• Home
  • News
  • શાકભાજી ખૂટ્યું,પાણી માટે 2 કિમી જવું પડે છે, ગુજરાતના વિદ્યાર્થીઓ 20 દિવસ પછી પણ હાલ હોસ્ટેલમાં જ બંધ
post

મહેસાણાના બે વિદ્યાર્થીઓ ચીનથી પરત આવ્યા, બનાસકાંઠાના 19 છાત્રોની ફ્લાઇટ 31મીએ ભારત આવશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-30 10:48:19

    મહેસાણાચીનના વુહાન સિટીમાં કોરોના વાયરસની સૌથી વધુ અસર હોઇ ત્યાં એમબીબીએસનો અભ્યાસ કરતા ગુજરાતના વિદ્યાર્થીઓ 20 દિવસ પછી પણ હાલ હોસ્ટેલમાં બંધ છે. મીનરલ પાણી માટે બે કિલોમીટર સાયકલિંગ કરીને જવું પડે છે. આથી વાયરસના ભયને લઇ હવે છાત્રો હોસ્ટેલમાં પાણી ઉકાળીને ચલાવી રહ્યા છે. જ્યારે જીનીજીયાંગ સિટીમાં એમબીબીએસ કરતા મહેસાણાના રોહને કહ્યું કે, શાકભાજીનો સ્ટોક પૂરો થયો એટલે 15 દિવસે બહાર નીકળ્યા, બટાકા સિવાય બીજી કોઇ શાકભાજી મળવી મુશ્કેલ રહી, કોબીજ રૂ.600ની કિલોના ભાવે પહોંચી એમાં પણ લાઇન હોય છે. બીજીબાજુ, જિલ્લા આરોગ્ય વિભાગે મહેસાણા અને વડનગર સિવિલમાં આઇસોલેશન વોર્ડ તૈયાર કરાવી રાજ્ય સરકાર તરફથી વિદ્યાર્થીઓની મળેલી યાદીને આધારે તમામનો સંપર્ક કરવા તજવીજ હાથ ધરી છે. જિલ્લા આરોગ્ય વિભાગના કહેવા મુજબ, હાલમાં ચીનથી પરત ફરેલા જિલ્લાના બે વિદ્યાર્થીઓને ઓબ્ઝર્વેશનમાં રખાયા છે.

મેડિકલ ચેકઅપ કરી શાકભાજી સ્ટોર કરી રૂમમાં રહેવાનું માર્ગદર્શન અપાયું હતું
મહેસાણાના ર્ડા.વિમલ દેસાઇનો પુત્ર રોહન તેના હિંમતગનરના મિત્ર ધ્રુવિલ બંને જીનજીયાંગ સિટીમાં રહીને યુનિ.માં એમબીબીએસ કરી રહ્યા છે. રોહને ક્હ્યું કે, કોરોના વાયરસને લઇને યુનિ.માં બધા વિદ્યાર્થીઓનું મેડિકલ ચેકઅપ કરી શાકભાજી સ્ટોર કરી રૂમમાં રહેવાનું માર્ગદર્શન અપાયું હતું.પાસપોર્ટ એમ્બેસીમાં રિન્યુઅલમાં છે. હાલ 2 ફેબ્રુઆરી સુધી ઓફિસો બંધ છે, એટલે 3જીએ પાસપોર્ટ આવ્યે પરત ફરવાનું આયોજન છે. ધ્રુવિલને પાસપોર્ટ છે પણ અમે બંને સાથે પરત ફરીશું.

મહેસાણા જિલ્લામાં ચીનથી છાત્રો પરત ફરવા લાગ્યા છે. બુધવારે મહેસાણાના બુટાપાલડીનો મીત દિનેશભાઇ પટેલ તેમજ વિસનગરના બે છાત્રો આવી પહોંચ્યા હોવાનું મીતના ભાઇ ઋત્વિક પટેલે કહ્યું હતું. દરમિયાન, સિવિલ નહીં જિલ્લાના તમામ આરોગ્ય કેન્દ્રોમાં કારોના વાઇરસ માટે જરૂરી તમામ દવાઓ, વેન્ટીલેટર સહિતના સાધનો સાથેનો આઇસોલેશન વોર્ડ શરૂ કરવા રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા અપાયેલી સૂચના અંતર્ગત હાલમાં મહેસાણા અને વડનગર સિવિલમાં બનાવેલ આઇસોલેશન વોર્ડમાં પી.પી. કીટ, એન-95 માસ્ક, ટ્રીપલ લેયર માસ્કનો જથ્થો ઉપલબ્ધ કરાયો છે. સાથે સરકારી અને ખાનગી હોસ્પિટલો જ્યાં આઇસોલેશન વોર્ડની સુવિધા ઉપલબ્ધ છે તેવી હોસ્પિટલોના તબીબોને નિષ્ણાતો દ્વારા રોગ તેમજ તેની ગાઇડ લાઇન વિશે તાલીમ આપવાની પણ તજવીજ કરાઇ છે.

ચીનથી આવેલા મુસાફરોનું દૈનિક સર્વેલન્સ કરાશે
તાજેતરમાં ચીનથી પરત ફરેલા વિદ્યાર્થીઓ નહીં મુસાફરોનું જિલ્લાના સર્વેલન્સ અધિકારી અને કોર્પોરેશન સર્વેલન્સ અધિકારી દ્વારા દૈનિક ધોરણે મુલાકાત લેવી ફરજિયાત બનાવાઇ છે. તમામની તબિયત સારી છે કે કેમ, તેમને કોઇપણ પ્રકારના રોગના ચિહ્નો છે કે નહીં તે સંબંધે આગામી 28 દિવસ સુધી આરોગ્ય અધિકારી દ્વારા તેઓનુ ફોલોઅપ કરવામાં આવશે અને જો લક્ષણો જણાય તો દર્દીને આઇસોલેશન વોર્ડમાં દાખલ કરી સેમ્પલ લેવાના રહેશે.

કોલેજ દ્વારા 15 દિવસ વેકેશન લંબાવાયું
મહેસાણાના કેતનભાઇ પટેલનો પુત્ર નીતિન ચીનમાં ઝેસેન જીઆન્ગ સિટીમાં એમબીબીએસના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે. તેમના કહેવા મુજબ, હાલમાં પુત્ર વેકેશનમાં આવ્યો છે અને કોલેજ 12 જાન્યુઆરીએ ખુલવાની હતી, તેને બદલે કોરોના વાઇરસને કારણે વેકેશન વધુ 15 દિવસ લંબાવ્યું છે. મોટેભાગે એમબીબીએસના 3 વર્ષના વિદ્યાર્થીઓનું હાલ વેકેશન ચાલતું હોઇ મુશ્કેલી ઘટી છે.

કોબીજ 600 રૂપિયે કિલોના ભાવે મળે છે
અમે 15 દિવસ રૂમમાં રહ્યા, શાકભાજી સહિત કેટલાક સામાન માટે મંગળવારે બહાર નીકળ્યા. ઘરની પાછળનો મેટ્રોમોલ ખાલી હોઇ ચાર-પાંચ મોલ ફર્યા પછી શાકભાજી મળી. શોર્ટેજના કારણે કોબીજ 600 રૂપિયાના ભાવે છે, એમાં પણ લાઇન હોય. - રોહન દેસાઇ, મહેસાણાનો છાત્ર

મીનરલ પાણી લેવા 2 કિમી દૂર જવું પડે છે
ચીનમાં કોરોના વાયરસથી સૌથી વધુ અસરગ્રસ્ત વુહાન સિટી નજીકની યુનિ.માં એમબીબીએસ કરતા વડનગરના મિથિલ પટેલે કહ્યું કે, હાલ તો 20 દિવસથી રૂમમાં છીએ, એમ્બેસીએ વિગતો મેળવી છે. કેન્ટીન બંધ છે, પણ યુનિવર્સિટી તરફથી ફૂડ મોકલાઇ રહ્યું છે. બહાર જવામાં વાયરસ ઇન્ફેકશનની શક્યતા રહે એટલે બે કિલોમીટર દૂર હવે મીનરલ પાણી લેવા જવાનું ટાળી અમે ઉકાળીને પાણીનો ઉપયોગ કરી રહ્યા છીએ. વુહાનમાં ગુજરાતના 10 થી વધુ વિદ્યાર્થીઓ છે. - મિથિલ પટેલ, વડનગર

મંજૂરી વિના બહાર જવા પર પાબંદી છે
વેજિટેરિયન છીએ, એટલે શાકભાજી મુશ્કેલીથી મળે છે. અમે જ્યાં છીએ ત્યાં તકલીફ નથી પરંતુ ચીનના વુહાન શહેરમાં શોપ, ટ્રાન્સપોર્ટેશન બંધ છે. મંજૂરી વિના બહાર જવા પર પાબંદી છે. - પાલનપુરના છાત્રો

ઠંડી વધુ હોઇ ફ્લેટમાં રહીએ છીએ
અમારી જેનજીયાંગ સિટીમાં સામાન્ય ચીજવસ્તુઓ મળી રહી છે, બહાર ઠંડી વધુ છે એટલે ફ્લેટમાં રહીએ છીએ, સાંઘાઇ તરફનો મેઇન હાઇવે બંધ છે. - દિનેશ ગોવિંદભાઇ પટેલ, મહેસાણા એમબીબીએસનો છાત્ર

adv

Related News

post
post
post
post
post
post
post