• Home
  • News
  • ટેલિકોમ કંપનીઓ 1 જીબી ડેટા 4થી વધારીને રૂપિયા 35, નવા સિમ 75 રૂ.માં વેચવા માગે છે, ફ્રી ઍપ્સ બંધ કરવાની પણ તૈયારી
post

ICICI સિક્યોરિટીઝનો રિપોર્ટ, કંપનીઓ દરેક સુવિધાની કિંમત નક્કી કરવા ઇચ્છે છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-02 08:47:56

નવી દિલ્હી: ડિસેમ્બર, 2019માં ડેટા પ્રાઇસ 30% સુધી વધારી ચૂકેલી ટેલિકોમ કંપનીઓ ડેટા હજુ વધારે મોંઘો કરવા માગે છે. ટેલિકોમ કંપનીઓના સંગઠન સીઓએઆઇનો દાવો છે કે કંપનીઓને હજુ પણ ખોટ જઇ રહી છે. આઇસીઆઇસીઆઇ સિક્યોરિટીઝના રિપોર્ટ મુજબ કંપનીઓ ઇચ્છે છે કે હાલ 1 જીબી ડેટાનો મહત્તમ રેટ 4 રૂ. છે, જે 35 રૂ. થવો જોઇએ. એટલે કે અંદાજે 775%નો વધારો. રિપોર્ટમાં દરેક સુવિધાનો એક ચોક્કસ લઘુતમ દર (ફ્લોર પ્રાઇસ) ફિક્સ કરવા અને વધારવા જણાવાયું છે.  નવું સિમ ખરીદવા પર સબસ્ક્રીપ્શન ચાર્જ, મિનિમમ ફિક્સ વોઇસ કૉલ ચાર્જ, ફ્રી ઍપ્સની સુવિધા બંધ કરવા જેવી માગ પણ કરાઇ છે.


ટેલિકોમ ઓપરેટર્સે રેટ વધારવા કોઇની મંજૂરીની જરૂર નથી
ટેલિકોમ કંપનીઓ ઇચ્છે છે કે ચાર્જિસ ટ્રાઇ વધારે, જેથી કંપનીઓ વચ્ચે હરીફાઇથી નુકસાન ન થાય. રિપોર્ટ મુજબ, 1 જીબી ડેટાની રિલાયન્સ જિયો 20 રૂ., ભારતી એરટેલ 30 રૂ. અને વોડાફોન આઇડિયા લિ. 35 રૂ. મિનિમમ પ્રાઇસ રાખવા માગે છે. હાલ 1 જીબી ડેટાનો મહત્તમ રેટ 4 રૂ. છે. ટ્રાઇના સેક્રેટરી સુનીલ ગુપ્તાએ ભાસ્કરને જણાવ્યું કે ટેલિકોમ ઓપરેટર્સે રેટ વધારવા કોઇની મંજૂરીની જરૂર નથી. એ અલગ વાત છે કે તેઓ રેટ વધારે તો તેમણે હરીફાઇનો સામનો કરવો પડે.
ટ્રાઇ રેટ વધારવાનો નિર્ણય નહીં કરે તો કંપનીઓ પેકની વેલિડિટી ઘટાડી શકે છે

·         રિપોર્ટમાં દર્શાવાયેલી ફ્લોર પ્રાઇસ મુજબ આ વધારો ટેલિકોમ કંપનીઓ માટે ગેમ ચેન્જર સાબિત થશે. તેનાથી તેઓ પોતાનું સ્ટ્રક્ચર નવેસરથી ઊભું કરી શકશે. ફ્લોર પ્રાઇસમાં ફિક્સ રેટથી ઓછા રેટ પર એકેય કંપની સસ્તો પ્લાન આપી શકતી નથી.

·         એરટેલ, વોડાફોન આઇડિયાનો પ્રસ્તાવ છે કે સબસ્ક્રીપ્શન ફી 40થી 75 રૂ.ની વચ્ચે હોવી જોઇએ. અનલિમિટેડ વોઇસ કૉલ ચાર્જ માસિક 60 રૂ. હોવો જોઇએ. જિયોનું કહેવું છે કે વોઇસ કૉલનો મિનિમમ ચાર્જ યુનિટ બેઝિઝ પર હોવો જોઇએ અને પ્રતિ મિનિટ ઓછામાં ઓછા 6 પૈસા હોવો જોઇએ.

·         ફ્લોર પ્રાઇસને એરટેલ 2 વર્ષ અને રિલાયન્સ જિયો 3 વર્ષ માટે લાગુ કર્યા બાદ સમીક્ષાની વાત કરી રહ્યા છે જ્યારે આઇડિયા વાર્ષિક સમીક્ષા ઇચ્છે છે.

·         જિયોએ પ્રસ્તાવ મૂક્યો છે કે એડિશનલ સર્વિસીસનો ચાર્જ લેવામાં આવે, જે ઓછામાં ઓછો તેના વાસ્તવિક મૂલ્ય જેટલો હોય. તેમાં વીડિયો ઓન ડિમાન્ડ તથા અન્ય ઍપ્સ પણ સામેલ છે કે જેમના પર ફ્રી ઓફર છે.

·         એરટેલ અને વોડાફોનનું કહેવું છે કે ટેરિફ એવા હોવા જોઇએ કે ઓછામાં ઓછા 15% આરઓસીઇ નીકળી શકે. તમામ ઓપરેટર્સે કોસ્ટ બેઝ્ડ કેલ્ક્યૂલેશનને આઉટડેટેડ ગણાવી ફગાવી દીધી.

·         બીએસએનએલ પણ નિયમાનુસાર લઘુત્તમ દર અંગે સહમત છે. કંપનીઓનું પ્લાનિંગ છે કે જો ટ્રાઇ રેટ વધારવા અંગે નિર્ણય નહીં લે તો તેઓ પેકની વેલિડિટી ઘટાડી શકે છે.

ફાયદો: આનાથી સ્પીડ વધુ સારી થશે
અત્યાર સુધી કંપનીઓ પરસ્પર હરીફાઇના કારણે ટેરિફ વધારી શકતી નહોતી. પ્રસ્તાવિત ફ્લોર પ્રાઇસ 5 ગણી વધારી દેવાય તો સર્વિસમાં પણ સુધારો થશે, કેમ કે લોકો જરૂરિયાત પ્રમાણે ડેટાનો યુઝ કરશે, જેથી વધુ સારી ડેટા સ્પીડ મળશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post