• Home
  • News
  • 27મી ફેબ્રુઆરીએ રાજ્યસભાની ચૂંટણી:ગુજરાતમાં 4 સીટ માટે ઇલેક્શન, કોંગ્રેસ પાસે રહેલી બે બેઠક પર ભાજપની નજર; દેશનાં 15 રાજ્યમાં 56 સીટ માટે વોટિંગ
post

હિમાચલ પ્રદેશ, તેલંગાણા અને કર્ણાટકમાં કોંગ્રેસને ફાયદો થશે

Written By newsonline | Ahmedabad | Published: 2024-01-29 20:18:11

ગુજરાત રાજ્યમાં આગામી એપ્રિલ માસમાં રાજ્યસભાની 4 સીટ પરના સભ્યોનો કાર્યકાળ પૂરો થવા જઈ રહ્યો છે. આજે કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા ગુજરાત રાજ્યસભાની 4 સીટ સહિત કુલ 15 રાજ્યમાં 56 સીટ માટે ચૂંટણીની જાહેરાત કરાઈ છે. 15 રાજ્યની 56 રાજ્યસભા બેઠક પર 27 ફેબ્રુઆરીના રોજ ચૂંટણી યોજાશે. ચૂંટણીપંચે જણાવ્યું છે કે 56 રાજ્યસભા સાંસદોનો કાર્યકાળ એપ્રિલ 2024માં પૂર્ણ થશે, જેના પર 27 ફેબ્રુઆરીના રોજ સવારે 9 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી મતદાન યોજાશે. ચૂંટણી માટે નામાંકન ભરવાની છેલ્લી તારીખ 15 ફેબ્રુઆરી નક્કી કરવામાં આવી છે.

ગુજરાતની ચારમાંથી બે સીટ પર ભાજપની નજર
ગુજરાતમાં રાજ્યસભાની 11 બેઠક છે. એમાં લોકસભા ચૂંટણી વચ્ચે એપ્રિલ 2024માં ગુજરાત રાજ્યસભાના ચાર સભ્ય નિવૃત્ત થતાં ચાર બેઠક ખાલી થશે. આ સભ્યોમાં ભાજપના પુરુષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા, જ્યારે કોંગ્રેસના નારણ રાઠવા અને અમી યાજ્ઞિક સામેલ છે, એટલે 2024માં કોંગ્રેસની આ બંને બેઠક પર ભાજપની નજર રહેશે. જોકે ગુજરાતના વિધાનસભાનાં પરિણામોના આધારે ભાજપને ત્રણ બેઠક હાંસલ કરવામાં મુશ્કેલી નહીં પડે, પરંતુ ચોથી બેઠક માટે પ્રાયોરિટી વોટ કારગર રહેશે.

આ ઉપરાંત જૂન 2026માં ભાજપના ત્રણ અને કોંગ્રેસના એક સભ્ય નિવૃત્ત થઇ રહ્યા છે. એમાં ભાજપનાં રામભાઇ મોકરિયા, રમીલાબહેન બારા, નરહરિ અમીન, જ્યારે કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલ સામેલ છે. ભાજપ 2026માં થોડી મહેનત કરીને આ ચારેય બેઠક હાંસલ કરી શકે છે. આમ, રાજ્યની તમામ 11 રાજ્યસભા બેઠક માટે ભાજપે 2026 સુધી રાહ જોવી પડશે.

ગુજરાતના રાજ્યસભાના સભ્યો...

રાજ્યસભા સભ્યોનિમણૂકનિવૃત્તિ
પુરુષોત્તમ રૂપાલા (ભાજપ)3 એપ્રિલ, 20182 એપ્રિલ, 2024
મનસુખ માંડવિયા (ભાજપ)3 એપ્રિલ, 20182 એપ્રિલ, 2024
અમી યાજ્ઞિક (કોંગ્રેસ)3 એપ્રિલ, 20182 એપ્રિલ, 2024
નારણભાઇ રાઠવા (કોંગ્રેસ)3 એપ્રિલ, 20182 એપ્રિલ, 2024
રામભાઇ મોકરિયા (ભાજપ)22 ફેબ્રુ., 202121 જૂન, 2026
રમીલાબહેન બારા (ભાજપ)22 જૂન, 202021 જૂન, 2026
નરહરિ અમીન (ભાજપ)22 જૂન, 202021 જૂન, 2026
શક્તિસિંહ ગોહિલ (કોંગ્રેસ)22 જૂન, 202021 જૂન, 2026
એસ. જયશંકર (ભાજપ)6 જુલાઈ 201918 ઓગસ્ટ, 2023
જુગલજી ઠાકોર (ભાજપ)6 જુલાઈ 201918 ઓગસ્ટ, 2023
દિનેશચંદ્ર અનાવાડિયા (ભાજપ)22 ફેબ્રુઆરી 202118 ઓગસ્ટ, 2023
નોંધ -પહેલા ચાર માટે ચૂંટણી થશે

ગુજરાતમાં ત્રણ સાંસદની હાલની સ્થિતિ શું છે?

જે સાંસદોએ ત્રણ વર્ષની ટર્મ પૂરી કરી લીધી છે એમાં સાંસદો એસ. જયશંકર, જુગલજી ઠાકોર, દિનેશચંદ્ર અનાવાડિયાની નિવૃત્તિ થઈ હતી અને ફરીથી ચૂંટણી થઈ હતી. એમાં એસ. જયશંકર રિપીટ થયા છે, જુગલજી ઠાકોર અને દિનેશ અનાવાડિયાની જગ્યાએ બાબુભાઈ દેસાઈ, કેસરીદેવસિંહ ઝાલા ચૂંટાયા હતા.

પરિણામ 27મી ફેબ્રુઆરીએ જ આવશે

હવેની ચૂંટણીમાં 56 બેઠક પૈકી સૌથી વધુ 10 બેઠક ઉત્તરપ્રદેશની છે. મહારાષ્ટ્ર અને બિહારની 6 - 6 બેઠક પર ચૂંટણી યોજાવાની છે, જ્યારે મધ્યપ્રદેશ અને પશ્ચિમ બંગાળની 5-5 બેઠક છે. કર્ણાટક અને ગુજરાતની 4 - 4 રાજ્યસભા બેઠકો પર પણ 27 ફેબ્રુઆરીએ ચૂંટણી થશે. આ સિવાય તેલંગાણા અને રાજસ્થાન તથા ઓડિશાની ૩-૩ બેઠક પર મતદાન થશે. છત્તીસગઢ, ઉત્તરાખંડ, હરિયાણા, હિમાચલની 1-1 બેઠક પર મતદાન થશે. રાજ્યસભાની 56 બેઠક પર 27મી ફેબ્રુઆરીએ મતદાન થશે અને એ જ દિવસે પરિણામ આવશે. ચૂંટણીપંચ 8 ફેબ્રુઆરીએ ચૂંટણી માટે નોટિફિકેશન બહાર પાડશે. નોમિનેશનની છેલ્લી તારીખ 15 ફેબ્રુઆરી છે. ઉમેદવારીપત્રોની ચકાસણીની તારીખ 16મી ફેબ્રુઆરી છે. ઉમેદવારો 20મી ફેબ્રુઆરી સુધી તેમનાં નામ પાછા ખેંચી શકશે.

લોકસભાની ચૂંટણી પહેલાં આ ચૂંટણી મહત્ત્વની છે
ચૂંટણીપંચે રાજ્યસભાની ચૂંટણીની જાહેરાત એવા સમયે કરી છે, જ્યારે પક્ષો લોકસભા ચૂંટણીની તૈયારીમાં વ્યસ્ત છે. આવી સ્થિતિમાં રાજ્યસભાની ચૂંટણીને ખૂબ મહત્ત્વની માનવામાં આવી રહી છે. આ 56 બેઠક પર ચૂંટણી બાદ સંસદના ઉપલા ગૃહનું રાજકીય ચિત્ર બદલાઈ જશે.

હિમાચલ પ્રદેશમાં લોકસભાની ચૂંટણી પહેલાં કોઈ બેઠક ખાલી નહીં થાય
હિમાચલ પ્રદેશમાં રાજ્યસભાની ત્રણ બેઠક છે, જે ત્રણેય ભાજપ પાસે છે. વર્ષ 2024ની લોકસભા ચૂંટણી પહેલાં ભાજપને કોઈ નુકસાન નથી, પરંતુ એપ્રિલ 2024માં હિમાચલથી હાલના સાંસદ અને ભાજપ અધ્યક્ષ જે.પી. નડ્ડા નિવૃત્ત થશે. ભાજપ માટે તેમને ફરી હિમાચલથી રાજ્યસભામાં મોકલવા શક્ય નહીં હોય, કારણ કે હાલ હિમાચલમાં કોંગ્રેસ પાસે ભાજપથી વધુ બેઠકો છે, તેથી તેમને કોઈ બીજા રાજ્યમાંથી રાજ્યસભામાં મોકલવા પડે એવી સ્થિતિ છે.

દેશમાં ક્યારે થઈ રાજ્યસભાની રચના?

દેશમાં રાજ્યસભાની રચના વર્ષ 1954માં 23 ઓગસ્ટના રોજ કરવામાં આવી હતી. રચનાનો હેતુ કાયમી ગૃહ રાખવાનો હતો. જે રીતે લોકસભાનું વિસર્જન કરી શકાય છે એવી જ રીતે રાજ્યસભાનું વિસર્જન થતું નથી, કારણ કે એને કાયમી ગૃહ માનવામાં આવે છે. રાજ્યસભાના સભ્યોનો કાર્યકાળ પણ ચૂંટાયેલા સાંસદ કરતાં એક વર્ષ વધુ એટલે કે છ વર્ષનો હોય છે. બંધારણના અનુચ્છેદ 80 મુજબ રાજ્યસભામાં કુલ સભ્યોની સંખ્યા 250 હોઈ શકે છે. આ 250માંથી 238 સભ્યો કોઈપણ રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશમાંથી ચૂંટાયા છે, બાકીના 12 સભ્યો દેશની કોઈપણ પ્રતિષ્ઠિત વ્યક્તિ હોઈ શકે છે, જેને રાષ્ટ્રપતિ નામાંકિત કરે છે.

adv

Related News

post
post
post
post
post
post
post