• Home
  • News
  • રાજકોટમાં એક કલાકમાં 2 ઇંચ તો મોરબી, બાબરા સહિત ગોંડલ પંથકમાં પણ ભારે વરસાદ, મોરબી-ભૂજમાં વીજળી પડવાથી 1-1નું મોત
post

ભાવનગરમાં વહેલી સવારે ધોધમાર વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાયા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-19 10:24:32

સોરાષ્ટ્રમાં આજે આખો દિવસ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ત્યારે બપોર બાદ ગોંડલ પંથકમાં અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડતા રસ્તા પર પાણી ભરાયા હતા. રાજકોટમાં છેલ્લા એક કલાકમાં સરેરાશ 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જેમાં શહેરના મધ્ય ઝોનમાં 45MM, પૂર્વ ઝોનમાં 55MM અને પશ્ચિમ ઝોનમાં 50MM વરસાદ નોંધાયો છે. સવારથી વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. જેને લઇને લોકોએ રાહતનો અનુભવ કર્યો હતો. આ ઉપરાંત આગામી 3 કલાકમાં સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે ઉપલેટા તાલુકાના મેરવદર ગામે વીજળી પડવાની ઘટના બની હતી. જેમાં બે લોકો ઘાયલ થયા હતા અને તેમને ઉપલેટાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

ગોંડલ સહિત ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ
આજરોજ ગોંડલ શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો વહેલી સવારથી અસહ્ય ગરમી તેમજ બફારા બાદ બાદ મોડી સાંજે અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ધોધમાર વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ગોંડલ શહેર ઉપરાંત ગ્રામ્યમાં પણ ધોધમાર વરસાદ વરસતા ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા હતા. ગ્રામ્ય વિસ્તારમાં બાંદ્રા, ગોમટા, નવાગામ, લીલાખા, દેવળા સહિતના ગામોમાં પણ ભારે વરસાદ વરસ્યો હતો. ગોંડલ તાલુકાના બંધિયા ગામમાં 3.5થી 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ગોંડલ શહેરમાં અંદાજે 1.5 ઇંચ પણ વધુ વરસાદ ખાબક્યો હતો. ધોધમાર વરસાદને પગલે ખેડૂતોના પાકને નુકશાનીની ભીતિ વર્તાઈ રહી છે. ખેડૂતોના કપાસ, મગફળી, મરચી સહિતના ખેત પેદાશોને નુકશાનની ભીતિ વર્તાઈ રહી છે અને જગતનો તાત ક્યાંક ને ક્યાંક ચિંતામાં મૂકાયો છે તેવું લાગી રહ્યું છે.

બાબરાના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ

બાબરા પંથકમાં પણ મેઘરાજા મહેરબાન થયા છે. ફરી એકવાર ભારે વરસાદની આગાહી વચ્ચે સવારથી જ વરસાદી માહોલ છવાયો છે. જેમાં બાબરા શહેરમાં વરસાદી ઝાપટા પડ્યા છે. જ્યારે પંથકના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. ગ્રામ્ય વિસ્તારમાં ધરાઈ ગામે બે ઇંચ જેટલો વરસાદ ખાબકતા નદીમાં પૂર આવ્યું છે. સમગ્ર પંથકમાં વરસાદી માહોલ છવાતા ખેડૂતોમાં ચિંતાની લાગણી પ્રસરી ગઈ છે. ખેડૂતોને પાક નિષ્ફળ જાય તેની ભીતિ સતાવી રહી છે.

મોરબીમાં દિવસભરમાં એક ઇંચ વરસાદ

રવિવારે વહેલા પરોઢિયે અને બપોર બાદ ફરીવાર મેઘરાજાએ દસ્તક દીધી હતી અને તેજ પવન વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસી ગયો હતો. અચાનક થયેલા વરસાદને પગલે મોરબી શહેરમાં તમામ રોડ રસ્તા અને નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. શહેરના શાક માર્કેટ વિસ્તાર, રવાપર રોડ, માધાપર વિસ્તાર, નેહરુગેટ ચોક, પરાબજાર ગાંધી ચોક સહિતના વિસ્તારમાં પાણી ભરાયા હતા. મોરબીમાં રવિવારે સાંજે 6 વાગ્યા સુધીમાં 29 મીમી અને ટંકારામાં 8 મિમી વરસાદ નોંધાયો હતો. જો કે, અન્ય તાલુકામાં ભારે પવન ફૂંકાયો હતો.

વેચાણ માટે પડેલા કૃષિ પાકને મોટા પાયે નુકસાનની ભીતી
હાલ કપાસ,મગફળી સહિતનો ચોમાસુ પાક તૈયાર થઈ ચૂક્યો છે અને અમુક ખેડૂતો યાર્ડમાં વેચાણ માટે પણ લાવી રહ્યા છે.આવા છેલ્લી ઘડીએ થયેલ વરસાદ ને કારણે પાકને નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે.

વાતાવરણમાં આવેલા ફેરફારથી કપાસમાં જીવાતનો ઉપદ્રવ વધશે
ચાસવડ- બાયફના કૃષિ વિજ્ઞાની મહેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ઓછો પરિપક્વ અને નબળો કપાસ હશે તેવા કપાસનું ભિમરું ખરી પડવાનો ભય વધુ છે. પરિપક્વ થઈ ગયેલા કપાસને નુકશાન ઓછું . જ્યારે જે કપાસના ઝીંડવા ફૂટી ગયા હશે તે ભેજના સંગ્રહને કારણે કપાસ બગડી શકે. પણ ફરી જરૂરી માત્ર માં સૂર્યપ્રકાશ મળતો રહશે તો નુકસાન ઓછું થશે.

માળિયામાં વીજળી પડતા મહિલાનું મોત
રવિવારે બપોર બાદ વીજળીના કડાકા ભડાકા વચ્ચે શરૂ થયેલા વરસાદથી વાતાવરણ દરામણું બની ગયું હતુઁ આ દરમિયાન માળીયા મિયાણા મંદરકી ગામે વીજળી પડતા સવિતાબેન હરિભાઈ અગેચણિયા નામની મહિલાનું મોત નિપજ્યું હતું.તો.વાવડી ગામમાં એક મકાનનીં છત અને રંગપર ગામમાં એક મંદિરમાં વીજળી પડી જાનહાની થઇ ન હતી.

કચ્છમાં ત્રીજા દિવસે વરસાદ
સૌરાષ્ટ્રની સાથોસાથ કચ્છમાં પણ આજે ત્રીજા દિવસે ધોધમાર વરસાદ વરસ્યો હતો. કચ્છના લખપત, પાનધ્રો, માતાના મઢ, દયાપર, મિઢિયારી સહિતના આસપાસના ગામોમાં વરસાદ વરસ્યો હતો. અબડાસાના તેરા, બીટા વિસ્તારમાં પવન સાથે વરસાદ વરસ્યો હતો. નખત્રાણાના નેત્રા વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો હતો. સતત વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન પહોંચ્યું છે.

ખેતરમાં મગફળીના પાથરા પલળ્યાં
ગોંડલ પંથકમાં એક તરફ મગફળીની સિઝન ચાલી રહી છે અને બીજી તરફ વરસાદ મુશ્કેલીમાં વધારો કરી રહ્યો છે. આજે બીજા દિવસે પણ ગોંડલ તાલુકામાં ધોધમાર વરસાદ વરસતા ખેતરોમાં ઉપાડેલી મગફળીના પાથરા પલળ્યાં હતા. જસદણમાં આજે ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. આથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. વરસાદને કારણે ખેડૂતોની પડ્યા પર પાટા સમાન સ્થિતિ થઈ છે. બગસરા પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. આથી રસ્તાઓ પાણી-પાણી થયા છે.

ભાવનગરમાં સવારે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો
અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનની અસર સૌરાષ્ટ્ર પર જોવા મળી રહી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્રમાં આજે સવારથી જ વાતાવરણમાં પલ્ટો જોવા મળી રહ્યો છે અને કાળા ડિબાંગ વાદળોથી આકાશ ઘેરાયું છે. રાજકોટમાં આજે સવારે અચાનક વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો અને ગ્રીનલેન્ડ ચોકડી પાસે વરસાદી ઝાપટું વરસી જતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. બીજી તરફ ભાવનગર જિલ્લામાં આજે સવારે જ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. આથી રસ્તા પર પાણી ભરાયા હતા.

ક્યાં કેટલો વરસાદ

ધ્રોલ

4 ઇંચ

ગોંડલ

3.5 ઇંચ

અંબડાસા

2 ઇંચ

જૂનાગઢ

2 ઇંચ

રાજકોટ

2 ઇંચ

વિજાપુર

2 ઇંચ

નેત્રંગ

2 ઇંચ

મહેસાણા

2 ઇંચ

ટંકારા

2 ઇંચ

ભાવનગર

1 ઇંચ

adv

Related News

post
post
post
post
post
post
post