• Home
  • News
  • પંજાબ-હરિયાણાના ખેડૂતોનું આંદોલન શરૂ, આખા દિલ્હીમાં કલમ 144 લાગુ, લાઉડસ્પીકર પર પ્રતિબંધ
post

13મી તારીખે દિલ્હી સરહદોએ ખેડૂતો-પોલીસના ઘર્ષણનાં એંધાણ

Written By newsonline | Ahmedabad | Published: 2024-02-12 18:34:06

13 ફેબ્રુઆરીએ ખેડૂતોએ દિલ્હીમાં વિરોધ પ્રદર્શનનું એલાન કર્યું છે. 20 હજારથી વધુ ખેડૂતો દિલ્હી જવા રવાના થયા છે. આ પહેલા હરિયાણા-પંજાબની બોર્ડરને સીલ કરી દેવાઈ છે અને જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવાઈ છે. તો આખા દિલ્હીમાં 144 લાગૂ કરી દેવામાં આવી છે. તો લાઉડસ્પીકરના ઉપયોગ પર પણ પ્રતિબંધ મૂકી દેવાયો છે.

લોકસભાની ચૂંટણીનો સમય નજીક આવી રહ્યો છે, એવામાં પોતાની અધુરી રહી ગયેલી માગો સાથે ખેડૂતો ફરી આંદોલન શરૂ કરવા જઇ રહ્યા છે. ટેકાના ભાવ માટે કાયદો સહિતની માગણીઓ સાથે પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશ સહિતના કેટલાક રાજ્યોના આશરે ૨૦ હજારથી વધુ ખેડૂતો દિલ્હી તરફ રવાના થઇ ગયા છે. બે હજારથી વધુ ટ્રેક્ટરો સાથે નિકળેલા ખેડૂતો ૧૩મી તારીખે દિલ્હી પહોંચી શકે છે. જોકે તેમને અટકાવવા માટે ત્રણ રાજ્યોની પોલીસ હાઇએલર્ટ પર છે. જ્યારે દિલ્હીની ત્રણ મુખ્ય સરહદોને સીલ કરી દેવામાં આવી છે.

20 હજારથી વધુ ખેડૂતો દિલ્હી રવાના, 3 રાજ્યોની પોલીસ એલર્ટ

હરિયાણાની બોર્ડર પર સિમેન્ટ અને કોંક્રિટના બ્લોક તેમજ ખીલા ધરબી દેવાયા છે. જેને પહોંચી વળવા માટે ખેડૂતોએ પણ ટ્રેક્ટરોને મોડિફાઇ કર્યા છે અને આગળ મોટા હુપડા ફિટ કરી દેવાયા છે જ્યારે ખીલાથી ટ્રેક્ટરોને પંચર ના પડે તે માટે લોખંડના કવર ચડાવી દેવાયા છે. ખેડૂતો પણ લડી લેવાના મૂડમાં હોય તેમ પુરી તૈયારી સાથે આગળ વધી રહ્યા છે. રાજધાની દિલ્હી હાઇએલર્ટ પર છે અને સરહદોની આસપાસ ૧૪૪ લાગુ કરી દેવામાં આવી છે. 

ટ્રેક્ટરો ઉપરાંત ખેડૂતો બસ, ટ્રેન, બાઇક સહિતના વાહનો લઇને દિલ્હી પહોંચી રહ્યા છે. તેથી તેમને રોકવા માટે દરેક પોઇન્ટ પર પોલીસ ખડકી દેવામાં આવી છે. 

૨૦૨૦-૨૧માં દિલ્હીમાં એક વર્ષ સુધી આંદોલન કરનારા ખેડૂતોના સંગઠન સંયુક્ત કિસાન મોરચા દ્વારા આ વખતે આ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે.

સંયુક્ત કિસાન મોરચાના નેતા જગજીતસિંહ દલ્લેવાલે કહ્યું હતું કે સરકાર કેમ ડરી રહી છે? આટલી મોટી સંખ્યામાં મજબૂત બેરિકેડ્સ કેમ ખડકી દેવાયા છે? શું આ જ છે લોકશાહી? જો પરિસ્થિતિ ખરાબ થઇ તો તેના માટે સરકાર જવાબદાર રહેશે. ખેડૂતોને દિલ્હી જતા અટકાવવા માટે હરિયાણા સરકારે રાજ્યમાં ૧૫ જિલ્લામાં ૧૪૪ લાગુ કરી દીધી છે. સાથે જ ટ્રેક્ટર રેલી કે માર્ચ પર પ્રતિબંધ મુકી દીધો છે. દિલ્હી પોલીસ પણ હાઇએલર્ટ પર છે અને દિલ્હીમાં અગાઉ આંદોલનનું કેન્દ્ર રહેલી સિંઘુ, ગાઝીપુર અને ટિકરી બોર્ડરને પણ સીલ કરી દીધી છે.

સાથે જ કોઇ પણ સંજોગોમાં ખેડૂતોને દિલ્હીમાં પ્રવેશતા અટકાવવા કડક આદેશ અપાયા છે. દિલ્હીના પોલીસ કમિશનર સંજય અરોરા હરિયાણા અને ઉત્તર પ્રદેશ બોર્ડર પર તપાસ કરી રહ્યા છે. એટલુ જ નહીં પોલીસ વોટર કેનન અને ટીયર ગેસ શેલની પ્રેક્ટિસ પણ કરી રહી છે. જેનો ઉપયોગ ખેડૂતોને રોકવા માટે કરવામાં આવશે. જોકે ખેડૂતો પણ મક્કમ થઇને આગળ વધી રહેલા જણાઇ રહ્યા છે. જેને પગલે ૧૩મી તારીખે દિલ્હી બોર્ડર પર મોટુ ઘર્ષણ થવાની શક્યતાઓ છે.    

adv

Related News

post
post
post
post
post
post
post