• Home
  • News
  • પોપે 220 વર્ષ જૂનો પેલેસ બેઘર લોકો માટે ખોલ્યો, 4 માળનો પેલેસ પહેલાં ફાઇવ-સ્ટાર હોટલમાં કન્વર્ટ થવાનો હતો
post

પોપે ગરીબોને સમર્પિત કરતા તેને ‘પેલેસ ફોર પૂઅર’ નામ આપ્યું, કહ્યું- આ વધુ જરૂરી છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-05 10:27:06

વેટિકન સિટી: વેટિકન સિટીમાં 19મી સદીનો એક પેલેસ ગરીબો અને બેઘર લોકોના આશ્રયસ્થાનમાં ફેરવી દેવાયો છે. પેલેસ વેટિકનની પ્રોપર્ટી છે, જેને પોપના આદેશથી બેઘર લોકો માટે ખુલ્લો મૂકી દેવાયો છે. બેડરૂમ, ડાઇનિંગ રૂમ તથા અન્ય સુવિધાઓવાળા પલાજો મિગ્લિયોરી પહેલાં લક્ઝરી હોટલમાં કન્વર્ટ થવાનો હતો પણ પોપ ફ્રાન્સિસે જાહેરાત કરી કે તેના બદલે પેલેસના દરવાજા બેઘરો માટે ખુલ્લા મૂકી દેવા જોઇએ. પેલેસ 19મી સદીમાં મહિલાઓના ધાર્મિક સમૂહનું મુખ્યાલય હતું. યુવા સિંગલ મધર અને બાળકોની સારસંભાળમાં પણ તેનો ઉપયોગ થતો.


ચાર માળના પેલેસનું ગત વર્ષે રિનોવેશન કરાયું છે. તે સેન્ટ પીટર સ્ક્વેર નજીક પ્રાઇમ લોકેશન પર સ્થિત છે. તે તૈયાર થઇ ગયા બાદ તેના ઉપયોગ અંગે ઘણી ચર્ચા થઇ. મોટા ભાગના લોકોનો એવો મત હતો કે તેને લક્ઝુરિયસ હોટલમાં ફેરવી દેવામાં આવે, જેથી કેથોલિક ચર્ચને પુષ્કળ આવક પણ થશે.


વેટિકન ન્યૂઝ પર વેટિકને કહ્યું કે પોપ ફ્રાન્સિસે અલમોનેર કાર્ડિનલ કોનરાડ ક્રેજવસ્કી (ગરીબોને સેવા આપતા અધિકારી)ને વ્યક્તિગત ધોરણે આદેશ આપ્યો કે પેલેસને બેઘરોના આશ્રયસ્થાનમાં ફેરવી દેવામાં આવે. પેલેસમાં રહેતા લોકોને સામાજિક સહાયના કામમાં પણ રોકાશે. અહીં રહેનારાઓને એવી સુવિધા પણ અપાઇ છે કે તેઓ અન્ય સ્થળોએ રહેતા બેઘર લોકો માટે ભોજન રાંધીને લઇ જઇ શકે છે.


પેલેસમાં કમ્પ્યૂટર, લાઇબ્રેરી, સાઇકોલોજિકલ કન્સલ્ટિંગ પણ
પેલેસ .. 1800માં બનાવાયો હતો. તેમાં 16 મોટા બેડરૂમ છે. ડાઇનિંગ ટેબલથી માંડીને બાથરૂમ સુધીની તમામ સુવિધાઓ છે. હાલ પેલેસમાં 50 સ્ત્રી અને 50 પુરુષ મળીને કુલ 100 લોકોને રખાયા છે. પેલેસના ગ્રાઉન્ડ ફ્લોર પર કમ્પ્યૂટર, લાઇબ્રેરી, મનોરંજન અને સાઇકોલોજિકલ કન્સલ્ટિંગ સહિતની સુવિધાઓ છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post