• Home
  • News
  • માંડલ અંધાપાકાંડમાં સુઓમોટો, ગુજરાતની તમામ ક્લિનિક-હોસ્પિટલો માટે નોંધણી ફરજિયાત
post

ચેરિટેબલ ટ્રસ્ટ કે એનજીઓ તરફથી યોજાતા મેડિકલ કેમ્પનું પણ ફરજિયાત રજિસ્ટ્રેશન કરવા વિચારણા

Written By newsonline | Ahmedabad | Published: 2024-02-07 15:54:01

અમદાવાદ જિલ્લાના વિરમગામ (Viramgam) તાલુકામાં માંડલ ખાતે મોતિયાના ઓપરેશનમાં બેદરકારી સામે આવી હતી. જે મામલે આજે ગુજરાત હાઈકોર્ટમાં સુઓમોટો અરજી હાથ ધરવામાં આવી હતી. એડવોકેટ જનરલે હાઇકોર્ટમાં મોટું નિવેદન આપતા કહ્યું હતું કે, ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટની જોગવાઈઓમાં સુધારો કરવામાં આવશે. રાજ્યમાં અત્યાર સુધીમાં 50 કે તેનાથી વધુ બેડની હોસ્પિટલ દ્વારા રજિસ્ટ્રેશન કરવામાં આવતું હતું, જ્યારે હવે ગુજરાતની તમામ ક્લિનિક અને હોસ્પિટલોએ ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

કોર્ટ મિત્રે પણ પોતાના સૂચનો રજૂ કર્યા હતા

આ સાથે જ ચેરિટેબલ ટ્રસ્ટ કે એનજીઓ તરફથી યોજાતા મેડિકલ કેમ્પનું પણ ફરજિયાત રજિસ્ટ્રેશન કરવા વિચારણા કરવામાં આવી રહી છે. એડવોકેટ જનરલે કોર્ટને જણાવ્યું કે, આગામી સમયમાં ‘અંધાપાકાંડ’ જેવી ઘટનાઓ ફરી વખત ન બને એ માટે સરકાર જરૂરી સુધારાત્મક પગલાં લેશે. કોર્ટ મિત્ર જે નિમાયા છે તેમણે પણ પોતાના સૂચનો રજૂ કર્યા હતા. તેમણે પોતાના સૂચનો રજૂ કરતા કહ્યું કે, 'હાલના નિયમ અને જોગવાઈ નખ વગરના વાઘ જેવા છે.' સરકાર સુધારાત્મક પગલાં લે એ આવકાર છે. પરંતુ, આવા બનાવોમાં સજા અને દંડની કડક જોગવાઈ પણ જરૂરી છે. કારણ કે, આવી ઘટનાઓમાં ડોક્ટર્સની જવાબદારી નક્કી કરવી લગભગ અશક્ય છે.

શું છે સમગ્ર મામલો?

અમદાવાદના વિરમગામના માંડલમા રામાનંદ ટ્રસ્ટ હોસ્પિટલમાં 10 જાન્યુઆરીએ કુલ 29 જેટલા મોતિયાંના દર્દીઓનાં આંખનાં ઓપરેશન કરવામાં આવ્યાં હતાં. આ ઓપરેશન બાદ 17 દર્દીઓને ઈન્ફેક્શન લાગ્યું હતું જેમાંથી પાંચ દર્દીઓને દેખાવાનું બંધ થઈ જતા અમદાવાદ સિવિલમાં ખસેડવામાં આવ્યા હતાં. રામાનંદ ટ્રસ્ટની હોસ્પિટલમાં ઓપરેશન કરાવનાર દર્દીઓમાં મોટા ભાગના સુરેન્દ્રનગર, પાટણ અને અમદાવાદ જિલ્લાના હતા. આ કેસમાં હાઇકોર્ટમાં સુઓમોટો દાખલ થઈ હતી, જેની આજે વધુ સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

adv

Related News

post
post
post
post
post
post
post