• Home
  • News
  • 25000નું રોકાણ કરી બિઝનેસ શરૂ કર્યો પણ ફાયદો ન થયો, ત્યારે ગ્રાહકોએ આઈડિયા આપ્યો કે શું વેચવું; હવે વર્ષે લાખોની કમાણી
post

ઈન્દોરની શ્વેતા વૈદ્યએ જ્યારે ફૂડ સ્ટોલ લગાવવાનું વિચાર્યુ, ત્યારે તેની પાસે કામનો કોઈ અનુભવ નહોતો, મજબૂરીમાં શરૂ કરવો પડ્યો હતો બિઝનેસ

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-15 09:37:27

કેટલાક લોકો પ્રતિકૂળ સ્થિતિઓમાં તૂટી જતા હોય છે, તો કેટલાક આ જ સ્થિતિઓમાં એક એવો માર્ગ તૈયાર કરે છે, જે તેમની જિંદગી જ બદલી દે છે. ઈન્દોરની શ્વેતા વૈદ્યનો બિઝનેસ કરવાનો કોઈ પ્લાન નહોતો પરંતુ પતિની કમાણી ઓછી થયા પછી સ્થિતિ એવી સર્જાઈ કે કંઈક કરવું તેની મજબૂરી બની ગઈ. શ્વેતાએ હાર ન માની કે ન ડરી. પરંતુ જેટલા પૈસા હતા, તેનાથી એક ફૂડસ્ટોલ લગાવ્યો અને બિઝનેસ શરૂ કર્યો. પ્રથમ 40 દિવસમાં જ જેટલા પૈસા લગાવ્યા હતા, એ નીકળી ગયા અને તેના પછી દર મહિને 30થી 35 હજાર રૂપિયાની બચત થવા લાગી. વાંચો શ્વેતાની સક્સેસ સ્ટોરી.

પતિની કમાણી ઓછી થઈ ગઈ હતી, તેથી વિચાર્યુ કે હવે કંઈક કરવું જ પડશે
મેં મુંબઈ યુનિવર્સિટીથી મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો છે. લગ્ન પછી ઈન્દોર આવી ગઈ. થોડા સમય પછી બાળકોની જવાબદારી આવી ગઈ તો ક્યારેક પોતાની કરિયરને લઈને વિચારવાનો તો સમય જ મળી ન શક્યો. પતિ બિઝનેસમેન છે. તેઓ આઈટીને સંબંધિત કામ કરે છે. હું મારા પારિવારિક કામોમાં વ્યસ્ત હતી પરંતુ 2015થી 2017 દરમિયાન અમારે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. મારા પતિના બિઝનેસથી થનારી કામગીરી ઘણી ઓછી થઈ ગઈ હતી. સેવિંગ્સ ખતમ થઈ રહી હતી. બે નાના બાળકો છે. ત્યારે વિચાર્યું કે હવે કંઈકને કંઈક કરવું જ પડશે. મેં અગાઉ નોકરી પણ કરી છે. તેથી મારી પાસે બીજીવખત નોકરી કરવાનો પણ ઓપ્શન હતો. પરંતુ મને થયું કે ભલે નાનું પણ કંઈક પોતાનું જ સેટ કરવું જોઈએ. અનેક દિવસો સુધી વિચારતી રહી કે શું કરી શકું. પછી મગજમાં આવ્યું કે ફૂડસ્ટોલ લગાવીએ તો કેવું? મને ખાણીપીણીનો શોખ પણ છે અને મુંબઈમાં રહેતા ત્યારે હું ઘણીવાર વિચારતી કે મારૂં પણ કોઈ કાફે હોય.

શ્વેતાએ જ્યારે સ્ટોલ શરૂ કર્યો હતો, ત્યારે તેમને આ કામનો કોઈ અનુભવ નહોતો. પરાઠા શરૂ કરવાનો આઈડિયા તેમને ગ્રાહકો પાસેથી જ મળ્યો.

સ્ટોલ લગાવવાનું વિચારી તો લીધું પરંતુ વેચીશ શું? કઈ રીતે વેચીશ? એ બધી ખબર નહોતી. મારા સાસુ પૂરણપોળી ખૂબ સ્વાદિષ્ટ બનાવતા હતા. તેમણે કહ્યું કે તું પૂરણપોળીનો જ સ્ટોલ કેમ શરૂ નહીં કરતી. એ માર્કેટમાં બધે મળતી પણ નથી અને આપણી યુએસપી બની શકે છે. બસ પછી એ નક્કી થયું કે પૂરણપોળીનો સ્ટોલ લગાવીશું. પછી સવાલ થયો કે ક્યાં લગાવીશું. પતિએ કહ્યું, ઈન્દોરનું સરાફા એક એવું બજાર છે, જ્યાં હંમેશા ભીડ હોય છે. તેથી આપણે ત્યાં જ સ્ટોલ લગાવવો જોઈએ. તેમણે પોતાના કોન્ટેક્ટથી એક ત્રણ ફૂટ પહોળી અને એટલી જ લાંબી જગ્યા ભાડે લીધી.

તેના પછી અમે એ જગ્યાના હિસાબે એક કાઉન્ટર કસ્ટમાઈઝ કરાવ્યું. ચૂલો, વાસણ અને જે જરૂરી સામાન હતો તે બધું ખરીદ્યું. આ બધામાં 25000 રૂપિયા ખર્ચાયા. અમે 2018માં નવરાત્રીથી પોતાના બિઝનેસની શરૂઆત કરી. પૂરણપોળી સાસુમા જ બનાવતા હતા કેમકે તેઓ તેમાં એક્સપર્ટ હતા. ત્યારે હું તેમની પાસે શીખી રહી હતી કે હું કેવી બનાવી શકું. શરૂઆતમાં અમને સારો પ્રતિસાદ ન મળ્યો. સ્ટોલ પર લોકો આવતા હતા પણ પૂરણપોળી મોટાભાગના લોકોને પસંદ નહોતી. અનેક લોકો તો પૂરણપોળીને પરાઠા સમજીને આવી જતા હતા. બે-ત્રણ સપ્તાહ સુધી એમ જ ચાલતું રહ્યું. ઘરાકી બિલકુલ થતી નહોતી. હું પાસેના સ્ટોલ પર જોતી હતી, ત્યાં ખૂબ ભીડ લાગતી હતી.તે પરાઠાનો સ્ટોલ હતો. લોકો એક-એક કલાક રાહ જોઈને પરાઠા ખાતા હતા. મને અનેક કસ્ટમર કહેતા હતા કે તમે પરાઠા કેમ રાખતા નથી.

શ્વેતા કહે છે પૂરણપોળીના ગ્રાહક ઓછા હતા પરંતુ પરાઠાના ગ્રાહક ઘણા હતા. તેથી અમે સમગ્ર લક્ષ ટેસ્ટી પરાઠા આપવા પર આપ્યું.

માર્કેટની માગ જોઈને મેં સ્ટોલ શરૂ થયાના 20 દિવસ પછી જ પરાઠા લોન્ચ કરી દીધા. આલુ, પનીર, મિક્સ, ચીઝ જેવા પરાઠા અમે આપવા લાગ્યા. પરાઠા બનાવતા મને અગાઉથી જ આવડતા હતા. કેટલીક ચીજો પણ મેં ઓબ્ઝર્વ કરી. પરાઠા શરૂ થતા જ ધંધાએ ઝડપ પકડી. તેના એક મહિના પછી જ અમે જેટલા પૈસા લગાવ્યા હતા તે પાછા આવી ગયા. પછી 2019માં પતિ પોતાના બિઝનેસમાં ફરી લાગ્યા અને હું સ્ટોલ સંભાળવા લાગી. હું રાત્રે 9થી 2 વાગ્યા સુધી સ્ટોલ પર રહેતી હતી.સાથે એક હેલ્પર અને એક કૂક પણ રહેતો હતો. દિવસમાં બે-ત્રણ કલાકની તૈયારીમાં જતા હતા. તેની સાથે હું પૂરણપોળી પણ રાખતી હતી કેમકે એ જ અમારી યુએસપી હતી. કેટલાક લોકો પૂરણપોળી ખાવા માટે પણ આવતા હતા.

બીજા મહિનાથી જ દર મહિને 30થી 35 હજાર રૂપિયાની ઈનકમ થવા લાગી હતી. અમારે બીજા મહિનાથી જ 30થી 35 હજાર રૂપિયાની બચત થવા લાગી. આ બચત જગ્યાનું ભાડું અને બે લોકોને સેલેરી આપ્યા પછીની છે. કેટલાક સમય પછી મેં પોતાની બ્રાન્ડને સ્વિગી અને ઝોમેટો પર પણ એક્ટિવ કરી લીધી. સ્વિગીમાંથી અમને ઘણા ઓર્ડર મળવા લાગ્યા અને બ્રાન્ડિંગ પણ થવા લાગ્યું. આ ઓર્ડર દિવસના રહેતા હતા. રાતે અમે સરાફામાં રહેતા હતા. બધુ બરાબર ચાલતું હતું, ત્યાં લોકડાઉન લાગી ગયું અને બધું બંધ થઈ ગયું. જો કે હવે ફરીવાર સરાફા શરૂ થઈ ચૂક્યું છે અને હું ફરીથી પોતાનો સ્ટોલ શરૂ કરવા જઈ રહી છું. આ વખતે અનુભવ પણ છે અને ટીમ પણ છે. ગ્રાહકોની માગના હિસાબે અમે અમારૂં મેન્યુ બદલતા રહીશું. અમે ગ્રાહકોની માગ પૂરી કરી, ત્યારે તેમણે અમને આટલો સારો રિસ્પોન્સ આપ્યો. અંતમાં હું એ કહેવા માગું છું કે મુશ્કેલ સમય આવે તો ક્યારેય ગભરાયા વિના આપ શું કરી શકો છો એ વિચારો. આપણે એક ડગ માંડીએ એટલે કંઈકને કંઈક તો નજરે પડશે જ.

adv

Related News

post
post
post
post
post
post
post