• Home
  • News
  • જુ.ક્લાર્કની પરીક્ષાને લઈ એસટી-રેલવે સજ્જ:ગુજરાતમાં 6 હજાર બસ દોડશે, 4100 ટ્રિપનું ઓનલાઇન બુકિંગ ચાલુ, રેલવે 'પરીક્ષા સ્પેશિયલ ટ્રેન’ દોડાવશે
post

વડોદરાની વાત કરવામાં આવે તો હાલમાં પરીક્ષાર્થીઓના રૂટ પર 1 હજાર બસ દોડી રહી છે

Written By newsonline | Ahmedabad | Published: 2023-04-08 17:08:12

અમદાવાદ: પંચાયત સેવા વર્ગ-3ની જુનિયર ક્લાર્કની પરીક્ષા આવતીકાલે 9 એપ્રિલને રવિવારના રોજ યોજાશે. 9 લાખ 53 હજાર 723 ઉમેદવારો પરીક્ષા આપી પોતાનું ભાવિ નક્કી કરવા જઈ રહ્યા છે. રાજ્યનાં 3 હજાર કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પરીક્ષા 29-1-2023ના રોજ યોજાવાની હતી, પણ પેપર લીક થતાં પરીક્ષા રદ કરવાની ફરજ પડી હતી. જે પરીક્ષા કાલે યોજાવા જઈ રહી છે, ત્યારે રાજ્યમાં પરીક્ષાર્થીઓ માટે એસટી વિભાગ દ્વારા 6 હજાર બસ સાથે સ્પેશિયલ ટ્રેનો પણ દોડાવવામાં આવશે.

એસટી નિગમ દ્વારા 6000 બસની વ્યવસ્થા
એસ.ટી. નિગમ દ્વારા 6000 જેટલી બસોની વ્યવસ્થા કરવામાં આવી છે. આ વખતે અંતરિયાળ વિસ્તારોમાં પણ પરીક્ષા કેન્દ્રો ફાળવવામાં આવ્યાં છે. એક જિલ્લામાંથી અન્ય જિલ્લાના દૂરના નાનકડા તાલુકામાં પણ પરીક્ષા સેન્ટર આપવામાં આવ્યું છે. આ પરીક્ષામાં અંદાજિત 9.53 લાખ જેટલા ઉમેદવાર નોંધાયા છે, જેને ધ્યાનમાં રાખીને આવતીકાલે ગુજરાતમાં એસટી નિગમની 6 હજાર બસ રસ્તા પર દોડશે. સરકારે કોલ લેટર ડાઉનલોડ કરીને પ્રોસેસ કરનારા ઉમેદવારોના ખાતામાં 254 રૂપિયા મુસાફરી ભાડાના નાખી દીધા છે. જોકે ગત વખતે આ પરીક્ષાનું પેપર લીક થતાં વહીવટી તંત્રએ આ વખતે ઉમેદવારોના પરીક્ષા કેન્દ્રની જિલ્લા ફેરબદલી કરી નાખી છે.

અમદાવાદમાં 30 બસ બુક થઈ ગઈ
અમદાવાદના ઉમેદવારોને સુરત, ભાવનગર, મહેસાણા, દાહોદ, પાલનપુર વગેરે જિલ્લાઓમાં પરીક્ષા કેન્દ્ર અપાયા છે, જેથી કરીને અમદાવાદથી આ જિલ્લાઓમાં જતી બસોની માગ વધુ છે. અમદાવાદમાં અત્યારસુધીમાં 30 જેટલી બસો પરીક્ષાર્થીઓ માટે બુક થઈ ચૂકી છે.

ભાવનગરથી ગાંધીગ્રામ વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડશે
જ્યારે રેલવે દ્વારા આવતીકાલે પરીક્ષા વિશેષ ટ્રેનો દોડાવવામાં આવશે, જેમાં ભાવનગરથી ગાંધીગ્રામ અને જૂનાગઢથી રાજકોટ વચ્ચે ટ્રેન દોડશે. ભાવનગરથી ગાંધીગ્રામ વચ્ચેની એક સ્પેશિયલ ટ્રેન ભાવનગર, સિહોર, ધોળા, બોટાદ, બાવળા, સરખેજ ઊભી રહેશે, જ્યારે જૂનાગઢથી રાજકોટ વચ્ચેની બે ટ્રેન ભક્તિનગર, ગોંડલ, વીરપુર, નવાગઢ અને જેતલસર સ્ટેશનોએ ઊભી રહેશે. આ ટ્રેનો સવારની છે, જે પરીક્ષા પત્યા બાદ બપોરના સમયે પરત ફરશે.

રિક્ષા એસો. સાથે મિટિંગ કરાઈ
આ અંગે GPSSBના ચેરમેન હસમુખ પટેલે જણાવ્યું હતું કે કેટલીક જગ્યાએ રિક્ષા એસોસિયેશન સાથે મીટિંગ કરીને ઉમેદવારોને પોતાના સ્થળ પર પહોંચવામાં મુશ્કેલી ન પડે, તેમની પાસે વધારે ભાડું લેવામાં ન આવે એ માટે પણ બેઠકો કરવામાં આવી છે. કેટલાક પોલીસ એકમોએ ઉમેદવારોને પહોંચાડવા વાહનોની વ્યવસ્થા પણ કરી છે. પોતાના પોલીસ સ્ટેશનના નંબરને હેલ્પલાઇનના નંબર તરીકે પણ રાખ્યા છે.

બસમાં ઓનલાઈન બુકિંગની વ્યવસ્થા કરાઈ
હસમુખ પટેલે ઉમેર્યું હતું કે એસટી વિભાગે પણ વધારાની બસો મૂકી છે. એ માટે ઓનલાઇન બુકિંગની વ્યવસ્થા કરાઈ છે તેમજ પરીક્ષા પૂર્ણ થયા બાદ ઉમેદવારોને પરત લઈ જવા માટે પણ બસોની વ્યવસ્થા કરાઈ છે. ઉમેદવારો પરીક્ષા આપ્યા બાદ જ્યારે પરત જતા હશે ત્યારે બસ સ્ટેશનો પર અવ્યવસ્થા ન થાય એ માટે પોલીસ-બંદોબસ્ત પણ માગ્યો છે, સાથે જ મિટિંગમાં પોલીસને પણ એ અંગેની સૂચના આપી દેવામાં આવી છે.

રાજકોટ-જૂનાગઢ વચ્ચે સ્પેશિયલ ટ્રેન અને બસો દોડશે
આવતીકાલે 9 એપ્રિલે રાજકોટ અને જૂનાગઢ વચ્ચે પરીક્ષા સ્પેશિયલ ટ્રેનદોડાવવામાં આવશે, જેમાં રાજકોટ-જૂનાગઢ-રાજકોટ અને જૂનાગઢ-રાજકોટ-જૂનાગઢ એમ 2 જોડી ટ્રેન દોડાવાશે. આ માટે રાજકોટથી જૂનાગઢ માટે પ્રથમ ટ્રેન સવારે 7 વાગ્યે ઊપડશે, જે રિટર્ન રાજકોટ આવવા માટે 3 વાગ્યે ઊપડશે. જૂનાગઢથી રાજકોટ જવા માટે સવારે જૂનાગઢ સ્ટેશનથી 7:30 વાગ્યે ટ્રેન ઊપડશે, જે રિટર્ન 2:55 વાગ્યે ઊપડશે. આ ઉપરાંત એસટી દ્વારા પણ 250 એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે.

સુરત ST વિભાગ 150 જેટલી વધારાની બસો દોડાવશે
સુરત ST વિભાગ દ્વારા 8 અને 9 તારીખના રોજ 150 બસ એક્સ્ટ્રા દોડાવવામાં આવશે. સુરતની સાથે સાથે તાપી જિલ્લામાં પણ એક્સ્ટ્રા બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. સુરતથી છોટાઉદેપુર, નવસારી, ડાંગ, અમદાવાદ, ભરૂચ સહિતના રૂટની બસો જુનિયર ક્લાર્કની પરીક્ષાને લઈને દોડાવવામાં આવશે.

વડોદરા ST વિભાગ 100 એકસ્ટ્રા બસ મૂકશે
વડોદરાની વાત કરવામાં આવે તો હાલમાં પરીક્ષાર્થીઓના રૂટ પર 1 હજાર બસ દોડી રહી છે, પરંતુ જુનિયર ક્લાર્કની પરીક્ષાના દિવસે વધારાની 100 બસનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત પરીક્ષાર્થી 50 જેટલા હશે અને જ્યાં પરીક્ષાર્થીઓને પહોંચવું હશે ત્યાં બસ રવાના કરવામાં આવશે તેવું વિભાગીય વડાએ જણાવ્યું હતું.

 

adv

Related News

post
post
post
post
post
post
post