• Home
  • News
  • ફાઇનલ ડીબેટમાં ટ્રમ્પ બાઇડેનને અધવચ્ચે ટોકી નહીં શકે, માઇક મ્યૂટ કરી દેવાનો નિયમ ઘડાયો, વિઘ્ન સર્જતા નેતાઓનો સમય કપાશે
post

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બાઇડેનની કાલે છેલ્લી પ્રેસિડેન્શિયલ ડીબેટ, આ વખતે સીપીડીએ કેટલાક ફેરફાર પણ કર્યા

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-21 15:49:20

અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે રિપબ્લિકન ડોનાલ્ડ ટ્રમ્પ અને ડેમોક્રેટ જો બાઇડેન વચ્ચે છેલ્લી પ્રેસિડેન્શિયલ ડીબેટ ગુરુવારે ટેનેસીના નેશવિલેમાં બેલમોન્ટ યુનિ. ખાતે યોજાશે. ગત ડિબેટમાં ટ્રમ્પ બાઇડેનને અધવચ્ચે ટોકતા હતા તે જોતાં કમિશન ઓન પ્રેસિડેન્શિયલ ડીબેટે (સીપીડી) નિયમોમાં ફેરફાર કર્યા છે, જે મુજબ દોઢ કલાક લાંબી ડીબેટને 15-15 મિનિટના 6 ભાગમાં વહેંચી દેવાઇ છે. બંને નેતાને બોલવા માટે 45-45 મિનિટનો સમય મળશે. દરેક સ્લોટમાં પ્રારંભિક ડિબેટ દરમિયાન ઉમેદવારનું માઇક 2 મિનિટ માટે બંધ રખાશે. જેને સવાલ પૂછાય તે ઉમેદવારનું માઇક જ ચાલુ રહેશે. મતલબ કે બાઇડેનને સવાલ પૂછાય તો ટ્રમ્પનું માઇક બંધ રહેશે. ત્યાર બાદ બંનેનાં માઇક ખોલી દેવાશે. આમ, ટ્રમ્પ અને બાઇડેન એકબીજાને ટોકી નહીં શકે. જો કોઇ નેતા ડીબેટમાં રોકટોક કરશે તો તેનો સમય પણ કાપી લેવાશે. માઇક બંધ કરવાના સીપીડીના નિર્ણયથી ટ્રમ્પની કેમ્પેન ટીમ નારાજ છે.

સીપીડીને લખાયેલા પત્રમાં ટીમ મેનેજર બિલ સ્ટેપાઇને કહ્યું કે અમે મ્યૂટ બટનના ઉપયોગને યોગ્ય નથી માનતા. કોઇ ઉમેદવારનો અવાજ કેવી રીતે દબાવી શકાય? 3 નવેમ્બરે રાષ્ટ્રપતિની ચૂંટણી છે. ટ્રમ્પ-બાઇડેન વચ્ચે પહેલી પ્રેસિડેન્શિયલ ડીબેટ 29 સપ્ટેમ્બરે થઇ હતી. બીજી ડીબેટ ટ્રમ્પ કોરોનાગ્રસ્ત થતાં રદ કરી દેવાઇ હતી.

અર્લી વોટિંગ: ચૂંટણીના 13 દિવસ અગાઉ 3 કરોડ વોટ પડ્યા, 2016ની તુલનાએ પાંચ ગણો વધુ આંકડો
અમેરિકામાં અર્લી વોટિંગ હેઠળ ચૂંટણીના 13 દિવસ અગાઉ 3 કરોડથી વધુ નાગરિકો મતદાન કરી ચૂક્યા છે. આ આંકડો 2016માં પડેલા મતોની તુલનાએ 5 ગણો વધુ છે. આ આંકડો સોમવારે સરકારી વેબસાઇટે જારી કર્યો, જે મુજબ અત્યાર સુધીમાં 3,02,42,866 લોકોએ મતદાન કર્યું છે. ફ્લોરિડા યુનિ.ના પ્રો. મિશેલ મેક્ડોનલ્ડે જણાવ્યું કે 2016માં અંદાજે 50.90 લાખ મતદારોએ વોટિંગ ડેટ અગાઉ મત આપ્યો હતો.

ટ્રમ્પે લોકપ્રિય વિજ્ઞાની ડૉ. એન્થની ફૉસીને ઇડિયટ કહ્યા
અમેરિકાના ટોચના લોકપ્રિય, સરકારી વિજ્ઞાની ડૉ. એન્થની ફૉસી છેલ્લા કેટલાક દિવસથી ટ્રમ્પના નિશાના પર છે. ટ્રમ્પે એક ચૂંટણી રેલી દરમિયાન કેમ્પેન સ્ટાફને કહ્યું કે લોકો કોરોનાને લઇને ડૉ. ફૉસી તથા તેમના જેવા ઇડિયટ્સને સાંભળી-સાંભળીને થાકી ગયા છે. મૂળે કોરોના સામેની લડાઇમાં બેદરકારી દાખવવા બદલ ટ્રમ્પ સરકારને આરોપી ગણાવાઇ રહી છે. ટ્રમ્પ આ ટીકાથી નિરાશ છે. ડૉ. ફૉસી કોરોના સામેની લડાઇ માટે વ્હાઇટ હાઉસે તૈયાર કરેલી ટીમનો હિસ્સો છે. તેથી ટ્રમ્પ ડૉ. ફૉસી પર ભડાશ ઠાલવી રહ્યા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post