• Home
  • News
  • શ્રીલંકામાં રાજકીય સંકટ: વડાપ્રધાન-રાષ્ટ્રપતિ સિવાય તમામ 26 કેબિનેટ મંત્રીનાં રાજીનામાં, PMના દીકરા નમલે પણ તમામ હોદ્દા છોડ્યા
post

રવિવારે કોલંબોમાં સરકારનો વિરોધ કરવા બદલ 650થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2022-04-04 10:24:58

કોલંબો: ઇમર્જન્સી વચ્ચે શ્રીલંકામાં રાજકીય ઊથલપાથલ વધુ તીવ્ર બની છે. રવિવારે મોડી રાત્રે દેશની આખી કેબિનેટે તાત્કાલિક રાજીનામું આપી દીધું છે. દેશના શિક્ષણમંત્રી અને ગૃહના નેતા દિનેશ ગુણવર્ધને કહ્યું હતું કે કેબિનેટ મંત્રીઓએ શ્રીલંકાના વડાપ્રધાન મહિન્દા રાજપક્ષેને તેમનાં રાજીનામાં આપ્યા છે.જોકે તેમણે કેબિનેટનાં આ સામૂહિક રાજીનામાંનું કોઈ કારણ આપ્યું નથી. શ્રીલંકન PMના પુત્ર નમલ રાજપક્ષેએ પણ પોતાના તમામ વિભાગોમાંથી રાજીનામાં આપી દીધાં છે.

પીએમના પુત્રએ સૌથી પહેલા રાજીનામું આપ્યું હતું
કેબિનેટમાંથી રાજીનામું આપતા પહેલા દેશના રમતગમત મંત્રી અને પીએમ રાજપક્ષેના પુત્ર નમલ રાજપક્ષેએ પોતાના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું હતું. લગભગ એક કલાક પછી અન્ય મંત્રીઓએ પણ રાજીનામું આપી દીધું હતુ. કેબિનેટના રાજીનામાનો પત્ર હવે પીએમ પાસે છે, જે રાષ્ટ્રપતિ ગોતાબાયા રાજપક્ષેને સોંપવામાં આવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આગામી દિવસોમાં નવી કેબિનેટની રચના કરવામાં આવશે.

સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકાયો
આ પહેલાં રવિવારે રાજધાની કોલંબોમાં સરકારનો વિરોધ કરવા બદલ 650થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ લોકો આર્થિક સંકટના વિરોધમાં કર્ફ્યૂ તોડીને સરકાર વિરુદ્ધ આંદોલનો કરી રહ્યા હતા. તે જ સમયે, શ્રીલંકામાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

ત્યાર બાદ રવિવારે દેશમાં ફેસબુક, ટ્વિટર, વ્હોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ સહિત તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મની સેવાઓ આઉટ ઓફ સર્વિસ થઈ ગઈ છે. ઈન્ટરનેટ મોનિટરિંગ ઓર્ગેનાઈઝેશન નેટબ્લોકસે આ જાણકારી આપી છે. બીજી તરફ રાજધાની કોલંબોમાં દરેક ખૂણે સેના અને પોલીસના જવાનો સુરક્ષા કરી રહ્યા છે, જેથી વાતાવરણ બગડે નહીં.

ભારતે ઓઇલનું ટેન્કર મોકલ્યું
આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકાની મદદ માટે ભારત આગળ આવ્યું છે. ભારતે ઈંધણ સંકટ સામે ઝઝૂમી રહેલા શ્રીલંકાની મદદ માટે એક ઓઈલ ટેન્કર મોકલ્યું હતું, જે શનિવારે શ્રીલંકા પહોંચ્યું હતું. આનાથી ઇંધણની કટોકટી સામે ઝઝૂમી રહેલા લોકોને રાહત મળવાની આશા છે.

ભારત શ્રીલંકાને ચોખા મોકલશે
બીજી બાજુ, ભારતે શ્રીલંકાને ચોખા મોકલવાની શરૂઆત કરી છે. અહીં 40 હજાર ટન ચોખા મોકલવાની તૈયારી શરૂ થઈ ગઈ છે. આ સાથે એવું માનવામાં આવે છે કે મુખ્ય તહેવાર અગાઉ ચોખાનો જથ્થો શ્રીલંકા પહોંચી જશે. ભારત વર્ષ 2022માં શ્રીલંકાને ઓછામાં ઓછા 3 લાખ ટન ચોખા મોકલશે. એને લીધે શ્રીલંકામાં પુરવઠો વધશે અને કિંમતોમાં ઘટાડો થઈ શકે છે.

જો ભારતે મદદ ન કરી હોત તો અમે ખતમ થઈ ગયા હોતઃ શ્રીલંકાના પૂર્વ નાણામંત્રી
શ્રીલંકામાં ઇમર્જન્સી લગાવી દેવામાં આવી છે. આ અંગે દેશના પૂર્વ મંત્રી ડો.હર્ષા ડીસિલ્વાએ ભાસ્કર સાથે વાત કરતા કહ્યું કે જો ભારત મદદ ન મોકલી હોત તો અમે ખતમ થઈ ગયા હોત. તેમણે કહ્યું કે ગોતાબાયા સરકારે દેશને બરબાદ કરવામાં કોઈ કસર છોડી નથી.

રાષ્ટ્રપતિએ ઈમર્જન્સીની જાહેરાત કરી હતી
શ્રીલંકામાં ગંભીર બનતી આર્થિક સમસ્યા વચ્ચે રાષ્ટ્રપતિ ગોતાબાયા રાજપક્ષેએ શુક્રવારે ઈમર્જન્સીની જાહેરાત કરી હતી. આદેશમાં કહેવામાં આવ્યું હતું કે દેશની સુરક્ષા તથા આવશ્યક સેવાઓના પુરવઠાને ધ્યાનમાં રાખી આ નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારબાદ સમગ્ર દેશમાં સુરક્ષા વધારવામાં આવી છે. શનિવારે રાજધાની કોલંબોમાં સેનાની દેખરેખ હેઠળ દુકાનો ખોલવામાં આવી હતી, જેથી લોકો તેમની આવશ્યક ચીજવસ્તુઓની ખરીદી કરી શકે.

 

adv

Related News

post
post
post
post
post
post
post