• Home
  • News
  • 24 કલાક બાદ ફસાયેલા 12 લોકોનું રેસ્ક્યૂ:નર્મદા નદી ગાંડીતૂર બનતાં કરજણનો વ્યાસ બેટ ચારે બાજુથી પાણીમાં ઘેરાયો; હેલિકોપ્ટર ન ઊડતાં આર્મી બોટથી તમામને બચાવાયા
post

કટોકટીના સમયે સેનાના જવાનો દેવદૂત બન્યા

Written By newsonline | Ahmedabad | Published: 2023-09-18 17:42:17

કરજણ તાલુકામાં નર્મદા નદીની વચ્ચે આવેલા વ્યાસ બેટ ખાતે પૂરના પાણીમાં ફસાયેલી 12 વ્યક્તિને સેનાની મદદથી બચાવી લેવામાં આવી છે. ખરાબ વાતાવરણના કારણે વાયુસેના કે કોસ્ટગાર્ડના હેલિકોપ્ટર ઉડાન ન ભરી શકવાના કારણે આર્મીની બોટ મગાવી આ કાંઠા તરફ લાવવામાં આવી હતી. છેલ્લા 24 કલાકથી ચાલી રહેલી મહેનત પછી આજે સવારે આ પરિવારનું રેસ્ક્યૂ કરવામાં સફળતા મળી હતી.

પાણીની આવક વધતાં વ્યાસ બેટમાં પરિવાર ફસાયો
ગત શનિવારના રોજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પૂર અંગે સૂચના આપવામાં આવ્યા બાદ પણ વ્યાસ બેટ ખાતે રહેતા એક પરિવારના 12 સભ્ય સલામત સ્થળે આવી શક્યા નહોતા. હવે એ દરમિયાન નર્મદા નદીમાં પાણીની આવક વધતાં વ્યાસ બેટમાં પાણી ભરાવાનું શરૂ થયું હતું. આ સ્થિતિને ધ્યાને રાખીને કલેક્ટર અતુલ ગોરેએ આ પરિવારના બચાવની કામગીરી કરવા માટે કરજણ પ્રાંત અધિકારી આશિષ મિયાત્રાને સૂચના આપી અને વડોદરાથી મામલતદાર મનોજ દેસાઇને સ્થળ ૫ર નિયુક્ત કર્યા હતા.

ભારે વરસાદના કારણે હેલિકોપ્ટર ન ઊડ્યું
કલેક્ટર દ્વારા રાહત કમિશનર મારફત એરફોર્સનું હેલિકોપ્ટર મગાવવામાં આવ્યું હતું, પરંતુ અમદાવાદમાં ભારે વરસાદને કારણે એ ઉડાન ભરી શક્યું નહોતું. એ બાદ ફરી સંકલન સાધી કોસ્ટગાર્ડનું એક ચોપર દમણથી અસાઇન કરવામાં આવ્યું તો એની સાથે પણ એવું જ થયું અને હેલિકોપ્ટર આવી શક્યું નહોતું. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રવિવારે બપોર બાદ એક બોટ નદીમાં ઉતારવામાં આવી હતી, પણ નદીનો પ્રવાહ એટલો તેજ હતો કે બચાવકર્મીઓએ પરત ફરવું પડ્યું હતું.

 

આર્મીની બોટ સ્થાનિક વ્યક્તિ સાથે રવાના
આવી કપરી સ્થિતિને જોતાં અંતે આર્મી પાસેથી વધુ શક્તિશાળી બોટ રવિવારે સાંજે મગાવી લેવામાં આવી હતી. એ આવતા આજે સવારે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આજે સવારે આર્મીની એક બોટ સ્થાનિક જાણકાર વ્યક્તિને સાથે રાખી નાસ્તો અને જરૂરી સામાન લઇ વ્યાસ બેટ પર પહોંચી ગઇ હતી. ત્યાં ફસાયેલી તમામ 12 વ્યક્તિને પ્રથમ તો નાસ્તો કરાવવામાં આવ્યો હતો અને બાદમાં બોટમાં બેસાડવામાં આવી હતી.

કટોકટીના સમયે સેનાના જવાનો દેવદૂત બન્યા
નદીના પ્રવાહમાં આ બોટ સલામત રીતે આ કાંઠા તરફ આવતાં જિલ્લા વહીવટી તંત્ર અને ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો. આર્મીના જવાનોએ વૃદ્ધ પૂજારીને ઊંચકીને કાંઠા ઉપર લાવ્યા હતા. આમ કટોકટીના સમયે સેનાના જવાનો દેવદૂત બનીને આવ્યા હતા. આ બચાવકાર્યમાં ચાર મહિલા, બે બાળકો અને છ પુરુષોને બચાવી લેવામાં આવ્યાં હતાં.

adv

Related News

post
post
post
post
post
post
post