• Home
  • News
  • શાહની પશ્ચિમ બંગાળની મુલાકાત પહેલાં TMCના ધારાસભ્ય શુભેન્દુનું રાજીનામું, ભાજપમાં જશે; 50 બેઠકો પર પ્રભાવશાળી
post

શાહ 19-20 ડિસેમ્બરે પ. બંગાળના પ્રવાસે આવે ત્યારે ભાજપના મંચ પરથી સુવેન્દુ રેલીને સંબોધશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-12-17 09:35:59

પશ્ચિમ બંગાળની સત્તારૂઢ પાર્ટી ટીએમસીમાં અસંતોષ વધી રહ્યો છે. ગયા મહિને મંત્રીપદેથી રાજીનામું આપનાર પક્ષના મોટા નેતા શુભેન્દુ અધિકારીએ બુધવારે ધારાસભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. પૂર્વ મિદનાપુર જિલ્લાના નંદીગામથી ચૂંટાયેલા શુભેન્દુ27 નવેમ્બરે મંત્રીપદેથી રાજીનામું આપી દીધું હતું. તેઓ છેલ્લા કેટલાક સમયથી પક્ષથી દૂર રહેતા હતા. ગુરુવારે શુભેન્દુ દિલ્હી જઈ રહ્યાં છે. આગામી દિવસોમાં ટીએમસીના સભ્યપદેથી રાજીનામું આપીને તેઓ ભાજપમાં જોડાઈ શકે છે.

આ માટે મોટો ઝટકો...
પશ્ચિમ બંગાળમાં શુભેન્દુ અધિકારી તૃણમૂલના સૌથી વધુ લોકપ્રિય નેતાઓમાંના એક હતા. પક્ષને ઊભો કરવામાં તેમની મહત્ત્વની ભૂમિકા રહી છે. જાણકારો માને છે કે શુભેન્દુ 50 બેઠકોના પરિણામ પર અસર કરી શકે છે.

અધિકારીને ઝેડ પ્લસ સુરક્ષા આપવામાં આવી
શુભેન્દુ અધિકારીની સુરક્ષાને હાલમાં જ વધારીને ઝેડ પ્લસ કરવામાં આવી હતી. મળતી માહિત મુજબ તેમના જીવને ખતરાની આશંકાને જોતા કેન્દ્ર સરકારે તેમની સિક્યોરિટી વધારી છે. સુરક્ષા વધારવામાં આવ્યા બાદ શુભેન્દુ અધિકારીએ ગત દિવસોમાં મેદિનીપુરની એક રેલીમાં કહ્યું હતું કે હાલના દિવસોમાં તેમની ઉપર 11 વખત હુમલાઓ કરવામાં આવ્યા છે.

શુભેન્દુના રાજીનામાંનું ભાજપે સ્વાગત કર્યું
શુભેન્દુ અધિકારીના રાજીનામાં પર ભાજપના ઉપાધ્યક્ષ મુકુલ રાયે કહ્યું કે, જે દિવસે તેઓએ મંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું, ત્યારે મેં કહ્યું હતું કે જો તેઓ TMC છોડી દેશે તો મને ખુશી થશે અને અમે તેમનું સ્વાગત કરીશું. આજે તેઓએ પશ્ચિમ બંગાળ વિધાનસભાના સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે ત્યારે હું તેમના નિર્ણયોનું સ્વાગત કરુ છું. મુકુલ રાયે વધુમાં કહ્યું કે, TMC પત્તાના મહેલની જેમ વિખેરાઈ જશે. દરરોજ તેમની પાર્ટીમાંથી કોઈ નેતા અમારી પાર્ટીમાં સામેલ થવા આવી જાય છે.

પહેલાં ભારતીય પછી બંગાળી: શુભેન્દુ અધિકારી
આ પહેલાં મંગળવારે શુભેન્દુ અધિકારીએ સ્થાનિક અને બહારના લોકો અંગે ચાલી રહેલી ચર્ચાને લઈને TMC પર નિશાન સાધ્યું હતું. તેઓએ કહ્યું હતું કે અન્ય રાજ્યોથી આવતા લોકોને બહારના ન કહી શકાય. તેઓએ કહ્યું કે તેઓ પહેલાં ભારતીય છે અને બાદમાં બંગાળી. શુભેન્દુએ તૃણુમૂલ કોંગ્રેસના નેતૃત્વની કડક શબ્દોમાં નિંદા કરતા કહ્યું હતું કે તેઓ લોકોની અપેક્ષાએ પાર્ટીને વધુ મહત્વ આપી રહ્યાં છે.

ભાજપમાં સામેલ થઈ શકે છે અધિકારી
આવતા વર્ષે પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી યોજાવવાની છે. અને સત્તાધારી તૃણુમૂલ કોંગ્રેસ માટે આ વખતે સત્તા પર પુનરાવર્તન કરવાનું મુશ્કેલ લાગી રહ્યું છે. માનવામાં આવે છે કે તૃણુમૂલ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ હવે શુભેન્દુ અધિકારી ભાજપમાં સામેલ થઈ શકે છે. બંગાળ ભાજપ પણ કહે છે કે તૃણુમૂલના અસંતુષ્ટ નેતાઓ માટે તેમના દરવાજા હંમેશા માટે ખુલ્લા છે.

શુભેન્દુ ના પરિવારનો 80થી વધુ સીટ પર અસર
શુભેન્દુ  અધિકારી મિદનાપુર જિલ્લાના મોટા નેતા માનવામાં આવે છે. તેમનો પરિવાર ઘણાં વર્ષોથી રાજકારણમાં છે. શુભેન્દુના પિતા કોંગ્રેસના ધારાસભ્ય અને સાંસદ રહી ચુક્યા છે. તેઓ UPA સરકારમાં ગ્રામીણ વિકાસ રાજ્ય મંત્રી હતા અને હાલ તૃણુમૂલ કોંગ્રેસના સાંસદ છે. સુબેન્દુ પોતે સતત ધારાસભ્ય અને સાંસદની ચૂંટણી જીતતા રહ્યાં છે.

પહેલી વખત તેઓએ 2006માં વિધાનસભા ચૂંટણી જીતી હતી. જે બાદ 2009માં લોકસભા ચૂંટણી જીત્યા હતા. 2014માં પણ તેઓએ પોતાની સીટ પર કબજો જમાવ્યો હતો. 2016માં તેઓ વિધાનસભા ચૂંટણી લડ્યા અને જીતીને પરિવહન મંત્રી બન્યા. સુબેન્દુના એક ભાઈ સાંસદ અને બીજા નગરપાલિકાના અધ્યક્ષ છે. આ પરિવાર છ જિલ્લાની 80થી વધુ સીટ પર પ્રભુત્વ ધરાવે છે.

વધુ એક ધારાસભ્ય બળવાના માર્ગે
શુભેન્દુ અધિકારી તૃણુમૂલ કોંગ્રેસના એકલા એવા નેતા નથી જેઓએ બળવો કર્યો છે. પાર્ટીના જ વધુ એક ધારાસભ્યએ પણ આ પ્રકારના સંકેત આપવાના શરૂ કરી દીધા છે. આસનસોલના ધારાસભ્ય અને શહેરના મેયરપદે રહી ચુકેલા જિતેન્દ્ર તિવારીએ રાજ્યની મમતા સરકાર પર કેન્દ્ર તરફથી મળતા ફંડને લઈને રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો છે.
આ ઉપરાંત જિતેન્દ્ર તિવારીએ રાજ્યના શહેરી વિકાસ મંત્રી ફિરહદ હકીમને મળવાનો પણ ઈનકાર કરી દીધો છે. તેઓએ કહ્યું કે તે માત્ર મમતા બેનર્જી સાથે જ વાત કરશે.

મુખ્યમંત્રી મમતાએ આપી હતી કડક ચેતવણી
મમતા બેનર્જીએ હાલમાં પાર્ટી વિરોધી પ્રવૃતિઓ વિરૂદ્ધ કડક ચેતવણી આપતા કહ્યું હતું કે વિપક્ષના સંપર્કમાં રહેતા પાર્ટી છોડવા માટે સ્વતંત્ર છે. તેઓએ કોઈ નામ લીધું ન હતું પરંતુ પાર્ટી સૂત્રો મુજબ તેમનો ઈશારો શુભેન્દુ અધિકારી અને પાર્ટી વિરૂદ્ધ નિવેદનો આપતા અન્ય ધારાસભ્ય તરફ જ હતો.

 

adv

Related News

post
post
post
post
post
post
post