બરમાં 5 કરોડ ડૉઝ બનાવી લેશે. 2021માં 130 કરોડ ડૉઝ બનાવવાની તૈયારી છે. તેના માટે ફાઈઝરે બીજા નિર્માતાઓની મદદ લેવી પડી શકે છે. ફાઈઝર-બાયોએનટેકે બ્રિટનની સાથે આગામી વર્ષ(2021) સુધી 4 કરોડ વેક્સિન ડૉઝ ઉપલબ્ધ કરાવવાનો કરાર કર્યો છે. બે કરોડ લોકોને બે-બે ડૉઝ અપાશે. કંપની બાકીની વેક્સિન બીજા દેશોને આપશે.

પ્રશ્નઃ બ્રિટનમાં પહેલા કોને વેક્સિન અપાશે?
જવાબઃ સરકારની પ્રાથમિકતામાં ઘરોમાં સારવાર હેઠળ દર્દી અને હેલ્થ વર્કર છે. તેના પછી 80 વર્ષથી વધુના વૃદ્ધો અને પહેલાથી કોઈ બીજી બીમારી સામે ઝઝૂમી રહેલા લોકોને વેક્સિન અપાશે. પછી અલગ અલગ તબક્કે 75,70, અને 65 વર્ષથી ઉપરના લોકોને અપાશે. બાળકોને વેક્સિન આપવાની હાલ કોઈ યોજના નથી.

પ્રશ્નઃ જો કોઈ ભારતીય કે અન્ય દેશનો નાગરિક ઈંગ્લેન્ડમાં રહે છે તો શું તેને પણ વેક્સિન અપાશે?
જવાબઃ રસીકરણ માટે એક વિશેષ સમિતિ બનાવાઈ છે. તે બે-ત્રણ દિવસમાં ભલામણ સોંપશે કે બહારથી આવેલા કયા વર્ગને પહેલા અને કોને પછીથી આપવી છે.

પ્રશ્નઃ વેક્સિન લાગી ગયા બાદ શું પડકાર રહેશે?
જવાબઃ યુરોપિયન મેડિસિન એજન્સીના વડા એમર કુકે જણાવ્યું કે વેક્સિન લાગી ગયા બાદ પરિણામ જાણવા માટે એ લોકો પર નજર રાખવી પડશે. આ સૌથી મોટો પડકાર રહેશે.

પ્રશ્નઃ આ વેક્સિન કેટલાં સમય સુધી ઈમ્યુનિટી આપશે?
જવાબઃ તેને સમજવામાં વિજ્ઞાનીઓને હાલ હજુ એક વર્ષ લાગી શકે છે કેમ કે કોઈપણ વેક્સિનની અસરનું આકલન કરવું લગભગ અસંભવ છે પણ એક વાત સ્પષ્ટ છે કે અત્યાર સુધી જે કંપનીઓની ટ્રાયલ ત્રીજાં તબક્કામાં છે તેમની કોઈ ગંભીર આડઅસર સામે આવી નથી.

ભારતમાં 4 વિકલ્પ, 3 વેક્સિન છેલ્લા તબક્કાના ટ્રાયલમાં છે

કિંમત

તબક્કો

અસર

કોવિશીલ્ડ

500

3

90%

કોવેક્સિનિ

1000

3

----

સ્પુતનિક

700

3

95%

ઝાયકોવ-ડી

નક્કી નથી

2

----

·         કોવિશીલ્ડ વેક્સિન બનાવતી કંપની સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયાએ કહ્યું કે, આવતા વર્ષની શરૂઆતમાં ભારતમાં 10 કરોડ વેક્સિનનો પુરવઠો પહોંચાડવાની તૈયારી થઈ ચૂકી છે.

·         રશિયન વેક્સિન સ્પુતનિક-5ના ટ્રાયલ ભારતમાં મંગળવારે શરૂ કરાયા હતા. આ માટે રશિયન કંપનીએ ભારતમાં ડૉ. રેડ્ડી લેબોરેટસીઝ સાથે કરાર કર્યો છે.

·         બીજી તરફ, રશિયન સરકારે પણ બુધવારે દાવો કર્યો કે, ત્યાં આવતા અઠવાડિયે સામાન્ય લોકોને સ્પુતનિક-5 વેક્સિન લગાવવાનું શરૂ થઈ જશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post