• Home
  • News
  • મહાભિયોગની તૈયારી:US સંસદમાં હિંસા પછી ટ્રમ્પ વિરુદ્ધ કાર્યવાહી, બાઈડેનના શપથ પહેલા ટ્રમ્પ સામે મહાભિયોગ પ્રસ્તાવની તૈયારી
post

20મીએ નવા પ્રમુખ જો બાઈડેનનો શપથ ગ્રહણ કાર્યક્રમ છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-11 11:21:53

અમેરિકામાં નવા પ્રમુખ જો બાઈડેનના શપથ પહેલા ડોનાલ્ડ ટ્રમ્પ સામે મહાભિયોગ પ્રસ્તાવ લાવીને તેમને હાંકી કાઢવાની તૈયારી શરૂ થઈ ગઈ છે.

અમેરિકન મીડિયાના અહેવાલો પ્રમાણે, સોમવારે ડેમોક્રેટિક પાર્ટીના સાંસદ હાલના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ રજૂ કરવા જઈ રહ્યા છે. કેલિફોર્નિયાના સાંસદ અને સેનેટ સભ્ય ટેડ લિયુએ સોશિયલ મીડિયા પર આ વાતની પુષ્ટિ કરી હતી. તેમના કહેવા પ્રમાણે મહાભિયોગ પ્રસ્તાવને 180 સાંસદનું સમર્થન છે. કેપિટલ બિલ્ડિંગમાં હુમલાની ઘટનાના આધારે ટ્રમ્પ વિરુદ્ધ આ કાર્યવાહી કરાઈ રહી છે. અહીં 6 જાન્યુઆરીએ ટ્રમ્પના હજારો સમર્થકો ઘૂસી ગયા હતા. હથિયારોથી સજ્જ આ હિંસક સમર્થકોને રોકવા સુરક્ષા દળોએ બળ પ્રયોગ પણ કરવો પડ્યો હતો, જેમાં પાંચ લોકોના મોત થયા હતા, જ્યારે અનેક ઈજાગ્રસ્ત થયા હતા. ટ્રમ્પના સમર્થકો સંસદની સંયુક્ત બેઠકમાં વિઘ્ન ઊભું કરવા માંગતા હતા. એ બેઠકમાં જ નવા પ્રમુખ બાઈડેનની જીત પર મ્હોર લાગવાની હતી, જે બાદમાં લાગી પણ ખરી. હવે બાઈડેન 20 જાન્યુઆરીએ શપથ લેવાના છે.

રિપબ્લિકન પાર્ટીના સભ્યો પણ ટ્રમ્પ વિરુદ્ધ થઈ ગયા
અમેરિકન સંસદમાં હિંસાની ઘટના પછી ડેમોક્રેટ્સ ટ્રમ્પને તાત્કાલિક હટાવવાની માંગ કરી રહ્યા છે. આ સાથે ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીના જ અનેક સભ્યો પણ તેમની વિરુદ્ધ થઈ ગયા છે. આ લોકો ટ્રમ્પને તેમનો કાર્યકાળ પૂરો થાય એ પહેલા જ વ્હાઈટ હાઉસમાંથી હાંકી કાઢવા માંગે છે.

ટ્રમ્પ સામેના મહાભિયોગ પ્રસ્તાવમાં શું છે?
ટ્રમ્પ વિરુદ્ધનો મહાભિયોગ પ્રસ્તાવ ચાર પાનાનો છે. તેમાં કહેવાયું છે કે, અમેરિકન પ્રમુખ તરીકે ટ્રમ્પે તેમના વચનો તોડ્યા છે. તેમણે અમેરિકાની સુરક્ષાની સાથે સરકારી એજન્સીઓ અને દેશના લોકતાંત્રિક માળખાને પણ ખતરામાં નાંખી દીધું છે. તેમના કારણે અમેરિકાને વિશ્વભરમાં નીચાજોણું થયું છે.

પહેલીવાર એક જ કાર્યકાળમાં પ્રમુખ વિરુદ્ધ બે મહાભિયોગ
જો ટ્રમ્પ વિરુદ્ધ સોમવારે મહાભિયોગ પ્રસ્તાવ રજૂ થશે, તો ટ્રમ્પ પહેલા પ્રમુખ હશે જેમની વિરુદ્ધ એક જ કાર્યકાળમાં બીજી વાર આવી આકરી કાર્યવાહી થશે. આ પહેલા ડિસેમ્બર 2019માં પણ ટ્રમ્પ વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ લાવવા ડેમોક્રેટ સાંસદ લિયુ અત્યંત સક્રિય હતા. એ વખતે ટ્રમ્પ પર ચૂંટણી જીતવા યુક્રેનની મદદ લેવાનો આરોપ હતો.

 

adv

Related News

post
post
post
post
post
post
post