• Home
  • News
  • બિલાવલની ભારત મુલાકાત વખતે જ આતંકી ત્રાટક્યા:રાજૌરીમાં 24 કલાકથી એન્કાઉન્ટર ચાલુ, 5 જવાન શહીદ; બારામુલ્લામાં એક આતંકવાદીને ઢાળી દેવાયો
post

સેનાએ જણાવ્યું હતું કે આ ઓપરેશન 3 મેના રોજ શરૂ થયું હતું

Written By newsonline | Ahmedabad | Published: 2023-05-06 16:26:12

રાજૌરી: આતંકવાદને પોષતા પાકિસ્તાને પોત પ્રકાશ્યું છે. પાકિસ્તાનના વિદેશમંત્રી બિલાવલ ભુટ્ટોની બે દિવસીય ભારત મુલાકાત સમયે જ કાશ્મીરમાં રાજૌરી અને બારામુલ્લામાં આતંકીઓએ મોટેપાયે હુમલા કર્યા છે અને એમાં ભારતના પાંચ જવાન શહીદ થયા છે.

જમ્મુ-કાશ્મીરમાં રાજૌરીના કાંડી વિસ્તારમાં સવારે 7.30 વાગ્યાથી ચાલી રહેલા એન્કાઉન્ટરમાં લશ્કરનો એક આતંકવાદી માર્યો ગયો છે, જ્યારે એક આતંકવાદી ઘાયલ થયો છે. આ અથડામણ દરમિયાન શુક્રવારે આતંકીઓએ એક બ્લાસ્ટ કરતાં સેનાના 5 જવાન શહીદ થયા હતા. રક્ષામંત્રી રાજનાથ સિંહ આજે રાજૌરી જશે.

જમ્મુ-કાશ્મીરના રાજૌરીના કાંડી જંગલમાં છુપાયેલા આતંકવાદીઓએ શુક્રવારે રાત્રે 1.15 વાગ્યે ફરી એકવાર ફાયરિંગ શરૂ કર્યું હતું, જે હજુ પણ ચાલુ છે. આ માહિતી જમ્મુમાં સેનાના PROએ આપી હતી. શુક્રવારે સવારે 7.30 વાગ્યાથી સેના અને આતંકીઓ વચ્ચે ચાલી રહેલી અથડામણ હજુ પણ ચાલુ છે.

બીજી તરફ, બારામુલ્લાના કરહમા કુંજરમાં સવારે 4 વાગ્યાથી પોલીસ અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે, જેમાં જવાનોએ એક આતંકવાદીને ઠાર કર્યો છે. જોકે સર્ચ-ઓપરેશન હજુ ચાલુ છે.

સુરક્ષા દળો સાથે જોડાયેલાં સૂત્રોના જણાવ્યા અનુસાર, આ એ જ આતંકવાદીઓ છે જે, પૂંછમાં આર્મી ટ્રક પર હુમલામાં સામેલ હતા. સેનાએ તેમને ઘેરી લીધા છે, પરંતુ શુક્રવારે જ આતંકીઓએ કરેલા વિસ્ફોટમાં સેનાના 5 જવાન શહીદ થયા હતા.

જમ્મુ-કાશ્મીરના ડીજીપી એન્કાઉન્ટર સ્થળ પર પહોંચ્યા
સમાચાર એજન્સીએ માહિતી આપી છે કે જમ્મુ-કાશ્મીરના ડીજીપી દિલબાગ સિંહ અને એડીજીપી જમ્મુ મુકેશ સિંહ એન્કાઉન્ટર સ્થળ પર પહોંચી ગયા છે. રાજૌરીમાં એન્કાઉન્ટર ગોવાના પણજીમાં ચાલી રહેલી SCO મીટિંગ પહેલાં શરૂ થયું હતું. આ બેઠકમાં પાકિસ્તાનના વિદેશમંત્રી બિલાવલ ભુટ્ટોએ પણ ભાગ લીધો હતો, જેમાં જયશંકરે ભુટ્ટોની સામે કહ્યું હતું કે આતંકવાદ વિશ્વ માટે સૌથી મોટું જોખમ છે.


જ્યાં આતંકવાદીઓ ઘેરાયેલા છે ત્યાં પહાડો અને જંગલો છે
સેનાએ જણાવ્યું હતું કે આ ઓપરેશન 3 મેના રોજ શરૂ થયું હતું. રાજૌરીના કાંડીનાં જંગલોમાં આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી. અહીં સર્ચ-ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. શુક્રવારે સવારે 7:30 વાગ્યે સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે ગોળીબાર શરૂ થયો હતો. આતંકીઓ એક ગુફાની અંદર છુપાયેલા હતા. આતંકવાદીઓ જે વિસ્તારમાં છુપાયા છે એ વિસ્તારમાં જંગલ અને પહાડીઓ આવેલી છે.

4 દિવસમાં ચોથું એન્કાઉન્ટર, 4 આતંકી ઠાર

1. રાજૌરી - એન્કાઉન્ટર ચાલુઃ શુક્રવારે સવારે કાંડી વિસ્તારમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું. સેનાએ અહીં કેટલાક આતંકવાદીઓ છુપાયાની માહિતી મળી હતી. કહેવામાં આવી રહ્યું છે કે તે એ જ આતંકી છે, જેણે પૂંછમાં સેનાની ટ્રક પર હુમલો કર્યો હતો. પુંછ હુમલામાં 5 જવાન શહીદ થયા હતા.

2. અનંતનાગઃ જિલ્લાના બિજબેહરા વિસ્તારમાં ગુરુવારે સાંજે આતંકવાદીઓએ સુરક્ષાદળો પર ફાયરિંગ કર્યું હતું. આ હુમલામાં એક સુરક્ષાકર્મી ઘાયલ થયો હતો, જેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ હુમલાની જવાબદારી કાશ્મીર ટાઈગર્સે લીધી હતી. જૂથે એક પોસ્ટમાં કહ્યું છે કે હુમલામાં વરિષ્ઠ અધિકારીઓ સહિત ઘણા સૈનિકો ઘાયલ થયા છે. કાશ્મીર ટાઈગર્સ આવા વધુ હુમલાની યોજના બનાવી રહ્યા છે.

3. બારામુલ્લાઃ અહીં ગુરુવારે સવારે વનીગમ પાયીન ક્રીરી વિસ્તારમાં સુરક્ષા દળોએ લશ્કરના બે આતંકવાદીઓને ઠાર માર્યા હતા. તેમને આ વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની માહિતી મળી હતી. આ પછી ત્યાં સર્ચ-ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આતંકવાદીઓએ ગોળીબાર કર્યો, ત્યાર બાદ એન્કાઉન્ટર શરૂ થયું.

4. માછિલ: સંયુક્ત ઓપરેશન દરમિયાન, જમ્મુ અને કાશ્મીર પોલીસ અને સેનાએ બુધવારે પણ માછિલ સેક્ટરમાં ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. આ ઓપરેશનમાં બે આતંકી પણ માર્યા ગયા હતા.

 

adv

Related News

post
post
post
post
post
post
post