• Home
  • News
  • પ્રોફેસરનો વર્કલોડથી આપઘાત:LD એન્જિનિયરિંગના પ્રોફેસરે ગળાફાંસો ખાતા કોલેજની સ્પષ્ટતા- કામનું ભારણ હોતું નથી, પ્રિન્સિપાલ 4 દિવસની રજા પર
post

એલડી એન્જિનિયરિંગ કોલેજના પ્રોફેસર નિમિશ શાહે કોલેજમાં ઇલેક્ટ્રિક મેન્ટનેન્સ અને સ્કોલરશિપની વધારાની કામગીરી સોંપવામાં આવતી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2023-04-11 21:01:05

અમદાવાદ: એલડી એન્જિનિયરિંગ કોલેજના પ્રોફેસર નિમિશ શાહે પોતાના નિવાસ સ્થળ ગાંધીનગર ખાતે ગઈકાલે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. સુસાઇડ નોટમાં કામના ભારણને કારણે આપઘાત કર્યો હોવાનું જણાવ્યું હતું. આ મામલે એલડી એન્જિનિયરિંગ કોલેજ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે કે, કોલેજમાં કોઈ કામનું ભારણ હોતું નથી.તમામ લોકોને શૈક્ષણિક કામગીરી જ સોંપવામાં આવે છે. જોકે, એલડી એન્જિનિયરિંગ કોલેજના પ્રિન્સિપાલ રાજુલ ગજ્જર બનાવના દિવસથી 4 દિવસ રજા પર છે. તેમણે કયા કારણથી રજા લીધી છે, તે પણ કોલેજમાં કોઈને ખબર નથી.

પ્રિન્સિપાલ સામે હત્યાનો ગુનો નોંધવા NSUIની માગ
પ્રોફેસરના આપઘાત મામલે NSUI દ્વારા એલડી કોલેજમાં આજે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સત્તાધીશોને કામના સોંપણી બાબતે ખખડાવવામાં આવ્યા હતા. NSUIએ માંગણી કરી છે કે, કોલેજ આપઘાત મામલે પોલીસ ફરિયાદ કરે તથા કોલેજના પ્રિન્સિપાલ રાજુલ ગજ્જર વિરુદ્ધમાં હત્યાનો ગુનો નોંધવામાં આવે.

 

NSUIના કાર્યકરોએ એલડી એન્જિનિયરિંગ કોલેજના દરવાજા પાસે નારા સાથે ઉગ્ર વિરોધ કર્યો હતો.આ દરમિયાન પોલીસે કાર્યકરોને રોકતા NSUI અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. કોલેજના સત્તાધીશોએ NSUIની રજૂઆત સાંભળવા તૈયાર ન થતા કાર્યકરોએ કોલેજની બહાર જ ઉગ્ર વિરોધ કર્યો હતો..ત્યારબાદ NSUIના કાર્યકરોને રજૂઆત કરવા અંદર જવા દેતા કાર્યકરોએ કોલેજના સત્તાધીશોને ખખડાવ્યા હતા.

આપઘાતમાં કામના ભારણની શક્યતા નથી- કોલેજ
એલડી એન્જિનિયરિંગ કોલેજના પ્રોફેસર નિમિશ શાહે કોલેજમાં ઇલેક્ટ્રિક મેન્ટનેન્સ અને સ્કોલરશિપની વધારાની કામગીરી સોંપવામાં આવતી હતી. તેના કારણે આપઘાત કરી દીધો છે. જોકે આ મામલે કોલેજના સત્તાધીશોએ ખુલાસો કર્યો છે કે, કોલેજમાં તમામ પ્રોફેસરને એક સમાન કામ સોંપવામાં આવે છે. શૈક્ષણિક કામ સિવાય અન્ય કામ સોંપવામાં આવતું નથી. પ્રોફેસરના આપઘાત મામલે કામના ભારણની શક્યતા નથી. તમામ પ્રોફેસર પોતાના કામથી ખુશ છે.

પ્રિન્સિપાલ ડૉ રાજુલ ગજ્જર બે દિવસથી રજા પર ઊતર્યા
કોલેજના પ્રિન્સિપાલ ડૉ રાજુલ ગજ્જર ગઈકાલથી રજા પર ઊતરી ગયા છે. રાજુલ ગજ્જર કયા કારણથી રજા પર છે, તે પણ કોલેજમાં કોઈને જાણ નથી. આ ઉપરાંત આત્મહત્યાનો બનાવ બન્યાના 2 દિવસ થયા છતાં રાજુલ ગજ્જર હજુ હાજર થયા નથી. કોલેજમાં કેટલા સ્ટાફની અછત છે, તે અંગે પણ કોલેજના સત્તાધીશોને જાણકારી નથી. પ્રોફેસરે પોતાની સુસાઇડ નોટમાં કામના ભારણનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે. છતાં કોલેજના સત્તાધીશો પ્રોફેસરની સુસાઇડ નોટ ખોટી હોય તેમ કામના ભારણ અંગે પણ કહી રહ્યા છે કે કોઈ કામનું ભારણ હોતું નથી. એકેડેમિક કામ જ સોંપવામાં આવે છે જે અમે સરખા ભાગે કરીએ છીએ.

5 પ્રોફેસરે તેમના ઘરે 4 કલાક રોકાયા
એલડી એન્જિનિયરિંગ કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ આર.કે જૈને જણાવ્યું હતું કે, અમને દુઃખની લાગણી છે. અમારા પ્રોફેસર અન્ય 5 પ્રોફેસર સાથે નિમિશ શાહના ઘરે ગયા હતા. ત્યાં 3-4 કલાકનો સમય વિતાવ્યો હતો. કોલેજમાં બધા પાસે એક સરખી કામગીરી કરાવવામાં આવે છે. અમારા રેગ્યુલર પ્રિન્સિપાલ રાજુલ ગજ્જર 4 દિવસની રજા પર છે. તે ક્યાં ગયા છે તથા કઈ રજા લઈને ગયા છે તેની અમને ખબર નથી.

કોલેજનાં બધાં કામ શૈક્ષણિક જ હોય- ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટ હેડ
ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટ હેડ પ્રોફેસર કેતન બળગુર્જરે જણાવ્યું હતું કે, મૃતક પ્રોફેસરને ઇલેક્ટ્રિક મેન્ટેનન્સની કામગીરી સોંપવામાં આવી હતી, જે કામ PWD દ્વારા કરવામાં આવે છે. પ્રોફેસરે લાઈટ,પંખા બંધ હોય તો તે કાગળ PWDમાં આપવાના હતા. સ્કોલરશિપની કામગીરી માટે તેમને એક ટીમ પણ આપવામાં આવી હતી. સુસાઇડ પાછળ કામના ભારણની શક્યતા નથી. એકેડેમિક કામ જ સોંપવામાં આવતું હતું, જે તમામને સરખા ભાગે સોંપવામાં આવતું હતું. વધારે કામ સોંપવામાં આવતું જ નહોતું. પ્રોફેસરે આ પગલુ કેમ ભર્યું તેની જાણકારી નથી. કોલેજનાં બધાં કામ શૈક્ષણિક કામ જ હોય છે. કામનું જરાય ભારણ હોતું નથી, અમને જે કામ સોંપવામાં આવે છે તેનાથી અમને સંતોષ છે. અમે સરખા ભાગે જ કામ કરીએ છીએ.

 

adv

Related News

post
post
post
post
post
post
post