• Home
  • News
  • આત્મનિર્ભર ભારતથી ચીનને ફટકો:મોદી સરકારના આત્મનિર્ભર ભારત અભિયાનને સફળતા, પાંચ મહિનામાં ચીન સાથેની વેપાર ખાધ અડધી થઈ ગઈ, ચાઈનિઝ સ્માર્ટફોનની હિસ્સેદારી પણ ઘટી
post

ભારતીય બજારોમાં ચાઈનિઝ સ્માર્ટફોનની હિસ્સેદારી ઘટીને 72 ટકા થઈ જે માર્ચ,2020ના ત્રિમાસિક ગાળામાં 81 ટકા હતી

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-10 10:20:09

મોદી સરકારના આત્મનિર્ભર ભારત અભિયાનને સારી સફળતા મળી રહી છે. વર્તમાન નાણાકીય વર્ષ 2020-21ના પ્રથમ પાંચ મહિનામાં ચીન સાથે ભારતની વ્યાપાર ખાધ (Trade Deficit) અડધી થઈ ગઈ છે. એટલે કે એપ્રિલથી ઓગસ્ટ 2020 દરમિયાન વેપાર ખાધ ગત વર્ષની સમાન અવધિની તુલનામાં લગભગ અડધી થઈ ગઈ છે. બિઝનેસ સ્ટાન્ડર્ડના અહેવાલ પ્રમાણે આ વેપાર ખાધમાં આટલો તોતિંગ ઘટાડો થવા પાછળ ભારતમાંથી થતી નિકાસમાં વધારો તથા કેન્દ્ર સરકારની આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ ભરવામાં આવી રહેલા શ્રેણીબદ્ધ પગલા મુખ્ય કારણરૂપ છે. ભારત-ચીન સરહદ પર પ્રવર્તિ રહેલી તંગદિલીને લીધે દેશમાં ચીન વિરોધી માહોલ ઉભો થવાને લીધે સરકારે ચીનથી થતી આયાત પર અનેક પ્રકારના નિયંત્રણો લાદ્યા છે. ચીન તરફથી અનેક ક્ષેત્રોમાં ભારતમાં મોટાપાયે ડંમ્પિંગ કરવામાં આવતુ હતું જેની ઉપર સરકારે એન્ટી ડેમ્પિંગ ટેક્સ પણ લાદ્યો હતો, તેમ બિઝનેસ સ્ટાન્ડર્ડે તેના અહેવાલમાં જણાવ્યુ છે.

વ્યાપાર ખાધ અડધી થઈ ગઈ
ચાલુ નાણાકીય વર્ષ એટલે કે વર્ષ 2020-21ના એપ્રિલથી ઓગસ્ટ ગાળા વચ્ચે ભારત-ચીન વચ્ચે વ્યાપાર ખાધ ફક્ત 12.6 અબજ ડોલર (આશરે રૂપિયા 93 હજાર કરોડ) થઈ ગઈ છે. જે ગત નાણાકીય વર્ષ 2019-20ની સમાન અવધિમાં 22.60 અબજ ડોલર (આશરે 166.8 હજાર કરોડ) હતી.

આ બે કારણથી વેપાર ખાધમાં ઘટાડો થયો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આત્મ નિર્ભર ભારત અભિયાન તથા ગલવાન ઘાટીમાં ચીન સાથે થયેલી અથડામણ આ બે મુખ્ય ટર્નિંગ પોઇન્ટ છે કે જેને લીધે ભારતે ચીન પરની વેપાર નિર્ભરતાને ઘટાડવા માટે સામૂહિક રીતે પ્રયાસોને વેગ આપ્યા છે.

નિકાસમાં તીવ્ર સુધારો થયો, લોખંડ-સ્ટીલની નિકાસ 8 ગણી વધી
બીજી બાજુ ભારત ચીનમાં પોતાની નિકાસો વધે તે દિશામાં પ્રયત્નો કરી રહ્યું છે. ભારતના આ પ્રયત્નો સફળ થતા દેખાય છે. એપ્રિલથી ઓગસ્ટ વચ્ચે ભારતે ચીનમાં થતી નિકાસમાં 27 ટકાનો તીવ્ર સુધારો નોંધાવ્યો છે. જે ગત વર્ષની સમાન અવધિમાં માંડ 9.5 ટકા વૃદ્ધિ જોવા મળી હતી. ભારતમાંથી ચીનમાં થતી નિકાસ મે, જૂન અને જુલાઈમાં અનુક્રમે 48 ટકા, 78 ટકા અને 23 ટકાનો વધારો થયો છે.

ભારતીય બજારમાં ચાઈનિઝ સ્માર્ટફોનની હિસ્સેદારી 9 ટકા ઘટી
ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT)એ સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન મળે તે માટે ગત જુલાઈ મહિનામાં ચીનથી આયાત થતા કલર ટેલિવિઝન સેટ્સ પર નિયંત્રણો લાદ્યા હતા. જૂન,2020 ત્રિમાસિક ગાળામાં ભારતીય બજારોમાં ચાઈનિઝ સ્માર્ટફોનની હિસ્સેદારી પણ ઘટીને 72 ટકા થઈ છે,જે માર્ચ,2020ના ત્રિમાસિક ગાળામાં 81 ટકા હતી.


ફાર્માસ્યુટીકલ ઈનગ્રેડિયન્સ પર 10-15 ટકા કસ્ટમ ડ્યુટી લાદે તેવી શક્યતા
હવે સરકાર ફર્નીચર, રમકડારમત-ગમતના સાધનો, કાપડ સહિત 20 સેક્ટરની ચીજવસ્તુઓની આયાત કરવા માટે લાઈસન્સ મેળવવું પડે તેવી વ્યવસ્થા કરવા જઈ રહી છે. આ સેક્ટરમાં ભારતમાં ઉત્પાદનને ઉત્તેજન મળે તેવો સરકારનો ઉદ્દેશ છે.
આ ઉપરાંત સરકાર ફાર્માસ્યુટીકલ ઈનગ્રેડિયન્ટ્સ(APIs) પર 10-15 ટકા કસ્ટમ ડ્યુટી લાદી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભારતીય ફાર્માસ્યુટીકલ ઉદ્યોગ ચીનમાંથી થતી આયાત પર મોટાપાયે આધાર રાખે છે. ભારતીય ફાર્મા ઉદ્યોગ 68 ટકા એપીઆઈ તથા 90 ટકાથી વધારે એન્ટીબાયોટીક્સ પડોશી દેશમાંથી આયાત કરી રહ્યું છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post