• Home
  • News
  • H1-B વિઝા માટે ઉચ્ચ વેતનનો ટ્રમ્પનો નિયમ 60 દિવસ માટે સ્થગિત
post

બાઇડેને બુધવારે બપોરમાં ઓવલ ઓફિસમાં પ્રવેશતાંની સાથે જ ૧૭ એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કરી દીધા

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-22 11:56:56

વોશિંગ્ટન : અમેરિકાના ૪૬મા પ્રમુખ તરીકે શપથ લેતાની સાથે જ જો બાઇડેને બુધવારે બપોરે તેમના પુરોગામી ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓને સ્થગિત કરી દેતાં ૧૭ એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યાં હતા. બાઇડેને કોરોના મહામારી સામે ટ્રમ્પે અપનાવેલી નીતિને પડતી મૂકી હતી, પર્યાવરણના ટ્રમ્પના એજન્ડાને ઊલટાવી નાખ્યો હતો અને ટ્રમ્પની ઇમિગ્રેશન વિરોધી નીતિઓ સ્થગિત કરી દીધી હતી. અમેરિકાના કોઇપણ આધુનિક પ્રમુખ દ્વારા સત્તા ધારણ કર્યાના ગણતરીના કલાકોમાં આટલા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યાં નથી. બાઇડેને બુધવારે બપોરમાં ઓવલ ઓફિસમાં પ્રવેશતાંની સાથે જ ૧૭ એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કરી દીધા હતા.

૨૦મી જાન્યુઆરીએ વ્હાઇટ હાઉસ ચીફ ઓફ સ્ટાફે જારી કરેલા મેમોરેન્ડમમાં સરકારની એજન્સીઓને કેટલાંક પગલાં લેવાં અને કેટલાંક પર વિચારણા શરૂ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. બાઇડેને એચ-વન-બી કામદારોની પસંદગી માટે ઉચ્ચ વેતન આધારિત પસંદગીના ટ્રમ્પના નિયમને ૨૧ માર્ચ એટલે કે ૬૦ દિવસ સુધી સ્થગિત કર્યો હતો. એચ-વન-બી વિઝા માટે કંપની અને વિદેશી કામદાર વચ્ચેના સંબંધની પુનઃ વ્યાખ્યા કરતા નિયમને પાછો ખેંચી લેવાયો છે. એચ-વન-બી વિઝાની પ્રોસેસ માટે એન્ડ ક્લાયન્ટ્સને સાંકળવા અને જવાબદારી લેવાની ડિપાર્ટમેન્ટ ઓફ લેબરની નીતિ પણ પાછી ખેંચી લેવાઇ છે.  આ ઉપરાંત જો બાઇડેન દ્વારા યુએસ સિટિઝનશિપ એક્ટ ૨૦૨૧ બિલ તૈયાર કરાયું છે.

બાઇડેન દ્વારા પ્રસ્તાવિત ઇમિગ્રેશન સુધારા

·         એમ્પ્લોઇમેન્ટ આધારિત ગ્રીન કાર્ડમાં કન્ટ્રી કેપ દૂર કરી બેકલોગ પૂરો કરાશે

·         અમેરિકી યુનિવર્સિટીઓમાંથી એડવાન્સ સ્ટેમ ડિગ્રી મેળવનારા માટે અમેરિકામાં વસવાટ સરળ બનાવાશે

·         એચ-વન-બી વિઝાધારકના આશ્રિતોને અમેરિકામાં વર્ક પરમિટ આપવાનું જારી રહેશે

·         બાળક ૨૧ વર્ષનું થઇ જતાં તેને સિસ્ટમમાંથી બહાર થતું અટકાવાશે

·         યુએસસીઆઇએસને કન્ડિશન પ્રમાણે ગ્રીન કાર્ડ આપવાની સત્તા અપાશે

·         અમેરિકી કર્મચારીઓ સાથે સ્પર્ધા ઘટાડવા H-B વિઝાધારકોનાં વેતન નક્કી કરાશે

પહેલા દિવસે બાઇડેને લીધેલા અન્ય મહત્ત્વના નિર્ણય

·         મેક્સિકો સાથેની સરહદ પર દીવાલ બનાવવાનું કામ સ્થગિત

·         ૭ મુસ્લિમ દેશના નાગરિકોના અમેરિકા પ્રવેશ પરનો પ્રતિબંધ નાબૂદ

·         બાળપણમાં અમેરિકા આવેલા માટે ડીએસીએ પ્રોગ્રામનો અમલ ફરી શરૂ

·         લાઇબેરિયાથી અમેરિકામાં આવેલાને જૂન ૨૦૨૨ સુધી રાજ્યાશ્રય લંબાવ્યો

·         અમેરિકામાંથી દેશનિકાલના આદેશોના અમલ પર ૧૦૦ દિવસ સુધી પ્રતિબંધ

·         અમેરિકાના ફરી પેરિસ ક્લાઇમેટ એગ્રિમેન્ટમાં સામેલ થવાને મંજૂરી

·         અમેરિકાને ફરી વિશ્વ આરોગ્ય સંસ્થામાં સામેલ કરવાને મંજૂરી

બાઇડેનનો ટ્રમ્પની નીતિઓ પર સપાટો

1.  ટ્રમ્પ દ્વારા જાહેર કરાયેલા નવા તમામ નિયમોની જાહેરાત સ્થગિત

2.  હજુ જાહેર નથી કરાયા તેવા તમામ નિયમોની પણ જાહેરાત સ્થગિત

3.  ટ્રમ્પ દ્વારા જાહેર કરાયેલા પરંતુ અમલી નહીં બનેલા નિયમો ૬૦ દિવસ માટે સ્થગિત

 

adv

Related News

post
post
post
post
post
post
post