• Home
  • News
  • કડકડતી ઠંડીમાં માવઠાની આગાહી:આગામી 24 કલાકમાં કચ્છ, સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદની શક્યતા, ઠંડી વધશે, 20થી 30 કિમી પ્રતિ કલાકે પવન ફૂંકાશે
post

આગામી દિવસોમાં 20થી 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે જેને કારણે શિયાળો જામ્યો હોય તેવો માહોલ સર્જાશે.

Written By newsonline | Ahmedabad | Published: 2023-12-19 18:39:30

ગુજરાતમાં ભરશિયાળે માવઠાની આગાહી હવામાન વિભાગે કરી છે. આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યમાં વાતાવરણ સુકુ રહેશે પરંતુ કેટલાક ભાગોમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. તે ઉપરાંત કેટલાક ભાગોમાં વાદળછાયુ વાતાવરણ પણ રહી શકે છે.

સૌરાષ્ટ્ર, કચ્છના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા
અગાઉ આવેલા કમોસમી વરસાદે ધરતીપૂત્રોને મોટાપાયે નુકસાન કર્યું હતું. જે બાદ ફરી એકવાર હવામાન વિભાગની આગાહીને કારણે ખેડૂતોને નુકસાન થાય તેવી ભીતિ સેવાઈ રહી છે. સામાન્ય રીતે ડિસેમ્બર મહિનાના અંતમાં ગુજરાતમાં શિયાળાની ઋતુ જામે છે. ઠંડીનું પ્રમાણ પણ વધારે હોય છે. તેવામાં કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્રના અમરેલી, રાજકોટ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા અને કચ્છના કેટલાક ભાગોમાં સામાન્ય વરસાદ થવાની શક્યતા છે. અરબી સમુદ્રમાંથી આવતા ભેજવાળા પવનોને કારણે વરસાદ થવાની શક્યતા છે. જેને કારણે વાદળછાયું વાતાવરણ રહી શકે છે.

20થી 30 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે
આગામી પાંચ દિવસ દરમિયાન દિવસનું મહત્તમ તાપમાન ઘટી શકે છે. તેની પાછળ વાદળછાયું વાતાવરણ જવાબદાર હોવાનું હવામાન વિભાગે જણાવ્યું હતું. મહત્તમ તાપમાનમાં ઘટાડો થતાં આગામી પાંચ દિવસ દરમિયાન ઠંડી મહદઅંશે વધી શકે છે. આ ઉપરાંત રાત્રિ દરમિયાનના લઘુત્તમ તાપમાનમાં વધારે ફરક જોવા મળશે નહીં જેથી તાપમાન યથાવત રહેશે. પરંતુ ત્રણ દિવસ બાદ એક ડિગ્રી જેટલા તાપમાનમાં ઘટાડો થતાં લઘુત્તમ તાપમાનમાં પણ ઘટાડો થશે જેને કારણે ઠંડીનું જોર વધશે. તે બાદ બેથી ત્રણ ડિગ્રી તાપમાન વધશે જેથી ઠંડીનું જોર ઘટે તેવી શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગોમાં પવનની ગતિ વધુ રહેશે. આગામી દિવસોમાં 20થી 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે જેને કારણે શિયાળો જામ્યો હોય તેવો માહોલ સર્જાશે.

અનેક શહેરોમાં તાપમાન નીચું
અમદાવાદ શહેરમાં લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો ગઈકાલે શહેરનું તાપમાન 15.5 ડિગ્રી નોંધાયુ હતુ. તે ઉપરાંત રાજ્યના પાટનગરમાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. રાજ્યના સૌથી ઠંડા રહેતાં શહેર એવા નલિયામાં 11.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.


adv

Related News

post
post
post
post
post
post
post