• Home
  • News
  • સોલા સિવિલ અને 286 ખાનગી હોસ્પિટલમાં ફાયર NOC નથી, કોર્પોરેશને કહ્યું, 15 દિવસમાં નહિ મેળવે તો દર્દીને દાખલ નહિ કરી શકે
post

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેર કરવામાં આવેલા લિસ્ટમાં હોસ્પિટલને NOC ન મળે ત્યાં સુધી દર્દીઓને દાખલ ન કરવા સૂચના

Written By newsonline | Ahmedabad | Published: 2020-12-21 11:59:01

શહેરની શ્રેય હોસ્પિટલમાં લાગેલી આગ અને રાજકોટના ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગની ઘટના બાદ ગુજરાત હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટે હોસ્પિટલોમાં ફાયર NOCને લઈ કડક આદેશ કર્યા છે. સુપ્રીમે ચાર સપ્તાહમાં કોવિડ હોસ્પિટલોમાં ફાયર NOC લઈ લેવા આદેશ કર્યા છે, જેની વચ્ચે અમદાવાદ શહેરની સરકારી સોલા સિવિલ હોસ્પિટલ અને 286 જેટલી ખાનગી હોસ્પિટલમાં ફાયર NOC ન હોવાનો ઘટસ્ફોટ ખુદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કર્યો છે. શહેરની જે ખાનગી હોસ્પિટલોમાં ફાયર NOC નથી એનું લિસ્ટ કોર્પોરેશન દ્વારા સત્તાવાર જાહેર કરવામાં આવ્યું છે.

અમદાવાદ ફાયર વિભાગના જણાવ્યા મુજબ, ફાયર NOC મેળવી હશે અને ફાયર સિસ્ટમ બાબતે હોસ્પિટલ સ્ટાફને ટ્રેનિંગ તેમજ ફાયર સિસ્ટમ કાર્યરત નહિ હોય તો આગ લાગે ત્યારે જાનહાનિ થશે તો હોસ્પિટલમાં મેનેજમેન્ટ/ માલિક જવાબદાર ગણાશે.

સાતેય ઝોનમાંથી કુલ 287 હોસ્પિટલમાં ફાયર NOC નથી
જાહેર કરવામાં આવેલા લિસ્ટમાં શહેરની કુલ 287 હોસ્પિટલ, જેમાંની સરકારી સોલા સિવિલ હોસ્પિટલનો સમાવેશ થાય છે, એમાં ફાયર NOC ન હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. લિસ્ટમાં લખ્યું છે કે નીચે જણાવેલી હોસ્પિટલોએ ફાયર NOC નથી મેળવેલું તેમણે તાકીદે ફાયર NOC મેળવવાનું રહેશે. ફાયર NOC નહિ મેળવવામાં આવે ત્યાં સુધી હોસ્પિટલમાં નવા દર્દીઓને દાખલ નહિ કરી શકાય. સાતેય ઝોનમાંથી કુલ 287 હોસ્પિટલમાં ફાયર NOC નથી છતાં હોસ્પિટલમાં દર્દીઓને આજે પણ દાખલ કરવામાં આવી રહ્યા છે.

વસ્ત્રાપુર સહિતની 100 હોસ્પિટલો પાસે ફાયર NOC નથી
ફાયર NOC વગરની હોસ્પિટલના કોર્પોરેશન દ્વારા જાહેર કરવામાં આવેલા લિસ્ટમાં સૌથી વધુ એસજી હાઇવે, થલતેજ, સોલા, ઘાટલોડિયા, ચાણક્યપુરી અને વસ્ત્રાપુર સહિતના વિસ્તારોની 100 જેટલી હોસ્પિટલ છે, જેની પાસે ફાયર NOC નથી. પશ્ચિમ વિસ્તારમાં જ આવેલી મોટા ભાગની હોસ્પિટલોમાં ફાયર NOC નથી, જેથી ફાયરબ્રિગેડની બેદરકારી સ્પષ્ટ જણાય છે. જાહેર કરવામાં આવેલી હોસ્પિટલોમાં કેટલીક હોસ્પિટલો તો મેટરનિટી હોમ અને નર્સિંગ હોમ છે, જેમાં નવજાત શિશુઓ રાખવામાં આવે છે ત્યારે આવી હોસ્પિટલો આગ મામલે બેદરકાર જણાય છે.

NOC ન મળે ત્યાં સુધી દર્દીઓને દાખલ કરવાની ના હોવા છતાં દાખલ કરાય છે
સોલા સિવિલ હોસ્પિટલમાં પણ ફાયર NOC ન હોવાનો ઘટસ્ફોટ થયો છે. સોલા સિવિલ હોસ્પિટલને કોવિડ હોસ્પિટલ તરીકે જાહેર કરવામાં આવી છે અને ત્રણ દિવસ પહેલાં જ ખુદ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સોલા સિવિલ હોસ્પિટલમાં 100 દિવસથી વધુ કોરોના સામે જંગ જીતીને ગયેલા ધંધૂકાના એક દર્દીને રજા આપતી વખતે શુભેચ્છાઓ આપવા આવ્યા હતા. જાહેર કરવામાં આવેલા લિસ્ટમાં લખ્યું છે કે જ્યાં સુધી ફાયર NOC ન મળે ત્યાં સુધી કોઈ નવા દર્દીઓને દાખલ કરવા નહિ, ત્યારે મોટા ભાગની હોસ્પિટલોમાં દર્દીઓ દાખલ કરવામાં આવી જ રહ્યા છે, ત્યારે શું માત્ર બતાવવા પૂરતું લખવામાં આવ્યું છે કે ખરેખર ફાયર અને કોર્પોરેશન એના પર અમલ કરાવશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post