• Home
  • News
  • મિડલ ઈસ્ટ / સુલેમાનીના મોત પછી દાયકાઓની કટ્ટર શત્રુતા વિસરીને ઈરાન-ઈરાક શા માટે અમેરિકા સામે એકજૂટ થઈ રહ્યા છે?
post

અમેરિકાની જોહુકમી સામે ઈરાક-ઈરાનની ધરી મજબૂત બને તો સાઉદી અરેબિયા પરનું જોખમ વધી શકે

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-07 10:33:26

ઈરાનના જનરલ સુલેમાનીને બગદાદ નજીક ડ્રોન હુમલામાં ઠાર કર્યા પછી ગડગડી રહેલાં યુદ્ધના વાદળો વચ્ચે અમેરિકાની સ્થિતિ કફોડી બની રહી છે. યુદ્ધ નોંતરવા અંગે ઘરઆંગણે થઈ રહેલા વિરોધ વચ્ચે હવે ઈરાકે પણ પોતાની ધરતી પરથી અમેરિકી દળોને હટી જવા સંસદમાં પ્રસ્તાવ કરી દીધો છે. દાયકાઓથી કટ્ટર શત્રુતા ધરાવતા ઈરાક અને ઈરાન બંને જો અમેરિકાની મનમાની સામે એકજૂટ થાય તો અમેરિકા માટે મધ્ય-પૂર્વમાં સ્થાયી હાજરી ટકાવવી મુશ્કેલ બની શકે છે.


બંને દેશો વચ્ચે લોહિયાળ યુદ્ધનો ઈતિહાસ :
ઈરાન અને ઈરાકની શત્રુતા દાયકાઓ જૂની છે. ઈરાન શિયાઓનું પ્રભુત્વ ધરાવતો દેશ છે, જ્યારે ઈરાકમાં શિયા-સુન્નીની સંખ્યા લગભગ સરખી હોવા છતાં મોટાભાગે સુન્નીઓનું શાસન રહ્યું છે. સરહદી વિવાદ ધરાવતા બંને દેશો વચ્ચે ઈરાનમાં જ્યારે શાહ રઝા પહેલવીનું શાસન હતું ત્યારે સમજુતી થઈ હતી, જેમાં ઈરાનનો ઘણો મોટો પ્રદેશ ઈરાકના ફાળે ગયો હતો. પછી સતત અરાજકતા વચ્ચે ઈરાન અસ્થિર અને નબળું બનતું રહ્યું. તેની સામે સદ્દામ હુસૈનના શાસન હેઠળ ઈરાકની લશ્કરી શક્તિ સતત વધતી જતી હતી. આથી ઈરાને પરાણે સમજુતી સ્વિકારવી પડી હતી. પરંતુ આયાતોલ્લાહ ખોમૈની પ્રેરિત ઈસ્લામિક ક્રાંતિ પછી ઈરાને ખાંડા ખખડાવવાના શરૂ કર્યા. 1980થી 1988 8 વર્ષ સુધી બંને દેશો વચ્ચે તીવ્ર સશસ્ત્ર અથડામણો થઈ, જેમાં બંને દેશોએ ભારે ખુવારી ભોગવી હતી. કટૂતા દાયકાઓથી બંને દેશ વચ્ચે ચાલી આવે છે.

 

હવે ઈરાક કેમ ઈરાનની તરફેણમાં?
સદ્દામ હુસૈન સામે કાર્યવાહીના નામે અમેરિકી સેનાએ ઈરાકમાં પડાવ નાંખ્યો પછી ઈસ્લામિક સ્ટેટ્સ (ISIS)નો ઉદભવ થયો. એટલે લગભગ એક દાયકાથી ઈરાકમાં અમેરિકા સેનાએ પોતાનું કાયમી થાણું જમાવી લીધું છે. અલ બગદાદીના મોત અને ઈસ્લામિક સ્ટેટ્સના સફાયા પછી હવે અમેરિકા ઈરાકી સૈનિકોને તાલીમના નામે પોતાનું સૈન્ય ત્યાં રોકી રહ્યું છે. આથી અમેરિકા સામે ઈરાકમાં ભારે નારાજગી પ્રવર્તે છે. તદુપરાંત, સદ્દામ નશ્યત થયા પછી હવે ઈરાકની રાજનીતિમાં શિયાઓનું વર્ચસ્વ વધ્યું છે. હાલના વડાપ્રધાન અબ્દુલ અલ મહદી પણ શિયા છે અને ઈરાન સાથે ઘનિષ્ઠ સંબંધોના હિમાયતી છે. આથી સુલેમાનીની હત્યા પછી ઈરાનની માફક ઈરાકમાં પણ અમેરિકા વિરોધી દેખાવો ઉગ્ર બન્યા હતા.

 

ઈરાક જો અમેરિકાને સૈન્ય હટાવવાની ફરજ પાડે તો...
અમેરિકાના પગલાં સામે કડક શબ્દોમાં ઠરાવ પસાર કર્યા બાદ સોમવારે ઈરાકની સંસદે અમેરિકાને ઈરાકની ભૂમિ ખાલી કરવા અંગે પ્રસ્તાવ પસાર કર્યો છે. અલબત્ત, અમેરિકન પ્રેસિડેન્ટ ટ્રમ્પે તેનો ઉગ્ર જવાબ વાળતાં પ્રતિબંધો લાદવાની ધમકી આપી છે. હજુ જો ઈરાક મક્કમ રહીને અમેરિકી સૈન્યને પોતાની ભૂમિ પરથી હટાવી લે તો ઈરાક-ઈરાનની ધરી મધ્ય-પૂર્વના દેશોમાં સાઉદી અરેબિયા માટે સંકટ ઊભું કરી શકે, જે આડકતરી રીતે અમેરિકા માટે ઝંપલાવવાનું કારણ બની રહે. ઈરાક ખાતેના ભૂમિમથકો છીનવાઈ જાય સંજોગોમાં અમેરિકા અફઘાનિસ્તાન અને પાકિસ્તાન ખાતેના મથકોનો ઉપયોગ કરી શકે. એવા સંજોગોમાં પાકિસ્તાનનો ભાવ પણ વધે.

 

adv

Related News

post
post
post
post
post
post
post