• Home
  • News
  • ટ્વિટર સામે કડક સંસદીય સમિતિ:લેહને ચીનનો પ્રદેશ બતાવવા બદલ ટ્વિટરે સંસદીય સમિતિની માફી માંગી; આ એવો ગુનો છે જેમાં 7 વર્ષ સુધીની સજા
post

ભાજપના સાંસદ મીનાક્ષી લેખીએ જણાવ્યું હતું કે તે ટ્વિટરના પ્રતિનિધિ ડેટા સંરક્ષણ બિલની સંયુક્ત સમિતિ સમક્ષ હાજર થયા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-29 10:00:27

ડેટા પ્રોટેક્શન બિલ-2019ના મામલામાં સંસદીય સમિતિ સમક્ષ બુધવારે ટ્વિટર અને એમેઝોનના પ્રતિનિધિ હાજર થયા. એક નકશામાં લેહને ચીનનો હિસ્સો બતાવવાના કેસમાં સમિતિએ ટ્વિટરની ઝાટકણી કરી હતી. ટ્વિટરે તેને ટેકનિકલ ભૂલ ગણાવીને માફી માંગી. સમિતિએ કહ્યું કે, ‘આવી ભૂલ માટે સાત વર્ષની જેલ થઈ શકે છે અને ટ્વિટરને ભારતમાં પ્રતિબંધિત પણ કરી શકાય છે.

અગાઉ આ કંપનીઓએ સમિતિ સમક્ષ હાજર થવાનો ઈનકાર કર્યો હતો. એ મુદ્દે પણ ટ્વિટર-એમેઝોને માફી માંગી હતી. સંસદીય સમિતિએ ટ્વિટરને 30 અને એમેઝોનને 50થી વધુ સવાલોનીયાદી સોંપી હતી. તેના જવાબ આપવા બંને કંપનીએ ત્રણ અઠવાડિયાનો સમય માંગ્યો છે. આ દરમિયાન સંસદીય સમિતિએ નોટિસ જારી કરીને જિયો, ઓલા, ઉબર, એરટેલ અને ટ્રુ કોલરના પ્રતિનિધિઓને પણ હાજર થવાનો નિર્દેશ કર્યો છે. હવે સૌથી પહેલા ગુરુવારે આ સમિતિ સમક્ષ ગૂગલ અને પે-ટીએમના પ્રતિનિધિઓ હાજર થશે.

નોંધનીય છે કે, સમિતિની પૂછપરછ વખતે કંપનીના પ્રતિનિધિઓએ કહ્યું હતું કે, અમે આ મામલાની સંવેદનશીલતા સમજીએ છીએ, ત્યારે સમિતિના અધ્યક્ષા મીનાક્ષી લેખીએ કહ્યું હતું કે, આ મામલો સંવેદનશીલતાનો નહીં, પરંતુ ભારતીય ગણતંત્રની અખંડતાનો છે.

એમેઝોનને સવાલ: ભારતીયોનો ડેટા ક્યાં સ્ટોર કરો છો? ડેટા રિ-સેલની મંજૂરી કોણે આપી?
સંસદીય સમિતિએ એમેઝોન ઈન્ડિયાના વાઈસ પ્રેસિડેન્સ અને વેરહાઉસ પ્રતિનિધિની સાડા ત્રણ કલાક પૂછપરછ કરીહતી. સમિતિએ એમેઝોનના પ્રતિનિધિઓને સવાલકર્યો હતો કે, એમેઝોન ફક્ત વેચાણનું પ્લેટફોર્મ હતું, તો પોતે વિક્રેતા કેમ બન્યું? એમેઝોનમાં યુઝર્સ ડેટાની સુરક્ષાની શું વ્યવસ્થા છે? તે ક્યાં સ્ટોર થાય છે અને તેના રિ-સેલની મંજૂરી કોણે આપી? આ દરમિયાન એમેઝોને માહિતી આપી હતી કે, હાલ ભારતમાં અમારો વેપાર રૂ. 6 અબજનો છે, જે 10 અબજ સુધી લઈ જવાનો છે.

મામલો માત્ર સંવેદનશીલતાનો નથી, આ ભારતની અખંડિતતાનો મામલો છે
તેમણે કમિટીના સભ્યોને લદ્દાખને ચીનના ભાગ રૂપે બતાવવા અંગે સવાલ કર્યો હતો. ટ્વિટરે સમિતિને કહ્યું હતું કે અમે ભારતીયોની ભાવનાઓનું સન્માન કરીએ છીએ. લેખીએ કહ્યું કે તે માત્ર સંવેદનશીલતાનો મામલો નથી. આ ભારતનું સાર્વભૌમત્વ અને અખંડિતતાની વાત છે. સમિતિ સમક્ષ માહિતી ટેકનોલોજી મંત્રાલય અને કાયદા અને ન્યાય મંત્રાલયના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

ટ્વિટર પહેલા પણ માંગી ચૂક્યું છે માફી
ટ્વિટરે તેના પ્લેટફોર્મના જિઓ ટેગ લોકેશનમાં ચીનના ભાગ રૂપે લદ્દાખની રાજધાની લેહ અને જમ્મુ-કાશ્મીર બતાવ્યું હતું. ભારત સરકારે આ અંગે કડક વાંધો ઉઠાવ્યો હતો. કેન્દ્રએ ટ્વિટર CEO જેક ડોર્સીને એક પત્ર લખીને કહ્યું છે કે આ પ્રકારની હરકતોથી ટ્વિટરની પારદર્શિતા પર સવાલો ઉભા થાય છે. આ પછી, ટ્વિટરે માફી માંગી હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post