• Home
  • News
  • સૌથી મોંઘું સ્ટેડિયમ:કોમનમેનને સૌથી સસ્તી ટિકિટમાં ટેસ્ટ જોવી હોય તો પણ રૂ. 3000 ચૂકવવા પડશે, VIP માટે સ્ટેડિયમમાં 1000 કારનું પાર્કિંગ, જાણો સ્ટેડિયમની પાંચ વિશેષતાઓ અને ત્રુટિઓ
post

અમદાવાદમાં 9 વર્ષ બાદ 24મીથી ટેસ્ટ ક્રિકેટનું પુનરાગમન, 20 હજાર ટિકિટો વેચાઈ ગઈ

Written By newsonline | Ahmedabad | Published: 2021-02-18 09:51:05

અમદાવાદમાં મોટેરા ખાતે નવનિર્મિત વિશ્વના સૌથી વિશાળ ક્રિકેટ સ્ટેડિયમમાં 9 વર્ષ બાદ 24 ફેબ્રુઆરીથી ટેસ્ટ ક્રિકેટનું પુનરાગમન થઈ રહ્યું છે. અત્યાર સુધી 20 હજાર ટિકિટો બુક થઈ ચૂકી છે. જો કે, કોમન મેન માટે આ મેચ જોવી મોંઘુંદાટ બનવાનું છે, કારણ કે, સૌથી સસ્તી ટિકિટ લે તો પણ પાંચ દિવસની ટેસ્ટ જોવાનો એક વ્યક્તિનો ખર્ચ રૂ.3 હજારથી વધુ થવાનો છે.

અમદાવાદના મોટેરા ક્રિકેટ સ્ટેડિમમાં 24 ફેબ્રુઆરીથી શરૂ થનારી ભારત-ઈંગ્લેન્ડની ટેસ્ટ મેચ જોવા જનારા પ્રેક્ષકોએ મેચની જેમ વાહન પાર્ક કરવાની ટિકિટ પણ ઓનલાઈન એપથી જ બુક કરાવવી પડશે. ટુ વ્હીલર માટે રૂ.30 જ્યારે કાર માટે રૂ.100 પાર્કિંગ ચાર્જ છે. ગુજરાત ક્રિકેટ એસોસિએશને પાર્કિંગ માટે મોટેરા સ્ટેડિયમના 1થી દોઢ કિલોમીટરના વિસ્તારમાં 27 પ્લોટ નક્કી કર્યા છે. જો તમે વાહન જ્યાં ત્યાં પાર્ક કર્યું હશે તો પોલીસ ટો કરશે. મેચ દરમિયાન મોટેરા સ્ટેડિયમ પર, દરેક પાર્કિંગ પ્લોટની બહાર તેમજ પાર્કિંગની સ્ટેડિયમ સુધીના રસ્તા પર ટ્રાફિક પોલીસના 1155 અધિકારી - કર્મચારી તહેનાત રહેશે. સ્ટેડિયમ આસપાસ ક્યાંય પણ આડેધડ પાર્ક કરશો તો પોલીસ વાહન ટો કરી જશે.

સ્ટેડિયમના ઉદઘાટન માટે રાષ્ટ્રપતિ રામનાથ કોવિદ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવનાર છે. ઉદઘાટન પછી સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. સભા માટે સ્ટેડિયમની પાછળના ભાગે હનુમાનજી મંદિર પાસે ખાસ ડોમની વ્યવસ્થા કરાઈ છે. મહાનુભાવો આવવાના હોવાથી એરપોર્ટથી સ્ટેડિયમ સુધીના રોડના પેચવર્ક, રંગરોગાન સહિતની કામગીરી પણ મ્યુનિ. દ્વારા શરૂ કરવામાં આવી છે. ગત ફેબ્રુઆરીમાં જ ટ્રમ્પના આગમન સમયે મોટેરા ફરતેના તમામ રોડ નવા બનાવવામાં આવ્યા હતા. જો કે, હાલ એકપણ રોડ નવો બનાવવામાં નહીં આવ્યો હોવાનો મ્યુનિ.નો દાવો છે.

સ્ટેડિયમની પાંચ વિશેષતાઓ

·         સૌથી વધુ બેઠક ક્ષમતા : સ્ટેડિયમમાં દર્શકોની ક્ષમતા 1,10,000 રહેશે. જે વિશ્વમાં સૌથી વધુ છે. બીજા ક્રમે ઓસ્ટ્રેલિયાનું મેલબોર્ન સ્ટેડિયમ આવે છે જેની ક્ષમતા 1,00,024 છે.

·         વૈભવી VIP લોંજ : મોટેરા સ્ટેડિયમમાં શાનદાર ઈન્ટિરિયર સાથેની વીઆઈપી લોંજ છે જેમાં એસી., ખાણી-પીણીની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે.

·         76 કોર્પોરેટ બોક્સ : સ્ટેડિયમમાં કુલ 76 કોર્પોરેટ બોક્સ છે. આ તમામ કોર્પોરેટ બોક્સ ફુલ્લી એરકંડિશન સાથે સજ્જ હશે. દરેકની બેઠક ક્ષમતા 25ની રાખવામાં આવી છે.

·         30 મિનિટમાં પાણીનો નિકાલ : ચેન્નઇ સ્ટેડિયમ બાદ મોટેરા સ્ટેડિયમમાં ડ્રેનેજની શાનદાર સુવિધા. ભારે વરસાદ બાદ પણ મેદાન પરથી માત્ર 30 મિનિટમાં પાણીનો નિકાલ થશે.

·         VIP માટે અલગ પ્રવેશ : વીઆઈપી દર્શકો માટે સ્ટેડિયમમાં પ્રવેશ માટે એક અલગ પ્રવેશ દ્વાર છે. અમેરિકાના પૂર્વ પ્રમુખ ટ્રમ્પ જ્યાંથી એન્ટર થયા હતા ત્યાંથી VIPને એન્ટ્રી મળશે.

સ્ટેડિયમની પાંચ ત્રુટિઓ

·         ગરમીમાં શેકાવું પડશે : શહેરમાં ભારે ગરમી પડે છે પણ મેચ જોવા આવનાર સામાન્ય જનતા કે જે ઈસ્ટ-વેસ્ટ સ્ટેન્ડમાં બેસશે તેની ઉપર છાપરું નથી. જેથી તેમને ગરમીમાં શેકાવું પડશે.

·         મોંઘાં નાસ્તા-પાણી : સામાન્ય જનતાને સ્ટેડિયમમાં પ્રવેશતા સમયે કોઇ પણ ખાણી-પીણી કે પાણીની બોટલ લઇ જવા દેવામાં નહીં આવે. આથી તેમણે ઊંચા ભાવ ચૂકવવા પડશે.

·         પાંચ માળ ચઢવા પડશે : ઉપરના સ્ટેન્ડમાં જવા માટે કોઈ લિફ્ટની વ્યવસ્થા ન હોવાથી. જે પ્રેક્ષકોએ આ સ્ટેન્ડની ટિકિટ લીધી હશે તેમણે દાદરા ચઢીને પાંચમાં માળે જવું પડશે.

·         હજારોની સંખ્યા એક જ ગેટ : સામાન્ય જનતા માટે માત્ર એક જ પ્રવેશ દ્વાર છે. જેમાંથી 55 હજાર દર્શકો પ્રવેશ કરશે અને બહાર નીકળશે જેથી અવ્યવસ્થાનો ભય છે.

·         જનતા માટે પાર્કિંગ નહીં : સ્ટેડિયમની બેઠક ક્ષમતા 1,10,000 છે પરંતુ સામાન્ય જનતા માટે સ્ટેડિયમમાં પાર્કિંગની સુવિધા નથી. જનતાએ સ્ટેડિયમથી દૂર પાર્કિંગ કરવું પડશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post