• Home
  • News
  • શું રશિયા હવે પોલેન્ડ પર હુમલો કરશે?:પેટ્રિયટ મિસાઈલની તહેનાતીથી વધી પુતિનની બેચેની, આ 100 કિમી દૂર તોડી પાડશે રશિયન મિસાઈલ
post

પોલેન્ડ NATO એટલે કે નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશનનું સભ્ય છે. NATO યુરોપ અને ઉત્તર અમેરિકન દેશોનું એક સૈન્ય અને રાજકીય ગઠબંધન છે.

Written By newsonline | Ahmedabad | Published: 2022-03-15 12:14:00

યુક્રેન પર રશિયાના હુમલાના લગભગ ત્રણ સપ્તાહ વીતી ચૂક્યા છે. જો કે, અત્યાર સુધી પણ રશિયા યુક્રેનના સૌથી મોટા શહેર કીવ પર કબજો કરી શક્યું નથી. આ યુદ્ધ દરમિયાન NATO સભ્ય દેશ પોલેન્ડ પશ્ચિમી દેશો અને યુક્રેન વચ્ચે એક મહત્વપૂર્ણ ક્ષેત્ર બની ગયું છે.

પશ્ચિમી દેશ પોલેન્ડના માર્ગે જ યુક્રેનને સૈન્ય મદદ મોકલવામાં આવી રહી છે. જ્યારે, અમેરિકાએ યુક્રેનને સ્પર્શતા પોલેન્ડમાં પોતાની 2 પેટ્રિયટ મિસાઈલ ડિફેન્સ સિસ્ટમને તહેનાત કરી છે. એક્સપર્ટ્સ માને છે કે રશિયા તેને રોકવા માટે પોલેન્ડ પર પણ હુમલો કરી શકે છે. રશિયાએ રવિવારે પોલેન્ડ સરહદથી 16 કિમી દુર લીવ શહેરમાં પણ મિલિટરી એરબેઝ પર ક્રૂઝ મિસાઈલો છોડી હતી.

પોલેન્ડમાં તહેનાત કરવામાં આવેલી અમેરિકન મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ શું છે?

·         અમેરિકાએ પોલેન્ડમાં 2 પેટ્રિયટ મિસાઈલ ડિફેન્સ સિસ્ટમની તહેનાતી કરી છે. પેટ્રિયટ એડવાન્સ્ડ કેપેબિલિટી-3 એટલે કે PAC-3 મિસાઈલ દુનિયાની સૌથી ઉત્તમ ડિફેન્સ સિસ્ટમમાંની એક છે.

·         આ મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ દુશ્મનની બેલેસ્ટિક મિસાઈલ, ક્રૂઝ મિસાઈલ અને લડાકુ વિમાનોને પળવારમાં તોડી પાડવા માટે સક્ષમ છે. તમામ મોસમમાં છોડી શકાતી આ મિસાઈલનું નિર્માણ લોકહીડ મૉર્ટિને કર્યુ છે.

·         પેટ્રિયટ મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ 100 કિમી દૂર દુશ્મનની મિસાઈલને ટ્રેક કરીને તેને નષ્ટ કરી શકે છે.

·         અમેરિકાના સંરક્ષણ મંત્રાલયના 2019ના રિપોર્ટ અનુસાર, પેટ્રિયટને પ્રથમવાર 1982માં તહેનાત કરવામાં આવી હતી. 2003માં ઓપરેશન ઈરાકી ફ્રિડમમાં આ અમેરિકન સેનાનો હિસ્સો પણ હતી.

·         1991માં ખાડીના બીજા યુદ્ધ દરમિયાન આ ડિફેન્સ સિસ્ટમે સોવિયેત એરાના અનેક સ્કડ રોકેટોને હવામાં તોડી પાડ્યા હતા. આ રોકેટ સદ્દામ હુસેને સાઉદી અરેબિયા અને ઈઝરાયેલ માટે છોડ્યા હતા.

·         UAE, કુવૈત અને સાઉદી અરેબિયાએ પણ પેટ્રિયટ મિસાઈલ ડિફેન્સ સિસ્ટમનો યુઝ કરે છે. તેની સાથે જ જર્મની, ગ્રીસ, ઈઝરાયેલ, જાપાનમાં પણ આ મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ ઉપસ્થિત છે.

પોલેન્ડ પર રશિયાના હુમલાનું જોખમ કેમ ઘેરાઈ રહ્યું છે?

·         પોલેન્ડ પશ્ચિમી દેશો અને યુક્રેન વચ્ચે ખૂબ મહત્વની કડી છે. પોલેન્ડની સીમા યુક્રેનને સ્પર્શે છે. એવામાં પશ્ચિમી દેશોને જો યુક્રેનને મિલિટરી મદદ પહોંચાડવી છે તો તે પોલેન્ડના માર્ગે જ થઈ શકે છે.

·         પશ્ચિમી હથિયારોના કારણે જ રશિયાને યુક્રેનમાં ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. યુદ્ધ શરૂ થયાના લગભગ 3 સપ્તાહ થઈ ચૂક્યા છે પરંતુ રશિયા અત્યાર સુધી કીવ પર કબજો કરી શક્યું નથી.

·         યુક્રેન સાથે પોલેન્ડના ખૂબ સારા સંબંધો છે. NATOએ યુક્રેનને સ્પર્શતી પોલેન્ડની સરહદ પાસે ભારે સંખ્યામાં ખતરનાક હથિયારો તહેનાત કર્યા છે. તેમાં અમેરિકન પેટ્રિયટ મિસાઈલ પણ છે.

·         એક્સપર્ટ્સ કહે છે કે NATOની પ્રતિક્રિયાથી અકળાયેલું રશિયા હવે પોલેન્ડને પણ નિશાન બનાવી શકે છે.

·         ઐતિહાસિક રીતે જોવા જઈએ તો પ્રથમ વર્લ્ડ વોર સુધી પોલેન્ડ સોવિયેત રશિયાનો હિસ્સો રહ્યો છે.

·         જ્યારે બીજા વર્લ્ડ વોર દરમિયાન પોલેન્ડ નાઝી જર્મની અને રશિયાની સેનાઓ વચ્ચે ફસાઈ ગયું હતું. આ દરમિયાન બંને દેશોએ પરસ્પર વિસ્તાર વહેંચી લીધા હતા.

·         1991માં સોવિયેત સૈનિક પોલેન્ડ છોડીને જવા લાગ્યા. તેના પછી પોલેન્ડમાં પ્રથમવાર સામાન્ય ચૂંટણી થઈ.

·         યુક્રેન પર હુમલા પછી ફરી એકવાર પોલેન્ડ પર રશિયાના હુમલાનો ડર સતાવવા લાગ્યો છે. પોલેન્ડના નેતાઓએ આશંકા વ્યક્ત કરી છે કે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન તેમના ક્ષેત્રમાં પ્રવેશી શકે છે.

 

અમેરિકા કેમ પોલેન્ડમાં પોતાની મિલિટરી સ્ટ્રેન્થ વધારી રહ્યું છે?

·         બેલારૂસમાં રશિયાએ ગત વર્ષે જ ખૂબ મોટી સંખ્યામાં સૈન્ય તહેનાત કર્યુ છે. પોલેન્ડ અને બેલારૂસની સરહદ મળેલી છે. આ સાથે જ બંને દેશો વચ્ચેના સંબંધો પણ તણાવપૂર્ણ રહ્યા છે.

·         2020માં એેલેક્ઝાન્ડર લુકાશેંકો છઠ્ઠી વાર બેલારૂસના રાષ્ટ્રપતિ બન્યા. જો કે, તેમના પર ચૂંટણીમાં ગરબડ કરીને સત્તામાં પરત આવવાનો આરોપ લગાવાયો. પોલેન્ડે લુકાશેંકોની વિરુદ્ધ અનેક આકરા પ્રતિબંધો પણ લગાવ્યા.

·         2021માં પોલેન્ડે લુકાશેંકો પર દેશમાં માઈગ્રન્ટ ક્રાઈસિસ પેદા કરવાનો પણ આરોપ લગાવ્યો. પોલેન્ડે કહ્યું હતું કે લુકાશેંકો તેના દ્વારા પોતાના પર લાગેલા પ્રતિબંધોમાં ઢીલ આપવાનો સોદો કરવા માગતા હતા.

·         ગત મહિને યુક્રેન પર રશિયાના આક્રમણ અગાઉ લિથુઆનિયન રાષ્ટ્રપતિ ગીતાનાસ નૌસેદાએ પણ રશિયાને લઈને ચેતવણી આપી હતી. તેમણે કહ્યું હતું કે બેલારૂસમાં રહેલા રશિયન સૈનિકો પોલેન્ડ અને અન્ય બાલ્ટિક દેશો માટે જોખમી છે.

·         પોલેન્ડના વિદેશ મંત્રી જબિગ્ન્યુ રાઉએ અમેરિકન વિદેશ મંત્રી એન્ટની બ્લિન્કનને પણ કહ્યું કે જોખમની સ્થિતિ જોતા આ ક્ષેત્રમાં NATOના અન્ય સૈનિકોને તહેનાત કરવા જોઈએ.

·         આ જોખમોને જોઈને અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે આ સપ્તાહે વારસૉઉની મુલાકાત લીધી હતી. સાથે જ તેમણે પોલેન્ડને 2 પેટ્રિયટ મિસાઈલ આપવાની ઘોષણા કરી હતી. તેની સાથે જ 4700 વધુ અમેરિકન સૈનિકોની તહેનાતીની પણ વાત કરી.

·         યુક્રેન પર રશિયાના હુમલા વચ્ચે પોલેન્ડના રાષ્ટ્રપતિ આંદ્રેજેજ ડૂડાએ અમેરિકાની આ ઘોષણાને આવકારી પણ છે. તેમણે કહ્યું હતું કે જો દુનિયા આ અંગે પ્રતિક્રિયા નહીં આપે, નાટો સખત વલણ નહીં દર્શાવે તો આપણને રશિયાની તરફથી વધુમાં વધુ હુમલા જોવા મળશે, જેનો શિકાર પોલેન્ડ પણ થઈ શકે છે.

કેમ પોલેન્ડ યુક્રેનની મદદ કરી રહ્યું છે?

·         યુક્રેનને માનવીય અને મિલિટરી મદદ આપવામાં પોલેન્ડ સૌથી આગળ રહ્યું છે. એ વાતને અમેરિકન પેન્ટાગોનના અધિકારીઓએ પણ સમર્થન આપ્યું છે. તેમણે કહ્યું કે રશિયાના હુમલા પછી તરત જર્મનીમાં રહેલા સૈન્ય ભંડારને પોલેન્ડ મોકલી દેવાયું. જ્યાંથી તેઓ યુક્રેન પહોંચી ગયા.

·         હાલમાં પોલેન્ડે યુક્રેનને પોતાના મિગ-29 જેટ વિમાનો આપવાનો પ્રસ્તાવ આપ્યો હતો. જો કે, અમેરિકાએ પોલેન્ડના આ પ્રસ્તાવને નકાર્યો હતો. અમેરિકાએ કહ્યું હતું કે આ પ્રસ્તાવ તણાવ વધારી શકે છે જે નાટો માટે યોગ્ય નથી.

·         પોલેન્ડે પોતાના જોરે યુદ્ધગ્રસ્ત યુક્રેનને સૈન્ય સહાયતા મોકલી છે. જો કે, મોટાભાગની સરકારોની જેમ, પોલેન્ડે પણ યુક્રેનને મોકલેલી સૈન્ય મદદનો ખુલાસો કર્યો નથી.

·         જો કે પોલેન્ડે યુક્રેન પર રશિયન હુમલાના એક દિવસ પછી 25 ફેબ્રુઆરીએ કહ્યું હતું કે અમે જે દારૂગોળો યુક્રેનને મોકલ્યો હતો એ તેને મળી ગયો છે. અમે રશિયાના આક્રમણનો દ્રઢતાથી વિરોધ કરીએ છીએ. આ સાથે જ યુક્રેનના લોકોનાં સમર્થનમાં એક રહીને સાથે ઊભા છીએ.

·         NATO સભ્ય દેશ પોલેન્ડ યુક્રેનથી આવેલા હજારો રેફ્યુજીઓને પણ દેશમાં આવવા દે છે. UNHCRના અનુસાર, 11 માર્ચ સુધી 25 લાખથી વધુ લોકો યુક્રેન છોડીને જઈ ચૂક્યા છે. તેમાં 15 લાખ લોકો પોલેન્ડમાં ગયા છે.

·         યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કીએ શુક્રવારે પોલિશ નેશનલ એસેમ્બ્લીને તેના સમર્થન માટે ધન્યવાદ પણ આપ્યા. તેમણે કહ્યું કે અમે બાલ્ટિક દેશો માટે અને પોલેન્ડ માટે લડી રહ્યા છીએ જેથી તેમને રશિયાનો સામનો ન કરવો પડે.

એટલું સરળ પણ નથી પોલેન્ડ પર હુમલો કરવો?

·         પોલેન્ડ NATO એટલે કે નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશનનું સભ્ય છે. NATO યુરોપ અને ઉત્તર અમેરિકન દેશોનું એક સૈન્ય અને રાજકીય ગઠબંધન છે.

·         NATOની સ્થાપના સમયે અમેરિકા સહિત 12 દેશ તેના સભ્ય હતા. હવે 30 સભ્ય દેશ છે, જેમાં 28 યુરોપિયન અને બે ઉત્તર અમેરિકન દેશો છે.

·         આ સંગઠનની સૌથી મોટી જવાબદારી NATO દેશો અને તેની વસતીની રક્ષા કરવાની છે. NATOની કલમ-5 અનુસાર, તેના કોઈપણ સભ્ય દેશ પર હુમલાને NATOના તમામ દેશો પર હુમલો માનવામાં આવશે.

·         એવામાં રશિયા જો પોલેન્ડ પર હુમલો કરે છે તો તેને NATO પર હુમલો માનવામાં આવશે. તેના કારણે અમેરિકા, બ્રિટન, જર્મની, ફ્રાંસ સહિત તમામ NATO સભ્ય દેશ આ યુદ્ધમાં સામેલ થશે.

·         આથી માનવામાં આવે છે કે રશિયા સીધું જ આ દેશો સાથે ટક્કર લેવા માગશે નહીં.

 

adv

Related News

post
post
post
post
post
post
post