• Home
  • News
  • મોટેરા, સાબરમતી, ચાંદખેડા અને રાણીપમાં રહેતા લોકોના ઘરે આવેલા મહેમાનોની નોંધણી શરૂ કરાઈ, મોટેરા સ્ટેડિયમ તૈયાર
post

ક્યાંથી આવ્યા છો, કેમ, ક્યારે, કેટલા દિવસ માટે રોકાયા છો તે અંગે મહેમાનોની પોલીસે પૂછપરછ શરૂ કરી

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-13 08:46:09

અમદાવાદઃ અમેરિકી પ્રમુખ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી બંને આતંકવાદી સંગઠનોના ટોચના હિટ લિસ્ટમાં છે. જેને લઈને એસપીજીની ગાઈડલાઈન્સ પ્રમાણે અમદાવાદ શહેર પોલીસે સુરક્ષા સંબંધિત વ્યવસ્થા ગોઠવી છે. જેના ભાગરૂપે મોટેરા સ્ટેડિયમની આસપાસના વિસ્તારોની સોસાયટીઓ અને ફ્લેટોમાં સરપ્રાઈઝ ચેકિંગ શરૂ કરાયું છે. મકાનમાલિક કે ભાડુઆતના ઘરે મહેમાન આવ્યા હોય તો તેમની પણ પૂછપરછ શરૂ કરાઈ છે. તેઓ કેમ, ક્યાંથી, કેટલા દિવસ માટે કયા કારણસર અને ક્યારે જવાના છે તે સહિતના સવાલો પોલીસ દ્વારા પૂછાઈ રહ્યા છે. જે મકાનમાલિકોએ તેમને ત્યાં રહેતાં ભાડુઆતોની નોંધણી કરાવી નથી તેમને પોલીસ દ્વારા નોટિસ ઈશ્યૂ કરાઈ રહી છે. હોટેલોમાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે. સ્ટેડિયમના કાર્યક્રમમાં લોકોને લાવવા માટે એસટી નિગમે પણ 2 હજારથી વધુ બસો ફાળવી છે. બીસીસીઆઈના સેક્રેટરી જય શાહ અને જીસીએના વાઈસ પ્રેસિડેન્ટ ધનરાજ નથવાણી સાથે ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ સ્ટેડિયમની મુલાકાત લીધી હતી.

મહેમાનોની માહિતી એકઠી કરી
અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાતને લઈને સુરક્ષા અને તૈયારીઓ સંદર્ભે બુધવારે રાજ્યના પોલીસ વડા અને ચીફ સેક્રેટરીના અધ્યક્ષસ્થાને મેરેથોન મીટિંગ યોજાઈ હતી. પોલીસ વડા શિવાનંદ ઝાએ સુરક્ષાની સ્થિતિનો રિવ્યૂ કર્યો હતો. જ્યારે ચીફ સેક્રેટરીએ મ્યુનિ. દ્વારા કરવામાં આવી રહેલી તૈયારીઓ અંગેનું કમિશનર વિજય નેહરાએ રજૂ કરેલું પ્રેઝન્ટેશન જોયું હતું. બીજી તરફ સ્ટેડિયમની આસપાસના મોટેરા, ચાંદખેડા, સાબરમતી અને રાણીપ વિસ્તારમાં રહેતા લોકોના ઘરે છેલ્લા 15 દિવસમાં આવેલા મહેમાનોની માહિતી પણ એકઠી કરવાનું શરૂ કર્યું છે. જ્યારે ભાડુઆતોની પણ તપાસ કરવામાં આવી રહી છે.

અલગ-અલગ શિફ્ટમાં કામગીરી વહેંચાઈ
મોટેરા સ્ટેડિયમમાં હજુ બે મહિના ચાલે તેટલું કામ બાકી છે. પરંતુ ટ્રમ્પની વિઝિટના પગલે કામ રાત-દિવસ અલગ-અલગ શિફ્ટમાં કામદારોને લગાવીને પૂરું કરવાનો ટાર્ગેટ છે.

મોટેરા ક્લબ હાઉસ પાસે દબાણ તોડતાં મળેલો કૂવો પૂરી દેવાયો
મોટેરા સ્ટેડિયમના ક્લબ હાઉસ તરફ જવાના રસ્તે આવેલા મંદિરના બહારનો ઓટલો તોડી પડાયો ત્યારે તેની નીચેથી 60 ફૂટ ઊંડો કૂવો મળી આવ્યો હતો. મંદિરના મહારાજ સહિત મ્યુનિ.ની ટીમ પણ કૂવો જોઈને ચોંકી ઊઠી હતી. પાણી વગરનો કૂવો વર્ષો જૂનો હોવાનું અનુમાન છે. રોડ પરથી વીઆઈપી લોકોની અવર-જવર થવાની હોવાથી મ્યુનિ. દ્વારા તેને પૂરી દેવા માટે કામગીરી શરૂ કરવામાં આવી હતી. પરંતુ કૂવો વર્ષો જૂનો હોવાથી પાણીના સંગ્રહ માટે તેની અંદર પરકોલેટિંગ વેલ બનાવવાનું કામગીરી શરૂ કરી હતી. હજુ બે દિવસ સુધી કામગીરી ચાલશે તે પછી આખે આખો કૂવો પૂરી દેવામાં આવશે તેવું મ્યુનિ. સૂત્રોનું કહેવું છે. ઉલ્લેખનીય છે કે, ક્લબ હાઉસ પહેલા સોસાયટીના ટર્નિંગનો રોડ સાંકડો હોવાથી એસ્ટેટની ટીમ દ્વારા મંદિરની બહાર એક્સ્ટેન્ડ કરવામાં આવેલા ઓટલા સહિતનું દબાણ તોડી પડાયું હતું. જો કે અહીં ઊભેલું વર્ષો જૂનું તોતિંગ વૃક્ષ યથાવત્ રાખવામાં આવ્યું હતું.

adv

Related News

post
post
post
post
post
post
post