• Home
  • News
  • વરસાદ-પૂરથી મુશ્કેલીઓ:MPના 6 જિલ્લામાં 10 હજાર પરિવાર થયા બેઘર, રાજસ્થાનની 20 નદીમાં પૂર; UPમાં 3 હજાર ઘરો પાણીમાં ડૂબી જવાનો ભય
post

MP-રાજસ્થાનમાં ભારે વરસાદને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-08-07 15:15:02

મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશ સહિત દેશનાં ઘણાં રાજ્યોમાં ભારે વરસાદ અને પૂરથી મુશ્કેલીઓ વધી રહી છે. મધ્યપ્રદેશના 6 જિલ્લામાં 10 હજાર પરિવારો બેઘર બન્યા છે, જ્યારે રાજસ્થાનમાં કોટા ક્ષેત્રની 25 મોટી નદીમાંથી 20 નદીમાં પૂર આવ્યું છે. બીજી તરફ, ઉત્તરપ્રદેશમાં પણ પરિસ્થિતિ કથળી રહી છે. પ્રયાગરાજમાં જ 3 હજાર મકાનો ડૂબી જવાનો ભય છે.

મધ્યપ્રદેશ: ગુનાના 1000થી વધુ ઘરોમાં પાણી ભરાયાં
ગુના જિલ્લામાં ભારે વરસાદને કારણે શિવપુરી જિલ્લામાં સિંધ નદી અને કૂનો નદી બે કાંઠે વહી રહી છે. જિલ્લાનાં 1000થી વધુ ઘરોમાં પાણી ભરાઈ ગયાં છે. શિવપુરી જિલ્લાના લોલારસમાં પચાવલી પુલ ફરીથી પાણીમાં ડૂબી ગયો છે. શિવપુરી, ભીંડ, શ્યોપુર, દતિયા, ગ્વાલિયરના ડબરા- ભીતરવાર અને મુરૈનામાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. પણ હવે અહીં પૂર બાદના ઘા લોકોની પીડા વધારી રહ્યા છે. આ 6 જિલ્લામાં 10 હજાર પરિવાર પૂરમાં ઘરો તૂટી જવાથી બેઘર થઈ ગયા છે.

મધ્યપ્રદેશમાં પણ હજી વરસાદથી કોઈ રાહત મળે એમ લાગી રહ્યું નથી. શનિવારે-રવિવારે પણ ઝરમર વરસાદ ચાલુ જ રહેવાની શક્યતાઓ છે. ભોપાલ, ગ્વાલિયર, ચંબલ અને સાગર બેલ્ટમાં કેટલાક સ્થળોએ ભારે અને ક્યાંક-ક્યાંક ઝરમર વરસાદ પડશે. હવામાન વૈજ્ઞાનિક પી.કે. સાહાએ જણાવ્યું હતું કે વિદિશા, રાયસેન, રાજગઢ, ગુના અને અશોકનગરમાં ભારે વરસાદ પડશે, જ્યારે સિહોર, શાજાપુર, આગર, નીમચ, મંદસૌર, શિવપુરી, દતિયા, શીઓપુરકાલન, સિયોની, સાગર, ટીકમગઢ અને નિવાડી જિલ્લામાં અલગ અલગ સ્થળોએ 5 ઇંચ સુધી વરસાદ પડી શકે છે.

રાજસ્થાન: બારાં જિલ્લામાં 300 લોકો ફસાયા
રાજસ્થાનમાં પણ ભારે વરસાદ આફત બની ગયો છે. બારાં અને કોટામાં ઘણી જગ્યાએ લગભગ 530 જેટલા લોકો ફસાયેલા છે, તેમને બચાવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. બારાંની નજીક મધ્યપ્રદેશના ગુના જિલ્લામાં પાર્વતી નદીના ટાપુ પર આવેલા સોડા ગામમાં લગભગ 300 લોકો ફસાયા હતા. છેલ્લા દિવસોમાં અવિરત વરસાદને કારણે કોટા વિભાગની 25 મોટી નદીઓમાંથી 20 નદી બે કાંઠે વહી રહી છે.

બુંદીના લાડપુર પંચાયત કચેરીના ભૂમાખેડા વિસ્તારમાં વરસાદને કારણે 40 મકાનો તૂટી ગયાં હતાં. એમાં રહેતાં 130 કરતાં વધુ બાળકો, મહિલાઓ અને વૃદ્ધોએ સરકારી શાળામાં આશરો લીધો છે. આ તરફ, હિંગીની નજીક સહીપુર ગામમાં ઉજાડ નદીમાં આવેલા પાણીને કારણે ગામના 100 લોકો ફસાઈ ગયા છે.

કોટામાં ભારે વરસાદ તો બંધ થઈ ગયો છે, પરંતુ ઘણી વસાહતો પાણીમાં ડૂબી ગઈ છે. ડ્રેનેજના અભાવે ઘરોમાં 1થી 2 ફૂટ જેટલા પાણી ભરાઇ ગયાં છે. સ્ટેશન વિસ્તારનું જનકપુરી, આદર્શ કોલોની, ગુરુદ્વારા રોડ, ઢડવાડા સહિત ઘણી વસાહતોમાં ઘૂંટણ સુધી પાણી ભરાઈ ગયું છે. આવી સ્થિતિમાં દૂધ અને શાકભાજી જેવી આવશ્યક ચીજવસ્તુઓ માટે પણ તેઓ પોતાનું ઘર બહાર નીકળી શકતા નથી.

ઉત્તરપ્રદેશ: પ્રયાગરાજના કાંઠે વસેલાં 700 ઘરોમાં પાણી ભરાયાં
સતત પડી રહેલા વરસાદને કારણે ઉત્તરપ્રદેશમાં પણ નદીઓ બે કાંઠે વહી રહી છે. રાજસ્થાન અને મધ્યપ્રદેશથી પાણી છોડવાને કારણે પ્રયાગરાજમાં ગંગા અને યમુનાનો જળસ્તર ભયજનક નિશાનની ઉપરથી વહી રહ્યો છે. અહીં NDRF અને SDRF ટીમને અલર્ટ કરવામાં આવી છે. હમીરપુરમાં યમુના અને બેતવા નદી ભયજનક નિશાનની ઉપરથી વહી રહી છે, જ્યારે જાલોનમાં સ્ટેટ હાઇવે પર યમુનાનું પાણી આવી ગયું છે. પ્રયાગરાજના કાંઠા વિસ્તારનાં લગભગ 700 ઘરોમાં પૂરનું પાણી ભરાઈ ગયું છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post