• Home
  • News
  • યુક્રેન-રશિયા યુદ્ધે ઇતિહાસ યાદ અપાવ્યો:બીજા વિશ્વયુદ્ધ વખતે પોલેન્ડનાં બાળકોને સાચવવા કોઈ તૈયાર નહોતું, જામનગરના રાજવીએ 1,000 બાળકને આપ્યો હતો આશ્રય
post

જામનગર નજીક આવેલા બાલાચડીમાં જામ સાહેબે ચાર વર્ષ સુધી પોલેન્ડનાં બાળકોને સાચવ્યા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2022-03-01 11:31:02

યુક્રેન-રશિયા વચ્ચે હાલ યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે 20 હજાર જેટલા ભારતીય વિદ્યાર્થીઓ અને નાગરિકો પણ ત્યાં ફસાયેલા છે. ત્યાંથી ભારતીયોને બહાર નીકળવામાં હાલ જે દેશો મદદ કરી રહ્યા છે એમાંનો એક પોલેન્ડ પણ છે. પોલેન્ડવાસીઓ ભારતનું અને જામનગરનાં રાજવીનું ઋણ ક્યારેય ભૂલી શકે એમ નથી, કારણ કે બીજા વિશ્વયુ્દ્ધ દરમિયાન અનાથ અને નિરાશ્રિત થયેલાં 1000 જેટલાં પોલીસ બાળકોને કોઈ આશ્રય આપવા તૈયાર નહોતું ત્યારે જામનગરના જે-તે સમયના રાજવી જામ દિગ્વિજયસિંહજીએ આ તમામ બાળકોને આશ્રય આપ્યો હતો. તમને જાણીને નવાઈ લાગશે કે આ 1000 બાળકોને જામરાજવીએ પોતાના ખર્ચે રાખી તેઓ પોતાની સંસ્કૃતિ ન ભૂલે એનું પણ ખાસ ધ્યાન રાખ્યું હતું.

બાળકોને સાચવવાની સાથે તેઓ સંસ્કૃતિ ન ભૂલે એનું પણ ધ્યાન રખાયું હતું
બીજા વિશ્વયુદ્ધ દરમિયાન હિટલર અને સ્ટાલીને પોલેન્ડ પર આક્રમણ કર્યું હતું અને પોલેન્ડને ખંઢેરમાં ફેરવી દીધું હતું. ત્યારે જ પોલેન્ડવાસીઓએ બ્રિટિશ સરકારને અપીલ કરી હતી અને પોલેન્ડનાં બાળકોને કોઈ અન્ય દેશમાં આશ્રય આપવાની માગ કરી હતી. જે-તે સમયે જામનગરના રાજવી દિગ્વિજયસિંહજી બ્રિટિશ ઈમ્પીરિયલ વોર કેબિનેટના સદસ્ય હતા. તેમને ખબર પડતાં જ તેમણે બાળકોને આશ્રય આપવા તૈયારી બતાવી હતી. જે-તે સમયે ભારત પણ આઝાદ નહોતું થયું, એમ છતાં જામ દિગ્વિજયસિંહજીએ પોતાના ખર્ચે એક હજાર જેટલાં બાળકોને આશ્રય આપવાની તૈયારી બતાવી હતી. એના માટે તેમણે જામનગર નજીક આવેલા બાલાચડી પાસે એક કેમ્પનું નિર્માણ કરાવ્યું હતું અને એક હજાર જેટલાં પોલીસ બાળકોને આશ્રય આપ્યો હતો. જામસાહેબે પોલેન્ડનાં બાળકો માટે રહેઠાણ, રમતગમત, ભોજન સહિતની તમામ સુવિધાઓ ઊભી કરી હતી. પોલેન્ડનાં બાળકો પોતાની સંસ્કૃતિ ન ભૂલે એનું પણ ધ્યાન રાખ્યું હતું. જામ રાજવીએ એક હજાર જેટલાં પોલેન્ડનાં બાળકોને અહીં ચાર વર્ષ સુધી રાખ્યા હતા.

જામનગરમાં થઈ હતી પોલેન્ડની આઝાદીની 100મી વર્ષગાંઠની ઉજવણી
પોલેન્ડ દ્વારા વર્ષ 2018માં પોતાની આઝાદીની એકસોમી વર્ષગાંઠની ઉજવણી માટે ખાસ જામનગરની અને બાલાચડીની પસંદગી કરી હતી. આ ઉજવણીના ભાગરૂપે જેઓ 76 વર્ષ પહેલાં બાલાચડીમાં રહ્યા હતા તેમાંના કેટલાક સર્વાઈવર્સ, તેમનાં પરિવારજનો અને પોલેન્ડના રાજદૂત પણ ઉજવણીમાં સામેલ થયા હતા.

જે બાળકો બાલાચડીમાં રહ્યાં હતાં તેઓ જામ દિગ્વિજયસિંહજીને બીજા પિતા ગણે છે
જામનગરના બાલાચડીમાં જે બાળકો રહ્યાં હતાં તે બાળકો જામ દિગ્વિજયસિંહજીને તેમના બીજા પિતા ગણે છે. જામ દિગ્વિજયસિંહજીને પોલેન્ડમાં ધ ગુડ મહારાજા તરીકે પણ ઓળખવામાં આવે છે. પોલેન્ડની કેટલીક શાળાઓ સાથે જામ દિગ્વિજયસિંહજીનું નામ જોડી પોલેન્ડવાસીઓએ જામરાજવી અને તેમણે કરેલી મદદને યાદ રાખવાનો પ્રયાસ કર્યો છે. પોલેન્ડમાં એક સ્કવેરને પણ જામ દિગ્વિજયસિંહજીનું નામ આપવામાં આવ્યું છે.

2018માં બાલાચડીમાં જનરેશન ટુ જનરેશન કાર્યક્રમ યોજાયો હતો
જામનગર અને બાલાચડીમાં વર્ષ 2018માં જનરેશન ટુ જનરેશન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં પોલેન્ડના સર્વાઈવર્સની સાથે જામરાજવી પરિવારના સભ્યો પણ જોડાયા હતા. જે-તે સમયે બાલાચડી સૈનિક સ્કૂલમાં પોલેન્ડ અને ભારતના રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી પણ આપવામા આવી હતી.

ઈતિહાસને જીવંત કરવા પોલેન્ડ અને ભારતે સાથે મળી ડોક્યુમેન્ટરી બનાવી છે
બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જામનગરના રાજવી જામ દિગ્વિજયસિંહ દ્વારા જે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું એ ઘટનાથી ભારત, પોલેન્ડ અને દુનિયાના નાગરિકો વાકેફ થાય એ માટે ભારત અને પોલેન્ડ સરકારે સંયુક્ત રીતે "A little Poland in India" નામની ડોક્યુમેન્ટરીનું નિર્માણ કર્યું હતું.

 

adv

Related News

post
post
post
post
post
post
post