• Home
  • News
  • ગુજરાતીને પાછા લાવવામાં હવે ગુજરાતીની ભૂમિકા:બ્રિટનની કોર્ટ કાર્યવાહી બાદ હવે નીરવ મોદીને ભારત મોકલવા અંગે બ્રિટનના ગૃહમંત્રી પ્રીતિ પટેલ નિર્ણય કરશે
post

નીરવ મોદીની 19 માર્ચ,2019ના રોજ લંડનમાંથી ધરપકડ કરવામાં આવી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2021-02-26 12:17:51

દેશ છોડીને ભાગી ગયેલા હિરાના કારોબારી નીરવ મોદીના પ્રત્યાર્પણને લઈ લંડનની કોર્ટે ગુરુવારે ચુકાદો આપી દીધો છે. નીરવ મોદીને ભારત લાવવા માટેનો માર્ગ મોકળો થઈ ચુક્યો છે, અલબત આ માટે હજુ પણ વધુ એક પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. એટલે કે નીરવ મોદીને ભારત લાવવાના અંગે બ્રિટનના ગૃહમંત્રી પ્રીતિ પટેલ સંપૂર્ણ નિર્ણય લેશે. લંડનની કોર્ટમાં વીડિયો કોન્ફરન્સિંગ મારફતે આ સુનાવણી કરાઈ હતી. નીરવ મોદીની 19 માર્ચ,2019ના રોજ લંડનમાંથી ધરપકડ કરવામાં આવી હતી.


કોણ છે પ્રીતિ પટેલ

પ્રીતિ પટેલ બ્રિટનના ગૃહમંત્રી છે. તેમના માતાપિતા મૂળ ગુજરાતના છે. તેઓ વર્ષ 2019થી બ્રિટનના ગૃહમંત્રી પદ પર છે. તેમના માતાપિતા યુગાન્ડાથી 1960ના દાયકામાં બ્રિટનમાં ગયા હતા. પ્રીતિ પટેલનો જન્મ લંડનમાં થયો છે. તેઓ ખૂબ જ નાની ઉંમરે કન્ઝર્વેટિવ પાર્ટીમાં જોડાયા હતા. તેમને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રશંસક તરીકે માનવામાં આવે છે. વર્ષ 2010માં એક્સેસમાં વિથમ માટે કન્ઝર્વેટીવ સંસાદ તરીકે પસંદગી પામ્યા હતા. વર્ષ 2016માં તેમને ડિપાર્ટમેન્ટ ઓફ ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ (DflD)માં રાજ્ય સચિવ તરીકે કાર્યભાર સંભાળ્યો હતો.


CPSના બેરિસ્ટર હેલન મેલ્કમે કહ્યું હતું કે અત્યાર સુધીમાં જે પણ પૂરાવા મળ્યા છે તેનાથી સ્પષ્ટ થાય છે કે નીરવ મોદીએ ત્રણ ભાગીદારોવાળી કંપની મારફતે અબજો રૂપિયાનું બેંક કૌભાંડ કર્યું હતું. બીજી બાજુ નીરવ મોદીના વકીલોએ તેના બચાવમાં વિચિત્ર પ્રકારના તર્ક રજૂ કર્યાં હતા અને કહ્યું હતું કે નીરવ મોદીની માનસિક સ્થિતિ સારી નથી. વકીલોએ દાવો કર્યો હતો કે નીરવ મોદી માનસિક રીતે બીમાર છે, માટે તેને ભારત પ્રત્યાર્પણ કરવામાં ન આવે. આ ઉપરાંત ભારતીય જેલમાં સામાન્ય સુવિધા નથી.


19 માર્ચ 2019થી જેલમાં છે નીરવ

નીરવ મોદી 19 માર્ચ 2019ના રોજ ધરપકડ કરવામાં આવ્યા ત્યારથી જેલમાં છે. તેમણે ઘણી વખત જામીન મેળવવાની કોશિશ કરી હતી, જોકે દરેક વખતે તેમની અરજીને ફગાવી દેવામાં આવી છે કારણ કે તેઓ ફરાર થઈ જવાનું જોખમ છે.


14 હજાર કરોડ રૂપિયા કરતાં વધારે લોનની છેતરપિંડીનો આરોપ
નીરવ મોદી અને તેના મામા મેહુલ ચોક્સીએ બેંક અધિકારીઓ સાથે મળી પંજાબ નેશનલ બેંક સાથે આશરે રૂપિયા 14 હજાર કરોડથી વધારે લોનની છેતરપિંડી કરી હતી. આ છેતરપિંડી ગેરન્ટી પત્ર મારફત કરવામાં આવી હતી. તેની પર ભારતમાં બેંકને લગતી ગેરરીતિ અને મની લોન્ડરિંગ હેઠળ બે મુખ્ય કેસ CBI અને EDએ દાખલ કરેલા છે. આ ઉપરાંત અન્ય કેસમાં પણ તેની સામે ભારતમાં કેસ નોંધાયેલા છે. નીરવ મોદીએ તેના પ્રત્યાર્પણના આદેશ સામે બ્રિટનની કોર્ટમાં સ્ટે માગ્યો છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post