• Home
  • News
  • ચાઈનાથી સૌ પહેલા ભારત આવેલ રાજકોટની યુવતીએ કહ્યું- વુહાનમાં અમને એટલું જ કહ્યું કે ફ્લૂ છે, વેકેશનમાં ઘરે આવી ત્યારે ખબર પડી કે આ તો મહામારી છે
post

ચાઈનાથી સૌ પહેલા ભારત આવેલા 3 લોકો પૈકી રાજકોટની યુવતી પણ હતી

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-28 10:43:37

ગુજરાતનો પ્રથમ કોરોના કેસ રાજકોટમાં નોંધાયો હતો તે બધા જાણે છે પણ બહુ ઓછા જાણે છે કે વુહાન કે જ્યાંથી કોરોનાનો ઉદભવ થયો ત્યાં રોગ ફાટી નીકળ્યો હતો તેવા સમયે વુહાનથી ભારત આવનાર સૌ પ્રથમ 3 મુસાફરમાંથી એક રાજકોટના જ હતા. આ સાથે રાજકોટમાં પ્રથમ વ્યક્તિ કોરોનાની શંકાએ ક્વોરન્ટાઈન કરાઈ હતી અને તેને 27મીએ એક વર્ષ પૂર્ણ થયું છે અને તે પરિવાર હજુ પણ કોરોનામુક્ત છે.

વુહાનમાં એમબીબીએસમાં અભ્યાસ કરતા રૂત્વા બી. ઝાલા જણાવે છે કે, ‘ડિસેમ્બર મહિનો હતો અને શું ચાલી રહ્યું હતું કોઇને ખબર જ ન હતી. બધાને કહેવાયું હતું કે, હાલ શહેરમાં ફ્લૂ અને ન્યુમોનિયા જેવું ફેલાયું એટલે બધાએ ધ્યાન રાખવું. લોકડાઉન કે એવું કશું જ ન હતું. આ દરમિયાન અમારી યુનિવર્સિટીમાં વેકેશન પડ્યું એટલે હું ત્યાંથી નીકળી અને 13 જાન્યુઆરીએ ભારત આવી ગઈ હતી. દસ દિવસ પછી બધી બાબતો સામે આવી હતી અને પછી જે જે લોકો ચાઈનાથી આવ્યા તેમને ક્વોરન્ટાઈન કરાઈ રહ્યા હતા.

26મીએ અમને પણ ફોન આવી ગયો અને 27મીએ ક્વોરન્ટાઈન થઈ ગયા હતા. દરરોજ આરોગ્ય વિભાગમાંથી હેલ્થ ચેકઅપ કરવા આવતા અને 15 દિવસ બાદ એક મહિના સુધી ફોન પર સંપર્ક રાખી ખબર અંતર પૂછતા હતા. આ સમય દરમિયાન હું ઘરમાં અલગ રહેતી અને મારું કામ જાતે કરતી હતી. માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ અને સ્વચ્છતાનું સતત પાલન કર્યું તેથી રોગ થયો નહીં પણ ક્યારેક લાગી શકે તેવી શક્યતા તો હતી એટલે જ ખૂબ જ કાળજી રાખીએ છીએ એટલે જ હું નહિ અમારો આખો પરિવાર હજુ કોરોનામુક્ત છે.

અભ્યાસ અધૂરો છે, વુહાન જવું જ પડશે
રૂત્વા જણાવે છે કે, તેઓ અત્યાર સુધી ઓનલાઈન અભ્યાસ કર્યો અને પરીક્ષા પણ આપી. હાલ એમબીબીએસના ત્રીજા વર્ષમાં છે અને તબીબી અભ્યાસ માત્ર ઓનલાઈન ન થઈ શકે તેથી વુહાન જવું જ પડશે. ત્યાં હાલ કોઇ વિદ્યાર્થી અભ્યાસ કરતો નથી અને યુનિવર્સિટીએ કહ્યું છે કે, જ્યારે સ્થિતિ સામાન્ય થશે ત્યારે વિદ્યાર્થીઓને જાણ કરીને બોલાવી લેવાશે.

પાકિસ્તાની રેસ્ટોરન્ટમાંથી વેજ મગાવતા
વુહાનમાં શાકાહારી ભોજન મેળવવું ખૂબ જ અઘરું છે તેથી વિદ્યાર્થીઓને જાતે રાંધવું પડે છે. રૂત્વા જણાવે છે કે, મોટાભાગની રસોઈ અમે જાતે જ બનાવી નાખતા હતા અને જ્યારે અભ્યાસ કરવાનો હોય ત્યારે પાડોશમાં ચાલતા પાકિસ્તાની રેસ્ટોરન્ટમાં ખાસ ઓર્ડર આપીને શાકાહારી વાનગીઓ મગાવતા હતા.

 

adv

Related News

post
post
post
post
post
post
post