• Home
  • News
  • પત્રકાર સૌમ્યા વિશ્વનાથન મર્ડર કેસમાં સજાનું એલાન: ચાર આરોપીઓને આજીવન કેદની સજા
post

તમામ દોષીતોને મકોકા હેઠળ સજા સંભળાવવામાં આવી

Written By newsonline | Ahmedabad | Published: 2023-11-25 19:38:35

પત્રકાર સૌમ્યા વિશ્વનાથન મર્ડર કેસમાં સજાનું એલાન થઈ ગયુ છે. ચાર આરોપીઓને આજીવન કેદની સજા મળી છે. રવિ કપૂર, અમિત શુક્લા, બલજીત સિંહ મલિક અને અજય કુમારને આ મર્ડર કેસમાં દોષી ઠેરવવામાં આવ્યા હતા. કોર્ટે ચારેય આરોપીઓને દંડ પણ ફટકાર્યો છે. તમામ દોષીતોને મકોકા હેઠળ સજા સંભળાવવામાં આવી છે. દિલ્હીની સાકેત કોર્ટે શુક્રવારે આ મામલે સુનાવણી પૂરી કરીને નિર્ણય સુરક્ષિત રાખી લીધો હતો. ચારેય આરોપીઓને બે મામલે અલગ-અલગ આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે.

પોલીસને સૌમ્યાનો મૃતદેહ તેની કારમાંથી મળ્યો હતો

દિલ્હીની મહિલા ટીવી પત્રકાર સૌમ્યા વિશ્વનાથનની હત્યા 30 સપ્ટેમ્બર 2008ના રોજ દિલ્હીના નેલ્સન મંડેલા માર્ગ પર થઈ હતી. ત્યારે સૌમ્યા નાઈટ શિફ્ટ કરીને ઓફિસેથી ઘરે પરત ફરી રહી હતી. પોલીસને સૌમ્યાનો મૃતદેહ તેની કારમાંથી મળ્યો હતો. આ હત્યા કેસની સૌથી ખાસ વાત એ છે કે, તેનો ખુલાસો કરવામાં પોલીસને લગભગ 6 મહિનાનો સમય લાગ્યો હતો. પોલીસે કોઈ બીજા હત્યાકાંડમાં આરોપીઓની ધરપકડ કરી હતી જેમણે સૌમ્યાની હત્યાની વાત પણ કબૂલી લીધી હતી. 

15 વર્ષ બાદ ન્યાય મળવો જોઈએ: સૌમ્યાના માતા

સુનાવણી દરમિયાન ન્યાયાધીશે સૌમ્યાની માતાને પૂછ્યું કે શું તેમને કંઈ કહેવું છે? તેના પર પીડિતાની માતાએ કહ્યું કે 15 વર્ષ બાદ ન્યાય મળવો જોઈએ. મારા પતિ ICUમાં દાખલ છે અને તેઓ ન્યાયની રાહ જોઈ રહ્યા છે. ત્યારબાદ સાકેત કોર્ટે ચારેય દોષીઓ રવિ કપૂર, અમિત શુક્લા, બલજીત સિંહ મલિક અને અજય કુમારને ભારતીય દંડ સંહિતાની કલમ 302 હેઠળ સૌમ્યાની હત્યા માટે દોષિત ઠેરવ્યા હતા. જ્યારે પાંચમો આરોપી અજય સેઠીને હત્યાનો નહીં પરંતુ લૂંટનો માલ પોતાના કબજામાં રાખવા માટે દોષીત ઠેરવ્યો હતો. જેના કારણે અજય સેઠીને IPCની સેક્શન 411 હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યો હતો. અજય સેઠીને ત્રણ વર્ષની સજા સંભળાવી છે.

બંને કેસમાં ચારેય દોષીતોને અલગ-અલગ આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે. બંને આજીવન કેદની સજા એક બાદ એક ચાલશે. હત્યામાં 25-25 હજાર રૂપિયા અને મકોકામાં 1-1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. એટલે કે ચારેયને બેવડી આજીવન કેદ સવા સવા લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. 

adv

Related News

post
post
post
post
post
post
post