• Home
  • News
  • US-ભારતના સંબંધોનું ભવિષ્ય કેવું હશે?:બાઈડેન અને મોદી વચ્ચે ટ્રમ્પ જેવી દોસ્તી શક્ય બનશે?, માનવાધિકાર પ્રેમી બાઈડેન અગાઉ ભારતની ટીકા કરી ચૂક્યા છે
post

જો બાઈડેને સત્તા સંભાળતાની સાથે જ પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પના નિર્ણયો ઉલટાવવાનું શરૂ કર્યુ છે, જેમાં મુસ્લિમ રાષ્ટ્રોમાં ટ્રાવેલ પ્રતિબંધ દૂર કરવાનો તેમણે લીધેલો નિર્ણય સામેલ છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-28 09:19:24

20 જાન્યુઆરી, 2021ના રોજ નવા અમેરિકન રાષ્ટ્રપ્રમુખ તરીકે જો બાઈડેનની તાજપોશી થઈ, તેમની સાથે વાઈસ પ્રેસિડન્ટ તરીકે ભારતીય અમેરિકન કમલા હેરિસે પણ શપથ ગ્રહણ કર્યા. જેના પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાઈડેન અને કમલા હેરિસને ફોન પર દેશનું સુકાન સંભાળવા માટે અભિનંદન આપ્યા હતા. તેના થોડા દિવસમાં અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડેનનું એક નિવેદન આવ્યું કે જે ભારત સંબંધિત હતું. બાઈડેને કહ્યું- ભારત અમેરિકા માટે મહત્વપૂર્ણ સહયોગી દેશ છે.

બાઈડેનનું આ નિવેદન પૂર્વ અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મજબૂત દોસ્તી ધરાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે ઉત્સાહપ્રેરક છે. હ્યુસ્ટનમાં હાઉડી મોદીઅને ગુજરાતના અમદાવાદમાં નમસ્તે ટ્રમ્પજેવા કાર્યક્રમો સાથે પીએમ મોદી અને ટ્રમ્પ વચ્ચેની ગાઢ મિત્રતા સામે આવી પરંતુ હવે ટ્રમ્પ પૂર્વ યુએસ પ્રેસિડન્ટ બની ગયા છે ત્યારે નવા રાષ્ટ્રપતિ જો બાઈડેન સાથે પીએમ મોદીના સંબંધો કેવા રહેશે એ ભવિષ્યનો સમય બતાવશે.

વ્હાઈટ હાઉસના પ્રેસ સચિવ જેન સાકીએ કહ્યું કે અમેરિકાના 46મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લેનારા જો બાઈડેન ભારત-અમેરિકા વચ્ચે સફળ દ્વિપક્ષીય સંબંધોનું સન્માન કરે છે. તેમણે કહ્યું હતું કે રાષ્ટ્રપતિ બાઈડેને અનેકવાર ભારતની મુલાકાત લીધી છે. તેઓ ભારત સાથે અમેરિકાના સંબંધોનું સન્માન કરે છે અને આગળ પણ એ યથાવત્ રહેશે.

વિશ્લેષકોના મતે બાઈડેન-હેરિસ ભવિષ્યમાં માનવાધિકાર, લઘુમતી અધિકારોનો મુદ્દો ઉઠાવશે
જો બાઈડેન અને કમલા હેરિસને નવા પદ માટે ભારત તરફથી શુભેચ્છાઓ અપાઈ અને રાષ્ટ્રપતિ બાઈડેને પણ ભારત સાથેનાં સંબંધોને વધુ મજબૂત બનાવવાનો સંકેત આપ્યો તેની સાથે ભારત અને અમેરિકા વચ્ચે નવી શરૂઆત તો સારી થઈ છે. પરંતુ કેટલાક વિશ્લેષકો માને છે કે ક્યાંય પણ માનવાધિકાર કે લઘુમતી અધિકારો અંગે ચિંતા ન કરનારા પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સ્થાને નવા રાષ્ટ્રપતિ જો બાઈડેન અને વાઈસ પ્રેસિડન્ટ કમલા હેરિસનું શાસન આ મુદ્દાઓ પરથી પોતાનું ધ્યાન નહીં હટાવે. લંડનની યુનિવર્સિટી ઓફ વેસ્ટમિન્સ્ટર અને હિન્દુ નેશનાલિઝમ ઈન ઈન્ડિયા એન્ડ ધ પોલિટિક્સ ઓફ ફિયરના લેખક પ્રોફેસર દિવ્યેશ આનંદે કહ્યું હતું, ‘ટ્રમ્પ કરતાં ઉલટું બાઈડેન-હેરિસ ટીમ ભારતમાં માનવાધિકારો, લઘુમતી અધિકારો તથા કાશ્મીરના મામલે સવાલો ભવિષ્યમાં ઉઠાવી શકે છે.

બાઈડેન-હેરિસ શા માટે માનવાધિકાર-કાશ્મીર મુદ્દો ઉઠાવી શકે?
રાષ્ટ્રપતિ પદની ચૂંટણી વખતે પોતાના પ્રચાર અભિયાન દરમિયાન જો બાઈડેન અને કમલા હેરિસે માનવાધિકાર અને લઘુમતી અધિકારોના મુદ્દાઓ પર ભાર મૂક્યો હતો. બાઈડેનના આ મામલે કરાયેલા ચૂંટણી પ્રચારમાં અધિકારો અને સિવિલ લિબર્ટીંઝની સુરક્ષા અંગે લોકોમાં નવી આશાનો સંચાર થયો હતો. જો બાઈડેને ચૂંટણી અભિયાન દરમિયાન પ્રતિજ્ઞા લીધી હતી કે ચૂંટણી જીત્યા પછી તેમનું શાસન વિશ્વસ્તરે તેઓ અમેરિકાની ભૂમિકા હ્યુમન રાઈટ્સ ચેમ્પિયન તરીકે સ્થાપિત કરશે. પોતાના આ વિચાર સાથે બાઈડેન-હેરિસ ભવિષ્યમાં આગળ વધી શકે છે. કેમકે આ જ મુદ્દાઓ છે જેના કારણે તેમને સત્તામાં આવવાની તક મળી છે.

બાઈડેનની ડેમોક્રેટિક પાર્ટી માનવાધિકારોનું જોરદાર સમર્થન કરે છે
અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડેન તેઓ જેના સભ્ય છે એ ડેમોક્રેટિક પાર્ટીને ફરી સત્તા પર લાવવામાં સફળ રહ્યા છે. ડેમોક્રેટિક પાર્ટી અમેરિકામાં માનવાધિકારોને ખૂબ જ સમર્થન આપતી પાર્ટી તરીકે જાણીતી છે. ભારતમાં એમ્નેસ્ટી ઈન્ટરનેશનલના પૂર્વ વડા આકાર પટેલે આ અંગે કહ્યું હતું, ‘બાઈડેન ડેમોક્રેટિક પાર્ટીને સત્તા પર લાવ્યા છે. રસપ્રદ એ છે કે આ પાર્ટીમાં નવા સિતારાઓ છે તેઓ ભારતમાં અધિકારો સંબંધિત મુદ્દાઓ અંગે લક્ષ આપી રહ્યા છે.

જો બાઈડેને સત્તા સંભાળતાની સાથે જ પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પના નિર્ણયો ઉલટાવવાનું શરૂ કર્યુ છે, જેમાં મુસ્લિમ રાષ્ટ્રોમાં ટ્રાવેલ પ્રતિબંધ દૂર કરવાનો તેમણે લીધેલો નિર્ણય સામેલ છે. જો બાઈડેને પોતાના મુસ્લિમ-અમેરિકન કમ્યુનિટીઝના એજન્ડા અંતર્ગત અગાઉ ટિપ્પણી કરી હતી કે તેઓ હિન્દુ રાષ્ટ્રવાદી સરકારના સિટિઝનશીપ લૉ (CAA) અને આસામમાં નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન્સ (NRC)ના અમલથી નિરાશ થયા છે. ઉલ્લેખનીય છે કે આસામમાં NRCના અમલ બાદ 2 મિલિયન લોકોની નાગરિકતા છિનવાઈ ગઈ છે. આ મુદ્દે બાઈડેને ટીકા કરીને કહ્યું હતું - ભારત સરકારના આ કદમથી દેશની લાંબા સમયની બિનસાંપ્રદાયિકતાની પરંપરા અને બહુધર્મી લોકતંત્રની પરંપરાને ઠેસ પહોંચી છે.

કાશ્મીરના પૂર્વ CM ઓમર અબ્દુલ્લાએ બાઈડેનની ચિંતાને સમર્થન આપ્યુ હતુ

જો બાઈડેને જ્યારે રાષ્ટ્રપતિ પદની ચૂંટણીના પ્રચાર અભિયાનમાં કાશ્મીર તથા ભારતમાં માનવાધિકારો અંગે ટિપ્પણી કરી તો તેને જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ સમર્થન આપ્યું હતું. જો બાઈડેનના વિચારોને તેમણે ટ્વીટ કરીને આવકાર્યા હતા. જો કે કોંગ્રેસના નેતા અભિષેક સિંઘવીએ કાશ્મીર મુદ્દે કમલા હેરિસે કરેલી ટિપ્પણીનો વિરોધ ટ્વીટર પર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ડેમોક્રેટિક પાર્ટીના લોકો વધુ ભારતવિરોધી માનસ ધરાવે છે.

કમલા હેરિસે કાશ્મીર મામલે શું કહ્યું હતું?

અમેરિકામાં પ્રથમ મહિલા વાઈસ પ્રેસિડન્ટ તરીકે ચૂંટાઈને ઈતિહાસ સર્જનારા મૂળ ભારતીય કમલા હેરિસ કહે છે કે તેમના માટે રાજનીતિનો મતલબ સમાજસેવા છે. કમલા હેરિસ પોતાની લાંબી કરિયરમાં અશ્વેતોના અધિકારો માટે મોટી લડાઈઓ લડી ચૂક્યા છે અને તેઓ તેમાં સફળ પણ થયા છે. માનવાધિકાર અને લઘુમતીઓનાં અધિકારોની સુરક્ષાના મામલે તેઓ ખૂબ જ સક્રિય રહ્યા છે. પોતાના ચૂંટણી અભિયાન દરમિયાન પણ તેમણે આવા મુદ્દાઓ પર પૂરતો ભાર મૂક્યો હતો અને તેના લીધે તેઓ સફળ પણ રહ્યા છે. ચૂંટણી પ્રચાર દરમિયાન તેમણે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370 હટાવી દેવાના મોદી સરકારના નિર્ણયની તેમણે ટીકા કરી હતી. આ સાથે ગત ઓક્ટોબરમાં કમલા હેરિસે કહ્યું હતું-અમે કાશ્મીરીઓને યાદ અપાવીએ છીએ કે તેઓ વિશ્વભરમાં ક્યાંય એકલા નથી. જો જરૂર પડશે તો કાશ્મીરની સ્થિતિ અંગે દખલ પણ કરવી જરૂરી બની શકે છે.

અગાઉ અમેરિકન સંસ્થાએ પણ CAA-NRC મુદ્દે ભારતની ટીકા કરી હતી
યુએસ કમિશન ઓન ઈન્ટરનેશનલ રિલિજિયસ ફ્રીડમ (USCIRF) દ્વારા અવારનવાર ભારતમાં માનવાધિકારોનું હનન થઈ રહ્યું છે એમ કહીને ટીકા કરવામાં આવી છે. વર્ષ 2020માં આ સંસ્થાએ પોતાની યાદીમાં માનવાધિકાર, CAA-NRCના મામલે ભારતને નીચલા ક્રમે મૂકી દીધું હતું. આ અમેરિકન સંસ્થાએ પોતાના રિપોર્ટમાં ભારતને કન્ટ્રીઝ ઓફ પર્ટિક્યુલર કન્સર્ન’ (CPC) શ્રેણીમાં મૂકી દીધું હતું. જેને સૌથી નીચું રેન્કિંગ ગણવામાં આવે છે. USCIRF દ્વારા પોતાના રિપોર્ટમાં ભારત સરકાર દ્વારા પ્રસ્તાવિત સિટિઝનશીપ એમેન્ડમેન્ટ એક્ટ (CAA) અને નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન્સ (NRC) અંગે ચિંતા વ્યક્ત કરાઈ હતી અને આ માટે જ ભારતને CPC શ્રેણીમાં મૂકવામાં આવ્યું છે. આ રિપોર્ટમાં લખ્યું હતું કે ભારત સરકાર પોતાની સંસદમાં પ્રચંડ બહુમતીનો ઉપયોગ કરીને ભારતમાં ધાર્મિક સ્વાતંત્ર્યના અધિકારોનું હનન કરે છે, જે ખાસ કરીને મુસ્લિમોના કિસ્સામાં જોવા મળે છે. આ રિપોર્ટમાં લઘુમતી સમુદાયના લોકો સાથે ટોળા દ્વારા આચરવામાં આવેલી હિંસા (મોબ લિન્ચિંગ)નો પણ ઉલ્લેખ કરાયો હતો.

 

adv

Related News

post
post
post
post
post
post
post