• Home
  • News
  • પાકિસ્તાનમાં રેપના દોષિતોને બનાવાશે નપુંસક; જાણો શું છે કેમિકલ કેસ્ટ્રેશન? ભારતમાં થતી રહી છે માગ
post

2012માં બ્રિટનના અખબાર ધ મિરરમાં જાતિય અપરાધના લગભગ 100 દોષિતોના કેમિકલ કેસ્ટ્રેશન કરવાનો રિપોર્ટ છપાયો

Written By newsonline | Ahmedabad | Published: 2020-12-18 10:14:51

પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આરિફ અલ્વીએ એન્ટી-રેપ ઓર્ડિનન્સ-2020 પર હસ્તાક્ષર કરી દીધા છે. આ સાથે જ પાકિસ્તાનમાં રેપના દોષિતોનું કેમિકલ કેસ્ટ્રેશન (કેમિકલથી થોડા સમય માટે નપુંસક બનાવવા) કરવાની અનુમતિ મળી ગઈ છે. વડાપ્રધાન ઈમરાન ખાન અને તેમની કેબિનેટે ગત મહિને જ તેને મંજૂરી આપી દીધી હતી.

આ કેમિકલ કેસ્ટ્રેશન હોય છે શું? રેપ જેવા અપરાધને રોકવામાં કેટલું કારગત છે? જે અપરાધીઓનું કેમિકલ કેસ્ટ્રેશન થાય છે તેમના શરીર પર શી અસર પડે છે? પાકિસ્તાન સરકાર આ કાયદો શા માટે લાવી? શું ભારતમાં તેને લાવવાની વાત ક્યારેય થઈ છે? આપણા દેશમાં આને લાગુ કરવાનું શા માટે મુશ્કેલ છે? દુનિયાના કયા દેશોમાં આ કાયદો છેઆવો જાણીએ...

કેમિકલ કેસ્ટ્રેશન શું છે?

·         કેમિકલ કેસ્ટ્રેશનમાં કેમિકલથી પુરૂષોની સેક્સ્યુઅલ ડિઝાયરને ઘટાડીને, તેમના ટેસ્ટોસ્ટેરોનને ઘટાડી દેવાય છે. આ મુખ્યત્વે સેક્સ હોર્મોન હોય છે.

·         તેમા એનાર્ફિડિસિએક ડ્રગનો યુઝ થાય છે. તેની અસર થોડા સમય માટે જ થાય છે. આ કારણસર તેને એક નિશ્ચિત સમયના અંતર પછી ફરી દેવી પડે છે. અસર ખતમ થયા પછી સેક્સ્યુઅલ ડિઝાયર પહેલા જેવી થઈ જાય છે.

·         તેને દવા અને ઈન્જેક્શન બંને રીતે આપી શકાય છે. દવા રેગ્યુલર લેવી પડે છે જ્યારે ઈન્જેક્શનની અસર થોડા મહિના સુધી રહે છે. એવામાં દોષિતોનું કેમિકલ કેસ્ટ્રેશન ઈન્જેક્શન તરીકે થાય છે.

·         આ માટે સાઈપ્રોટેરોન એસિટેટ (સીપીએ), મેડરોક્સીપ્રોગેસ્ટેરોન એસિટેટ (એમપીએ) અને એલએચઆરએચ જેવી દવાઓ ઉપયોગમાં લેવાય છે. આ દવાઓ ટેસ્ટોસ્ટેરોન અને એસ્ટ્રાડિયોલ હોર્મોનને ઘટાડે છે. આ હોર્મોન જ પુરૂષોની સેક્સ ડિઝાયર માટે જવાબદાર હોય છે. અમેરિકામાં કેમિકલ કેસ્ટ્રેશન માટે એમપીએ, જ્યારે બ્રિટન, કેનેડા અને મધ્યપૂર્વમાં સીપીએનો ઉપયોગ થાય છે.

કેમિકલ કેસ્ટ્રેશન કેટલું કારગત છે?

·         જો મેડિકલ ઈફેક્ટની વાત કરીએ તો કેમિકલ કેસ્ટ્રેશનથી હાડકાં નબળા પડે છે. લોહીની ઉણપ સર્જાય છે, સ્નાયુ નબળા થાય છે અને અનેક અન્ય અસરો પણ થાય છે.

·         સ્કેન્ડિનેવિયામાં થયેલું એક રિસર્ચ જણાવે છે કે કેમિકલ કેસ્ટ્રેશનને લાગુ કર્યા પછી રિઓફેન્ડિંગ રેટ્સમાં 5થી 40%નો ઘટાડો આવ્યો. દુનિયાના બીજા દેશો પણ આ પ્રકારની વાત કરે છે. પરંતુ, તેની અસરકારકતા હંમેશા સવાલોમાં રહી છે.

·         લીગલ ઈફેક્ટની વાત કરતા સિનિયર એડવોકેટ આભા સિંહે ભાસ્કરને કહ્યું કે તે વધુ અસરકારક નથી. તેને એક ચોક્કસ પીરિયડ પછી આપવાની હોય છે. જે દેશોમાં તેનો ઉપયોગ થઈ રહ્યો છે, ત્યાં પણ વધુ ઈફેક્ટિવ નથી. પરંતુ, પછી પણ કંઈ ન હોવા કરતાં કંઈક હોવું સારૂં છે.

ભારતમાં આ કેટલું અસરકારક થઈ શકે છે?

·         એડવોકેટ આભા સિંહ કહે છે કે આવું થાય છે તો આ એક પ્રકારનું ફિયર ફેક્ટર હશે. તેનાથી લોકો પર એક માનસિક દબાણ આવશે. કદાચ તેનાથી પરિવારોમાં લોકો પોતાના બાળકોને મહિલા અપરાધો માટે જાગૃત કરવા લાગે.

·         દેશમાં આ પ્રકારની માગ તો થાય છે પણ ઈન્ડિયામાં તેને કેમ લાગુ ન કરી શકાયું? આ સવાલના જવાબમાં આભા સિંહ કહે છે કે આપણો પુરૂષપ્રધાન સમાજ છે. દેશના 30% એમએલએ-એમપી એવા છે, જેમના ઉપર સેક્સ્યુઅલ અસોલ્ટના કેસ છે. પછી તે ખુદ પોતાની વિરુદ્ધ કાયદો શા માટે લાવે.

·         આભા સિંહ કહે છે, ‘કેમિકલ કેસ્ટ્રેશન માત્ર દોષિતોને પેરોલ અને ફર્લો આપવા પર લાગે છે. તેમાં ચેલેન્જ એ છે કે જે અપરાધી પેરોલ કે ફર્લો પર રહેશે. તેને ટ્રેક કરવા એ સિસ્ટમ માટે પડકાર રહેશે. તેની સાથે જ કેમિકલ કેસ્ટ્રેશનની અસર ખતમ થયે અપરાધીને ફરીવાર ઈન્જેક્ટ કરવા શોધવો પડશે. જે ભારત જેવા મોટી વસતીવાળા દેશમાં મોટો પડકાર હશે.

પાકિસ્તાન સરકાર આ કાયદો શા કારણથી લાવી?

·         આ વર્ષે સપ્ટેમ્બરમાં પોતાના બાળકો સાથે ગુજરાંવાલા જઈ રહેલી એક મહિલા સાથે લાહોરમાં હાઈવે પર ગેંગરેપની ઘટના બની હતી. સમગ્ર પાકિસ્તાનમાં આ અંગે દેખાવો થયા. આ દરમિયાન પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને કહ્યું હતું કે રેપ જેવા અપરાધ માટે દોષિતોને જાહેરમાં ફાંસી પર લટકાવી દેવા જોઈએ અથવા તો કેમિકલી કેસ્ટ્રેશનનો ઉપયોગ કરવો જોઈએ.

·         ગત મહિને ઈમરાન કેબિનેટ રેપના દોષિતોને કેમિકલ કેસ્ટ્રેશનનો વટહુકમ લાવી, જે હવે રાષ્ટ્રપતિની મહોર પછી કાયદો બન્યો છે.

·         નવા વટહુકમમાં જાતિય અપરાધના કેસોમાં ત્વરિત ટ્રાયલ માટે દેશભરમાં સ્પેશિયલ કોર્ટ બનાવવી, ચાર મહિનામાં કોર્ટે કેસનો નિકાલ કરવો, પીડિતની ઓળખ જાહેર કરનારાને ત્રણ વર્ષની જેલ જેવી વાતો સામેલ કરાઈ છે.

શું ભારતમાં ક્યારેય આની માગ થઈ છે?

·         ભારતમાં સજા તરીકે કેમિકલ કેસ્ટ્રેશનની પ્રથમવાર તરફેણ 2011માં કરાઈ હતી. જ્યારે ચાર વર્ષ સુધી પોતાની સાવકી પુત્રી સાથે બળાત્કાર કરવાના દોષિતને જેલની સજાને બદલે કેમિકલ કેસ્ટ્રેશનની વાત કરવામાં આવી હતી.

·         2012માં નિર્ભયા ગેંગરેપ પછી ભારતમાં પણ જાતિય અપરાધીઓના કેમિકલ કેસ્ટ્રેક્શનની માગ થઈ હતી. એ સમયે ભાજપાએ પણ આ માગને સમર્થન આપ્યું હતું. એ સમયે વરિષ્ઠ ભાજપા નેતા અને હાલના ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ મીડિયાની સામે આ વાત કરી હતી. ગત વર્ષે થયેલા હૈદરાબાદ ગેંગરેપ પછી ફરી એકવાર આ પ્રકારની માગણીએ દેશમાં જોર પકડ્યું હતું.

·         કહેવાય છે કે નિર્ભયા રેપના કેસ પછી જસ્ટિસ જે એસ વર્મા કમિટીએ જે રિપોર્ટ સરકારને આપ્યો, તેમાં પણ કેમિકલ કેસ્ટ્રેશનની વાત કહેવામાં આવી હતી. એ સમયે સત્તામાં રહેલી કોંગ્રેસના પણ અનેક નેતા તેના સમર્થનમાં આવ્યા હતા પરંતુ કોંગ્રેસ તેના સમર્થનમાં નહોતી. સંસદની સ્ટેન્ડિંગ કમિટી પાસે પણ આ પ્રસ્તાવ પહોંચાડ્યો હતો. પરંતુ, ત્રણ સભ્યોની કમિટીએ તેને નકારી દીધો અને તેને માનવાધિકારોનું ઉલ્લંઘન ગણાવ્યું.

દુનિયામાં અન્ય કયા દેશોમાં કેમિકલ કેસ્ટ્રેશનને માન્યતા મળેલી છે?

·         બ્રિટન, જર્મની, સાઉથ કોરિયા, પોલેન્ડ, ઈન્ડોનેશિયા જેવા દેશો અને અમેરિકાના કેટલાક રાજ્યોમાં જાતિય અપરાધીઓના કેમિકલ કેસ્ટ્રેશનનો કાયદો છે.

·         અમેરિકામાં સૌપ્રથમ વખત કેમિકલ કે ફિઝિકલ કેસ્ટ્રેશનનો ઉપયોગ 18 સપ્ટેમ્બર 1996ના રોજ કેલિફોર્નિયામાં કરાયો. જ્યારે સરકારે જાતિય અપરાધોમાં સજા કાપી રહેલા દોષિતોને પેરોલ પર છોડવાની શરતે તેનો ઉપયોગ કર્યો. તેના પછી આગળ અમેરિકાના આઠ અન્ય રાજ્યોએ આ પ્રકારનો કાયદો પસાર કર્યો.

·         2011માં રશિયાની સંસદે પણ આ પ્રકારનો કાયદો પસાર કર્યો. તેમાં કોર્ટના કહેવાથી ફોરેન્સિક મનોચિકિત્સક, એવા જાતિય અપરાધીઓ માટે કેમિકલ કેસ્ટ્રેશનની સલાહ આપી શકાય છે, જે 14 વર્ષથી ઓછી વયના બાળકો સાથે આ પ્રકારનો અપરાધ કરવાનો દોષિત જણાયો હોય.

·         2012માં બ્રિટનના અખબાર ધ મિરરમાં જાતિય અપરાધના લગભગ 100 દોષિતોના કેમિકલ કેસ્ટ્રેશન કરવાનો રિપોર્ટ છપાયો. રિપોર્ટમાં જણાવાયું કે આ સરકાર સમર્થિત વોલન્ટિયરી બેઝિસ પર કરાયું હતું. સરકારે પણ આ રિપોર્ટ પછી ધ ગાર્ડિયન સાથેની વાતચીતમાં હાઈ રિસ્ક સેક્સ ઓફેન્ડર્સ માટે તેના ઉપયોગને યોગ્ય ગણાવ્યો.

·         2013માં સાઉથ કોરિયાની નેશનલ એસેમ્બ્લીએ સેક્સ ક્રાઈમ સાથે સંકળાયેલા પોતાના કાયદામાં સંશોધન કર્યુ. તેમાં, લોકલ કોર્ટ વારંવાર આ પ્રકારના અપરાધના દોષિત જણાતા અપરાધીને કેમિકલ કેસ્ટ્રેશનની સજા આપી શકે છે. તેના ઉપરાંત ન્યુઝિલેન્ડ, પોલેન્ડ, ઈન્ડોનેશિયા, ઈઝરાયેલ, માલડોવામાં પણ આ પ્રકારના કાયદા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post