• Home
  • News
  • સૌથી પહેલા માસ્ક-ફ્રી થયેલા ઇઝરાયેલમાં રેકોર્ડબ્રેક દર્દી, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડમાં પણ અત્યારસુધીના સૌથી વધુ કેસ
post

જે દેશોએ પોતાને મહામારીથી બચાવી રાખ્યા હતા ત્યાં હવે સંક્રમણ તેજ

Written By newsonline | Ahmedabad | Published: 2021-08-30 11:05:04

દુનિયાના જે દેશોએ કોરોના મહામારીથી અત્યારસુધી પોતાને બચાવી રાખ્યા હતા, હવે ત્યાં સંક્રમણ ઝડપથી ફેલાવા લાગ્યું છે. સ્થિતિ એ છે કે હવે અહીં રેકોર્ડબ્રેક દર્દી નોંધાવા લાગ્યા છે. આ દેશોમાં ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, ઈઝરાયેલ, ફિનલેન્ડ અને વિયેતનામ જેવા દેશો સામેલ છે.

દુનિયામાં જ્યારે કોરોના મહામારી પગપેસારો કરી રહી હતી ત્યારે આ દેશોમાં એકલદોકલ દર્દી નોંધાતા. કોરોના સંક્રમણ રોકવા તેમણે કરેલું ટેસ્ટિંગ અને ટ્રેસિંગ દુનિયાભરમાં ચર્ચાનો વિષય હતું. જોકે હવે અહીંની સ્થિતિ બેકાબૂ છે. ઈઝરાયેલમાં શનિવારે કોરોનાના 12,013 દર્દી નોંધાયા. આ સંખ્યા 18 મહિનામાં સૌથી વધુ છે. આ પહેલાં દર્દી 21 ફેબ્રુઆરી, 2020ના રોજ મળ્યો હતો. ખાસ વાત એ છે કે ઈઝરાયેલે પોતાની 50% વસતિને વેક્સિન આપ્યા પછી દુનિયામાં સૌથી પહેલા પોતાને માસ્ક ફ્રી જાહેર કર્યું હતું. જોકે કોરોના દર્દી વધતાં ઈઝરાયેલે ફરી એકવાર જાહેર સ્થળોએ માસ્ક ફરજિયાત કર્યું હતું.

બીજી તરફ, ઓસ્ટ્રેલિયામાં 1,122 દર્દી નોંધાયા, જે 19 મહિનામાં સૌથી વધુ છે. અહીં ગયા વર્ષે 25 જાન્યુઆરીએ કોરોનાનો પહેલો દર્દી મળ્યો હતો. ન્યૂઝીલેન્ડમાં 16 મહિના પછી સૌથી વધુ 83 દર્દી નોંધાયા. કોરોનાના દર્દી વધતાં ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડમાં પણ લૉકડાઉન લાગુ કરાયું છે. આ ઉપરાંત ફિનલેન્ડ, વિયેતનામ પણ એવા દેશ છે, જ્યાં કોરોનાના કેસ વધ્યા છે. ફિનલેન્ડમાં એક જ દિવસમાં 16 હજાર દર્દી નોંધાયા છે.

બ્રિટનમાં સ્થિરતા, ઈંગ્લેન્ડમાં વધેલા કેસે ચિંતા વધારી
બ્રિટનમાં છેલ્લા 20 દિવસથી કોરોનાના કેસમાં સ્થિરતા છે. અહીં એક દિવસમાં 32 હજાર દર્દી નોંધાઈ રહ્યા છે, પરંતુ ઈંગ્લેન્ડમાં વધતા દર્દીઓએ ચિંતા વધારી દીધી છે. આ દરમિયાન ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સે પોતાના રિપોર્ટમાં દાવો કર્યો છે કે ઈંગ્લેન્ડમાં એક વર્ષ પહેલાં કોરોના વાઈરસ અત્યાર કરતાં 26 ગણો વધુ ઘાતક હતો.

ઈઝરાયેલમાં 1 સપ્ટેમ્બરે સ્કૂલો ખૂલશે, લૉકડાઉન મુદ્દે અવઢવ
ઈઝરાયેલની કેબિનેટે એક વર્ષથી બંધ સ્કૂલો ખોલવાનો નિર્ણય કર્યો છે. અહીં 1 સપ્ટેમ્બરે સ્કૂલો ખૂલશે. આ દરમિયાન કોરોનાના વધતા કેસથી ફરી એકવાર ચિંતા વધી ગઈ છે. શિક્ષણમંત્રી યિફત શાશાએ કહ્યું હતું કે હાલ સ્કૂલો બંધ કરવાની કોઈ યોજના નથી, પરંતુ લૉકડાઉનનો વિચાર કરી શકાય એમ છે.

ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં લૉકડાઉન વધુ કડક કરાયું
ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં લૉકડાઉન વધુ કડક કરી દેવાયું છે. ઓસ્ટ્રેલિયામાં ઘણા સમયથી લૉકડાઉન છે, જ્યારે અહીં દસ દિવસ પહેલાં એક દર્દી મળ્યા પછી આખા દેશમાં લૉકડાઉન કરાયું હતું. ત્યાર પછી દર્દી વધવા લાગ્યા. ઓસ્ટ્રેલિયન સરકાર લૉકડાઉન લંબાવવાની સાથે એ વધુ કડક પણ કરી રહી છે.

ડેલ્ટાના નવા વેરિયન્ટનો ડર, ફિનલેન્ડે પોતાની વસતિથી દસ ગણા વધુ ટેસ્ટ કરી ચૂક્યું છે
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના મતે, દુનિયાના મોટા ભાગના દેશોમાં ડેલ્ટા વેરિયેન્ટને કારણે દર્દી વધી રહ્યા છે. કોરોનાનો ડેલ્ટા વાઈરસ સ્વરૂપ બદલી રહ્યો છે, જે ઘાતક સાબિત થઈ શકે છે. બીજી તરફ, દર્દીઓ વધતાં ફિનલેન્ડે ટેસ્ટિંગ ઝડપી બનાવ્યું છે. 55 લાખની વસતિ ધરાવતા ફિનલેન્ડે અત્યારસુધી 66 લાખ કોરોના ટેસ્ટ કર્યા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post