• Home
  • News
  • PM મોદીએ ઈલેક્ટોરલ બોન્ડનો વિરોધ કરનારા પર મન ભરીને વરસ્યા
post

પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે અમે સ્કીમ બનાવી તો દાનના સ્રોતની ખબર પડી, ખામી સુધારી શકાય છે

Written By newsonline | Ahmedabad | Published: 2024-04-01 19:32:27

નવી દિલ્લી: લોકસભા ચૂંટણી પહેલાં PM નરેન્દ્ર મોદીએ તામિલનાડુની ન્યૂઝ ચેનલ થાંથી ટીવીને ઈન્ટરવ્યૂ આપ્યો હતો. આમાં તેમણે પહેલીવાર ઈલેક્ટોરલ બોન્ડ મુદ્દે જવાબ આપ્યો. તેમને પૂછવામાં આવ્યું હતું કે શું ચૂંટણી બોન્ડના ડેટા સાર્વજનિક થવાથી પાર્ટીને ઝટકો લાગ્યો છે? આ બાબતે તેમણે કહ્યું- 2014 પહેલાં પણ ચૂંટણીમાં ખર્ચ થતો હતો. ત્યારે કયા રૂપિયા કયાંથી આવ્યા અને કોણે ખર્ચ્યા એની કોઈ માહિતી મળતી ન હતી. સિસ્ટમમાં ખામીઓ હોઈ શકે છે. કોઈપણ સિસ્ટમ સંપૂર્ણ નથી. ખામીઓને સુધારી શકાય છે. રવિવારે (31 માર્ચ) બીજેપીની યુટ્યૂબ ચેનલ પર જાહેર કરાયેલા આ ઈન્ટરવ્યૂમાં તેમણે કહ્યું- જો મોદીએ ઈલેક્ટોરલ બોન્ડની સ્કીમ બનાવી છે તો એ જાણી શકાય છે કે કયા રૂપિયા કોને અને ક્યારે આપવામાં આવ્યા હતા. જે લોકો ડેટા સાર્વજનિક થવા અંગે અવાજ ઉઠાવી રહ્યા છે તેમને પાછળથી પસ્તાવો થશે. આ સિવાય પીએમને ઈન્ટરવ્યૂમાં પૂછવામાં આવ્યું કે વિપક્ષ સરકાર પર ED-CBIના દુરુપયોગનો આરોપ લગાવી રહ્યો છે. એના પર પીએમે કહ્યું- અમે EDની સ્થાપના નથી કરી, ન તો અમારી સરકાર PMLA કાયદો લાવી છે.

 પીએમ મોદીએ ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં શું કહ્યું:

1. કોંગ્રેસના સાંસદના ઘરેથી EDને નોટોનો ઢગલો મળ્યો
ED
અને CBIએ સ્વતંત્ર રીતે કામ કરવું પડશે અને કોર્ટના ચુકાદામાં નિષ્પક્ષ રહેવું પડશે. ED પાસે હાલમાં 7 હજાર કેસ છે. એમાંથી રાજનેતાઓને લગતા કેસ 3 ટકાથી ઓછા છે.

હાલમાં નોટોના ઢગલા પકડાઈ રહ્યા છે. વોશિંગ મશીનમાંથી પણ નોટો મળી આવી હતી. ઘરોમાં પાણીના પાઈપોમાંથી ચલણી નોટોનાં બંડલ મળી આવ્યાં હતાં. કોંગ્રેસના સાંસદના ઘરે અને બંગાળના મંત્રીઓના ઘરેથી ચલણી નોટોના ઢગલા મળી આવ્યા છે. અમે બંગાળમાં લગભગ 3 હજાર કરોડ રૂપિયા જપ્ત કર્યા છે. દેશની જનતા આ બધી બાબતો સહન કરવા તૈયાર નથી.

2. પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમના આમંત્રણે મને ચોંકાવી દીધો અયોધ્યા મંદિરના પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમ માટેના આમંત્રણે મને ચોંકાવી દીધો. આ પછી મેં નક્કી કર્યું કે હું 11 દિવસ સુધી અનુષ્ઠાન કરીશ. જ્યારે હું અયોધ્યા પહોંચ્યો, હું એક સમયે એક ડગલું ચાલતો હતો ત્યારે મારા મનમાં ઈરાદો હતો કે હું PM હોવાના કારણે જઈ રહ્યો છું કે પછી ભારતના નાગરિક તરીકે જઈ રહ્યો છું.

હું ભક્ત તરીકે ત્યાં ગયો હતો. જેવો હું રામલલ્લાની સામે પહોંચ્યો. હું ત્યાં અટકી ગયો. શરૂઆતમાં હું પંડિતોના કહેવા પર ધ્યાન પણ ન આપી શક્યો. મારા મનમાં વિચારો આવ્યા કે રામલલ્લા મને કહી રહ્યા હતા કે હવે સુવર્ણ યુગ શરૂ થયો છે. ભારતના દિવસો આવી ગયા છે. હું રામલલ્લાનાં દર્શનને શબ્દોમાં વ્યક્ત કરી શકતો નથી.

3. વિદેશનીતિ પર કહ્યું- મારા માટે દરેક દેશ મહત્ત્વપૂર્ણ છે
હું જે કંઈપણ કરું છું એ ટોપ-રેટેડ હોવું જોઈએ. મેં જે પણ કામ કર્યું છે, મેં એના પર બરાબર ધ્યાન આપ્યું છે. વિદેશી બાબતોની વાત કરું તો મારા માટે એક નાનું રાષ્ટ્ર એક મોટા દેશ જેટલું જ મહત્ત્વનું છે.

આજે વિશ્વ ભારતને વિશ્વબંધુ તરીકે જુએ છે. વિશ્વના તમામ દેશો ભારત સાથે પોતાનાપણું અનુભવે છે. દરેક દેશ ભારતમાં માને છે અને અમારી પાસેથી ઘણી અપેક્ષાઓ ધરાવે છે. અમે અમારાં પોતાનાં હિતોને પ્રાધાન્ય આપીને વૈશ્વિક સુખાકારીમાં માનીએ છીએ.

4. અમારું ગઠબંધન સમાજને જોડે છે
NDA
એક મજબૂત ગઠબંધન છે, જે સમાજના વિવિધ વર્ગોને જોડે છે. તે લોકોની આકાંક્ષાઓનું પ્રતિનિધિત્વ કરે છે. ભાજપ અને એનડીએને મળેલા મતો ડીએમકે વિરોધી નથી, પરંતુ ભાજપતરફી છે. છેલ્લાં 10 વર્ષમાં અમે જે કામ કર્યું છે એ લોકોએ જોયું છે. તામિલનાડુએ નક્કી કર્યું છે કે આ વખતે તેણે ભાજપ-એનડીએને જ મત આપવાનો છે.

5. અન્નામલાઈ રાષ્ટ્રની સેવા કરવા માગે છે
જ્યારે અમારી પાસે એકપણ મ્યુનિસિપલ ઉમેદવાર નહોતા ત્યારે અમે તામિલનાડુ માટે કામ કર્યું હતું. અન્નામલાઈ યુવા મતદારોને પાર્ટી તરફ આકર્ષિત કરી રહ્યા છે. યુવા મતદારો માને છે કે જો અન્નામલાઈને પૈસા જોઈતા હોત અથવા ભ્રષ્ટાચાર આચરવા માગતા હોત તો તેઓ ડીએમકેમાં જોડાઈ ગયા હોત. અન્નામલાઈ અંગત કારણોસર નહીં, પરંતુ દેશની સેવા કરવા માટે ભાજપમાં જોડાયા છે. તેઓ આપણા દેશ અને તામિલનાડુ માટે કામ કરી રહ્યા છે.

6. તામિલનાડુની ધરોહર સાથે અન્યાય થયો છે
અમે તામિલનાડુના મહાન વારસા સાથે અન્યાય કર્યો છે. હું આ બાબતે ખૂબ ગુસ્સામાં છું. ભારતમાં વિશ્વની સૌથી જૂની ભાષા 'તમિળ' છે, એમ છતાં આપણને એનો ગર્વ નથી. આ વિરાસતની વિશ્વભરમાં પ્રશંસા થવી જોઈએ.

મોદીએ કહ્યું- જે રીતે તામિલનાડુની વાનગીઓનું ગ્લોબલાઈઝેશન કરવામાં આવ્યું છે એ જ રીતે આપણે પણ તમિળ ભાષાના ઉપયોગને પ્રોત્સાહન આપવું જોઈએ. તમિળ ભાષાનું રાજનીતિકરણ માત્ર તામિલનાડુ માટે જ નહીં, પરંતુ ભારત માટે પણ નુકસાનકારક છે.

7. તામિલનાડુમાં અપાર સંભાવનાઓ છે
હું રાજકારણી છું, એનો અર્થ એ નથી કે હું માત્ર ચૂંટણી જીતવા માટે કામ કરું છું. જો મારો એકમાત્ર ઉદ્દેશ ચૂંટણી જીતવાનો હોત તો મેં ઉત્તર-પૂર્વના વિકાસ માટે કામ ન કર્યું હોત. અત્યારસુધીના તમામ વડાપ્રધાનોમાં મેં સૌથી વધુ ઉત્તર-પૂર્વીય રાજ્યોની મુલાકાત લીધી છે. તામિલનાડુમાં પણ અપાર ક્ષમતા છે, જેને વેડફવી ન જોઈએ.

8. PM મોદીએ તામિલનાડુ સાથે વિકસિત ભારત ઠરાવને જોડ્યો
વિકસિત ભારત એટલે કે દેશનો દરેક ખૂણો વિકાસમાં ભાગીદાર બને. વિકસિત ભારતનું નિર્માણ કરવા માટે આપણે પહેલા દરેક રાજ્યનો વિકાસ કરવો પડશે. હું માનું છું કે તામિલનાડુ વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે એક મોટી તાકાત બની શકે છે.

9. અમે ઈચ્છીએ છીએ કે સેંગોલ નવી સંસદમાં અમને પ્રેરણા આપે
ચેન્નઈના ધર્મપુરમ અધીનમના 25 સંત દ્વારા પીએમને સોંપવામાં આવેલા સેંગોલને લઈને પીએમ મોદીએ કહ્યું- મેં નક્કી કર્યું હતું કે નવી સંસદમાં સેંગોલ અમને પ્રેરિત કરે. બહુ ઓછા લોકો જાણે છે કે આપણી આઝાદીની શરૂઆતની ક્ષણો પવિત્ર સેંગોલ સાથે જોડાયેલી છે. આ સત્તા પરિવર્તનનું પ્રતીક હતું.

તેમણે છેલ્લે કહ્યું- આ માત્ર શેલ્ફ પર રાખવામાં આવેલા આભૂષણ નથી, પરંતુ એને યોગ્ય સન્માન આપવામાં આવશે. રાષ્ટ્રપતિ સમક્ષ તેમના સંબોધન દરમિયાન એને રજૂ કરવામાં આવ્યું હતું.

10. પીએમએ તેમની 1991ની કન્યાકુમારીથી શ્રીનગરની મુલાકાત વિશે જણાવ્યું
હું પીએમ બનતાં પહેલાં પણ તામિલનાડુ આવતો રહ્યો છું. 1991માં મેં કન્યાકુમારીથી શ્રીનગર સુધીની એકતા યાત્રા શરૂ કરી હતી. આ એ સમયની વાત છે જ્યારે લોકો લાલચોક પર આપણો રાષ્ટ્રધ્વજ સળગાવતા હતા. એ મુલાકાત દરમિયાન ભગત સિંહ, સુખદેવ અને રાજગુરુના પરિવારના સભ્યો હાજર હતા અને તેમણે અમને રાષ્ટ્રધ્વજ આપ્યો, જે અમે જમ્મુ-કાશ્મીરમાં ફરકાવ્યો હતો.

 

adv

Related News

post
post
post
post
post
post
post