• Home
  • News
  • રામ મંદિર ઉદઘાટન સમારોહમાં સામેલ થશે સાઉથ કોરિયા ? રાજદૂતે કહ્યું, ‘અયોધ્યા અમારા માટે ખુબ જ મહત્વપૂર્ણ’
post

રામલલાના મંદિરના ઉદઘાટન સમારંભ અંગે દક્ષિણ કોરિયાના રાજદૂત યાંગ જે-બોકે મોટું નિવેદન

Written By newsonline | Ahmedabad | Published: 2023-09-13 15:51:01

ઉત્તર પ્રદેશના અયોધ્યામાં ભવ્યાતિભવ્ય રામલલાનું મંદિર નિર્માણ પામી રહ્યું છે. આગામી વર્ષે 15થી 24 જાન્યુઆરી વચ્ચે નવા નિર્માણ પામેલા મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ શકે છે... ભક્તો પણ આ અનેરી તક જોવા ઉત્સુક થઈ રહ્યા છે... ત્યારે રામલલાના મંદિરના ઉદઘાટન અંગે દક્ષિણ કોરિયાના રાજદૂત યાંગ જે-બોકે મોટું નિવેદન આપ્યું છે. એક કાર્યક્રમ દરમિયાન યાંગે મંદિરના ઉદઘાટન સમારોહમાં સામેલ થવાની ઈચ્છા વ્યક્ત કરી છે.

અયોધ્યા ભારત-સાઉથ કોરિયા માટે મહત્વપૂર્ણ

દક્ષિણ કોરિયાના રાજદૂત યાંગ જે-બોકે કહ્યું કે, અયોધ્યા ભારત અને સાઉથ કોરિયા માટે ઐતિહાસિક રીતે ખુબ જ મહત્વપૂર્ણ છે. ઉપરાં તેમણે ઈચ્છા વ્યક્ત કરી છે કે, જો ભારત સરકાર રામ મંદિરના ઉદઘાટનનું સત્તાવાર આમંત્રણ આપશે તો સાઉથ કોરિયા નિશ્ચિતપણે ભાગ લેશે. સમાચાર એજન્સી પીટીઆઈ સાથે વિશેષ વાતચીત દરમિયાન યાંગ જેએ કહ્યું કે, અયોધ્યા ભારત અને સાઉથ કોરિયા માટે ખુબ જ મહત્વપૂર્ણ છે. કેન્દ્ર સરકાર અથવા ઉત્તર પ્રદેશ સરકારે રામ મંદિરના ઉદઘાટન કાર્યક્રમ અંગે વિસ્તૃત જાણકારી આપવી જોઈએ... જો ભારત સરકાર સત્તાવાર આમંત્રણ પાઠવશે તો દક્ષિણ કોરિયા નિશ્ચિતરૂપે કાર્યક્રમમાં સામેલ થવા માટે કામ કરશે...

ક્યારે થશે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા

અયોધ્યામાં રામ મંદિર નિર્માણની જવાબદારી સંભાળી રહેલા વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ના આંતરરાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ન્યાસના મહાસચિવ ચંપય રાયે કહ્યું કે જાન્યુઆરી 2024માં 16 થી 24 જાન્યુઆરીની વચ્ચે એક શુભ મુહૂર્તમાં મંદિરના ગર્ભગૃહમાં ભગવાન રામની મૂર્તિ સ્થાપિત કરવામાં આવશે. તેમણે કહ્યું કે બે માળના રામ મંદિરનો ગ્રાઉન્ડ ફ્લોર સંપૂર્ણપણે તૈયાર છે. મૂર્તિની સ્થાપના બાદ ભક્તો મંદિરમાં રામ લાલાના દર્શન કરી શકશે. આ દરમિયાન બીજા માળનું બાંધકામ પણ ચાલુ રહેશે.

પાંચ લાખ મંદિરોમાં લાઈવ પ્રસારણની યોજના 

22 જાન્યુઆરીએ રામમંદિરના પ્રાણ પ્રતિષ્ઠાની યોજના છે. મુખ્ય સમારોહ હેઠળ વડાપ્રધાન મોદી રામલલાના નવનિર્મિત ગર્ભગૃહમાં સ્થાપિત કરશે. ત્યારે વિશ્વવ્યાપી લાઈવ પ્રસારણ કરાશે. રામજન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટ તથા વિહિપના નેતૃત્વની યોજના દેશના પાંચ લાખ મંદિરોમાં પ્રાણ પ્રતિષ્ઠાના લાઇવ પ્રસારણ કરવાની છે. 

રામમંદિરનો આકાર આવો હશે 

શ્રી રામ જન્મભૂમિ મંદિરના ગ્રાઉન્ડ ફ્લોરમાં પૂર્વ અને પશ્ચિમ દિશામાં 380 ફૂટની લંબાઈ છે તથા ઉત્તર અને દક્ષિણ દિશામાં પહોળાઈ 250 ફૂટની રહેશે. આ મંદિર ગ્રાઉન્ડ ફ્લોરની સાથે જ ત્રણ માળનું રહેશે. મંદિરની કુલ ઊંચાઈ 392 ફૂટની રહેશે. જેમાં ગ્રાઉન્ડ ફ્લોર 166 ફૂટ, પ્રથમ માળ 144 ફૂટ અને બીજો માળ 82 ફૂટ ઊંચો હશે. 

ગર્ભ ગૃહને ભવ્ય રીતે તૈયાર કરાઈ રહ્યું છે

જોકે ગર્ભ ગૃહ અને તેની આજુબાજુ નક્શીકામવાળા બલુઆ પથ્થરોનો ઉપયોગ કરાયો છે. તેના માટે લગભગ 4.70 લાખ ક્યૂબિક ફૂટ નક્શીકામવાળા પથ્થરોને રાજસ્થાના ભરતપુર જિલ્લામાં બંસી, પહાડપુર અને સિરોહી જિલ્લાના પિંડવાડાથી લવાયા છે. ગર્ભગૃહની અંદરનાં નિર્માણમાં રાજસ્થાનના મકરાણા પર્વતોના સફેદ સંગેમરમર જોવા મળશે. પૂર અને માટીના ધોવાણને અટકાવવા માટે દક્ષિણ પશ્ચિમ અને ઉત્તર દિશામાં રિટેનિંગ વૉલનો ઉપયોગ કરાયો છે.

ભક્તો લગભગ 35 ફૂટ દૂરથી ભગવાનના દર્શન કરી શક્શે

ઉલ્લેખનિય છે કે, અગાઉ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સૂત્રો દ્વારા માહિતી મળી હતી કે, મંદિરના ઉદ્ઘાટન બાદ પણ રામભક્તોને ભગવાન રામની મૂર્તિને સ્પર્શ કરવાની તક મળશે નહીં. ભક્તોને ગર્ભગૃહમાં પણ પ્રવેશ આપવામાં આવશે નહીં. લોકો લગભગ 35 ફૂટ દૂરથી ભગવાનના દર્શન કરી શક્શે. ગર્ભગૃહની પવિત્રતા જાળવવા માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે.આ ઉપરાંત હિન્દુ ધાર્મિક માન્યતા અનુસાર મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશવાનો અધિકાર ફક્ત રાજા અને મંદિરના પૂજારીને જ છે. આ પરંપરાગત પ્રણાલીને ધ્યાનમાં રાખીને માત્ર વડાપ્રધાન અને પૂજારીને જ ગર્ભગૃહમાં પ્રવેશ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દેશના મોટા મંદિરોમાં ભક્તોને ગર્ભગૃહમાં જવા દેવામાં આવતા નથી. તિરુપતિ બાલાજી અને ભગવાન જગન્નાથના મંદિરમાં પણ આવી જ વ્યવસ્થા છે. પરંતુ ભગવાન શિવના મંદિરો આ કિસ્સામાં અપવાદ છે. તેનું મોટું કારણ એ છે કે ભગવાન શિવની પૂજામાં રુદ્રાભિષેકનું ખૂબ મહત્વ છે, જેમાં ભક્તો શિવલિંગને સ્પર્શ કરીને જ પૂજા કરે છે. આ સ્થિતિમાં ગર્ભગૃહમાં ગયા વિના રૂદ્રાભિષેક શક્ય નથી. પરંતુ અન્ય મંદિરોમાં ગર્ભગૃહની બહાર દૂરથી જ દેવી-દેવતાઓની પૂજા તેમજ દર્શન કરવામાં આવે છે. 

જો વધુ મહેમાનો આવશે તો...

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ સૂત્રોના જણાવ્યા અનુસાર મંદિરના ગર્ભગૃહની આસપાસ લગભગ 70 એકર જમીન ઉપલબ્ધ રહેશે અને અહીં મહેમાનોને બેસાડવામાં આવશે. મંદિરના પરિસરમાં લગભગ 5000 ખુરશીઓ મુકાશે, તેનાથી વધુ મહેમાનો આવશે તો તેમને મુખ્ય પરિસરના દૂરથી જ ઉદઘાટન કાર્યક્રમમાં સામેલ થવાનો મોકો મળશે. ટ્રસ્ટના લોકોનો અંદાજ છે કે, આ ઐતિહાસિક અવસરમાં સામેલ થવા મોટી સંખ્યામાં લોકો અયોધ્યા આવવાનો પ્રયાસ કરી શકે છે. આ સંખ્યા 4થી 5 લાખ સુધીની હોઈ શકે છે. જોકે અયોધ્યામાં મર્યાદિત સુવિધા ઉપલબ્ધ હોવાના કારણે આટલા બધા લોકોને સંભાળવામાં મુશ્કેલી સર્જાઈ શકે છે. આવી સ્થિતિમાં આસપાસના લોકોને મંદિરના ઉદઘાટન પ્રસંગ બાદ મંદિરના દર્શન કરવા આવવા વિનંતી કરવામાં આવી છે.

મોટા ભૂકંપ પણ રામમંદિરનું કંઈ નહીં બગાડી શકે, 1000 વર્ષ અડીખમ રહેશે

શ્રી રામ જન્મભૂમિ સંકુલમાં નિર્માણાધીન રામ મંદિર માત્ર ભવ્યતા જ નહીં પરંતુ ટેકનોલોજીની દ્રષ્ટિએ પણ ટોચ પર રહેશે. રામ મંદિરના નિર્માણ માટે કાર્યકારી સંસ્થાના એન્જિનિયરોએ દાવો કર્યો છે કે રામ મંદિર 8.0 રિક્ટર સ્કેલની તીવ્રતાના ભૂકંપ સામે પણ સુરક્ષિત રહેશે. મંદિરને કુદરતી આફતોથી બચાવવા માટે ખાસ ટેકનિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેના કારણે રામ મંદિર ઓછામાં ઓછા એક હજાર વર્ષ સુધી અડગ  રહેશે. મંદિરના નિર્માણમાં ક્યાંય પણ લોખંડનો ઉપયોગ કરવામાં આવ્યો નથી.

 

adv

Related News

post
post
post
post
post
post
post