• Home
  • News
  • જુ.ક્લાર્કની પરીક્ષા માટે તંત્રની જડબેસલાક તૈયારી:રાજ્યમાં 3 હજાર કેન્દ્ર પર પરીક્ષા યોજાશે, 11:45એ પહોંચવું ફરજિયાત, ST વિભાગે વધારાની બસો મૂકી; 500થી વધુ ફ્લાઇંગ સ્ક્વોડ
post

પરીક્ષાર્થીઓનું વોર્ન કેમેરાથી ચેકિંગ કરાશે

Written By newsonline | Ahmedabad | Published: 2023-04-08 17:05:57

અમદાવાદપંચાયત સેવા વર્ગ-3ની જુનિયર ક્લાર્કની પરીક્ષા આવતીકાલે 9 એપ્રિલને રવિવારના રોજ યોજાશે. 9 લાખ 53 હજાર 723 ઉમેદવાર પરીક્ષા આપી પોતાનું ભાવિ નક્કી કરવા જઈ રહ્યા છે. રાજ્યમાં 3 હજાર કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પરીક્ષા 29-1-2023ના રોજ યોજાવાની હતી, પણ પેપરલીક થતાં પરીક્ષા રદ કરવાની ફરજ પડી હતી, જે પરીક્ષા હવે કાલે યોજાશે, ત્યારે રાજ્યમાં પરીક્ષાર્થીઓ માટે એસટી વિભાગ દ્વારા 6 હજાર એકસ્ટ્રા બસ સાથે સ્પેશિયલ ટ્રેનો પણ દોડાવવામાં આવશે.

પરીક્ષાને અનુલક્ષીને GPSSBના ચેરમેન હસમુખ પટેલે આજરોજ પ્રેસ-કોન્ફરન્સ યોજી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે જુનિયર ક્લાર્કના ઉમેદવારોનું વોર્ન કેમેરાથી ચેકિંગ કરવામાં આવશે. પરીક્ષાર્થીઓને 11:45 વાગ્યે પરીક્ષા કેન્દ્ર પર પહોંચી જવાનું રહેશે. આ સાથે જો કોઈ ડમી ઉમેદવાર અંદર પ્રવેશવાનો પ્રયાસ કરશે તો ગેટ પર જ પકડાઈ જશે.

11:45 વાગ્યા સુધીમાં પરીક્ષા કેન્દ્ર પર પહોંચી જવું
પરીક્ષા અંગેની માહિતી આપતાં IPS હસમુખ પટેલે જણાવ્યું હતું કે, 12:30એ પરીક્ષા યોજાવાની છે, તો ઉમેદવારોએ 11:45 વાગ્યા સુધી પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી જવાનું રહેશે તેમજ તેમણે વર્ગખંડની અંદર અડધો કલાક પહેલાં પહોંચી જવાનું રહેશે. બાદમાં કોઈપણ ઉમેદવારને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. એનું કારણ એ છે કે 15 મિનિટ પહેલાં ઓએમઆર શીટ આપીએ છીએ અને છેલ્લી ઘડીએ જનાર ઉમેદવારને કારણે કોઈ અવ્યવસ્થા ન થાય, છેલ્લી ઘડીએ પહોંચીને કોઈ ગેરરીતિ કરવાનો પ્રયત્ન ન કરે એ માટે આ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અમે આ બાબતમાં ઘણા સ્પષ્ટ છીએ કે કોઈપણ ઉમેદવાર ક્યાંયથી પણ દૂરથી મુસાફરી કરીને આવ્યા હોય, પણ સમયની બહાર પહોંચશે તો તેને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ મળશે નહીં.

ઉમેદવારોએ પોતાનાં બૂટ-ચંપલ કાઢી બહાર મૂકવાના રહેશે
પરીક્ષા કેન્દ્રની અંદર ઉમેદવાર પેન, ઓળખ કાર્ડ(ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ, પાન કાર્ડ અને ડ્રાઇવિંગ લાઇસન્સ) અને કોલ લેટર, આ ત્રણ વસ્તુ સિવાય ઉમેદવાર કશું લઈ જઈ શકશે નહીં. આ સાથે ઉમેદવારને તેનાં બૂટ-ચંપલ કઢાવીને ચેકિંગ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે અને વર્ગખંડની અંદર જતાં પહેલાં ઉમેદવારોનાં બૂટ-ચંપલ પણ કઢાવી લેવામાં આવશે.

ઉમેદવારોનું બોડી વોર્ન કેમેરાથી ચેકિંગ કરાશે
બોડી વોર્ન કેમેરા અંગે તેમણે ઉમેર્યું હતું કે આ કેમેરામાં સતત રેકોર્ડિંગ થતું હોય છે. એટલે પરીક્ષા કેન્દ્રોની અંદર જે ઉમેદવારો પ્રવેશ કરશે તેમની ફોટોગ્રાફી લેવાઈ જશે. અગાઉ લોકરક્ષકની ભરતી કરાઈ ત્યારે દરેક ઉમેદવારને પ્રવેશ આપતી વખતે તેનો એક નાનો વીડિયો લેતા હતા. જોકે એ વખતે ગુજરાતના માત્ર સાત જિલ્લામાં પરીક્ષા યોજાઈ હતી, જેમાં ત્રણ લાખ જ ઉમેદવારો હતા છતાં પણ અમને એટલા વીડિયો લેવામાં મુશ્કેલી પડતી હતી. આ વખતે પણ અમે વીડિયો કેમેરો રાખવા માગતા હતા, પરંતુ અમને વીડિયો કેમેરા મેળવવામાં મુશ્કેલી થાય તેમ લાગતું હતું, એટલે અમે એ કેમેરા રાખ્યા નહોતા. ત્યારે પોલીસ મિટિંગમાં બોર્ડ વોર્ન કેમેરા રાખવાનું સજેશન આવ્યું, એ સજેશન ઘણું સારું છે. આનાથી અમે ઉમેદવારોની વીડિયોગ્રાફી લઈ શકશું, જેથી કરીને કોઈપણ એવા ઉમેદવાર છે કે જે ડમી ઉમેદવાર તરીકે આવવાનો પ્રયત્ન કરે, તો તે ત્યાં જ પકડાઈ જશે. એટલે આ એક વધારાની વ્યવસ્થા કરાઈ છે. સતત રેકોર્ડિંગ ચાલુ રહેશે, સાથે જ ઉમેદવાર કોઈ ખોટી વસ્તુ લાવ્યા હશે તોપણ પકડાઈ જશે.

 

રિક્ષા એસોસિયેશન સાથે પણ મિટિંગ કરી
વ્યવસ્થાને લઈને તેમણે જણાવ્યું હતું કે કોઈ ખોટો ઉમેદવાર પરીક્ષા આપવાનો પ્રયત્ન કરે તો તેને પકડી પાડવામાં આવશે. પોલીસ અને વહીવટી વિભાગના અધિકારીઓને તાલીમ આપવામાં આવી છે. આ સાથે જરૂરી લગતાં નવાં સૂચનો પણ કર્યા છે. પરીક્ષાને લઈને તંત્રએ ઘણી સારી તૈયારી કરી છે. પોલીસ વિભાગ અને તંત્રના અધિકારીઓએ પણ ઉમેદવારોને બીજી સગવડો પૂરી પાડવાના પ્રયત્ન કર્યા છે. કેટલીક જગ્યાએ રિક્ષા એસોસિયેશન સાથે પણ મિટિંગ કરીને ઉમેદવારોને પોતાના સ્થળ પર પહોંચવામાં મુશ્કેલી ન પડે, તેમની પાસે વધારે ભાડું લેવામાં ન આવે એ માટે પણ બેઠકો કરવામાં આવી છે. કેટલાક પોલીસ એકમોએ ઉમેદવારોને પહોંચાડવા વાહનોની વ્યવસ્થા પણ કરી છે. પોતાના પોલીસ સ્ટેશનના નંબરને હેલ્પલાઇનના નંબર તરીકે પણ રાખ્યા છે.

એસટી વિભાગ દ્વારા વધારાની બસો મુકાઈ
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે એસટી વિભાગે પણ વધારાની બસો મૂકી છે. એ માટે ઓનલાઇન બુકિંગની વ્યવસ્થા કરાઈ છે તેમજ પરીક્ષા પૂર્ણ થયા બાદ ઉમેદવારોને પરત લઈ જવા માટે પણ બસોની વ્યવસ્થા કરાઈ છે. ઉમેદવારો પરીક્ષા આપ્યા બાદ જ્યારે પરત જતા હશે ત્યારે બસ સ્ટેશનો પર અવ્યવસ્થા ન થાય એ માટે પોલીસ-બંદોબસ્ત પણ માગ્યો છે, સાથે જ મીટિંગમાં પોલીસને પણ એ અંગેની સૂચના આપી દેવામાં આવી છે. આ પરીક્ષા માટે સમગ્ર વહીવટી તંત્ર અને ગુજરાતના લોકો સાથે મળીને આ પ્રસંગને જાણે પોતાનો અવસર હોય એમ એને ઊજવી રહ્યા હોય, એ રીતે તમામ લોકો સામેલ થયા છે. પરીક્ષા સરસ રીતે પાર પડે તેમજ ઉમેદવારોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે એ માટેના તમામ પ્રયત્ન થઈ ગયા છે, સાથે અત્યારે પણ ચાલુ છે.

ડમી ઉમેદવાર સામે નવા કાયદા મુજબ પગલાં લેવાશે
મને એમ લાગે છે કે આ વખતે કોઈ ડમી ઉમેદવાર પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવાનો પ્રયત્ન નહીં કરે. જોકે આ વખતે કાયદો એટલો કડક છે, જેમાં આવી કોઈ પ્રયત્ન કરનારી વ્યક્તિ વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને એમાં સખતમાં-સખત સજા કરવાની પણ જોગવાઈ છે.

રાજ્યમાં 500થી વધારે ફ્લાઇંગ સ્ક્વોડ
રાજ્યમાં ત્રણ હજારથી વધુ કેન્દ્રો છે. 32 જિલ્લાની અંદર આ પરીક્ષા લેવામાં આવશે. દરેક જિલ્લાની અંદર વહીવટી તંત્રએ વધારાના ઓબ્ઝર્વર અને ફ્લાઇંગ સ્ક્વોડ રાખ્યા છે. રાજ્યમાં 500થી વધારે ફ્લાઇંગ સ્ક્વોડ છે. દરેક વર્ગખંડની અંદર એક વર્ગ ખંડ નિરીક્ષકની ઉપર એક સુપરવાઈઝર છે, કેન્દ્ર સંચાલક છે. દરેક વર્ગખંડની અંદર સીસીટીવી કેમેરા છે, વર્ગખંડની બહાર લોબીમાં પણ સીસીટીવી રાખવામાં આવ્યા છે. પોલીસ સહિત પરીક્ષા સાથે સંકળાયેલા લોકોના મોબાઈલ લઈ લેવામાં આવશે. પરીક્ષા પૂર્ણ ન થાય ત્યાં સુધી મોબાઈલનો ઉપયોગ કરવાનો નથી, બોર્ડ પ્રતિનિધિ દ્વારા મોબાઈલ કબજે લઈ લેવામાં આવશે, એમ હસમુખ પટેલે ઉમેર્યું હતું.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post