• Home
  • News
  • વડોદરાના 15 ખેડૂતો ડ્રેગન ફ્રૂટની ખેતી તરફ વળ્યા, નાના કરાડાના ખેડૂતે વાર્ષિક 5 લાખની આવક મેળવી, એક પીળા ડ્રેગન ફ્રૂટની કિંમત 500 રૂપિયા
post

એક વખત વાવેતર બાદ 20 વર્ષ સુધી કમલમ ફ્રૂટનું ઉત્પાદન મળે છે

Written By newsonline | Ahmedabad | Published: 2022-04-04 10:42:59

વડોદરા: રંગ અને દેખાવમાં ખૂબ આકર્ષક અને પોષણથી સમૃદ્ધ થોરના ફળ કમલમ એટલે કે, ડ્રેગન ફ્રૂટની ખેતીને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2021-22ના બજેટમાં રૂપિયા 10 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. પરંતુ, સબસિડી દરમાં કોઇ વધારો કરવામાં આવ્યો નથી. પરિણામે સામાન્ય ખેડૂતો માટે કમલમ ફળની ખેતી કરવી મુશ્કેલ છે. જોકે, ખેડૂત આર્થિક રીતે સદ્ધર ખેડૂતો આગળ આવી રહ્યા છે.

વેમાર ગામના ખેડૂતે કમલમની ખેતી શરૂ કરી
વડોદરા જિલ્લામાં પહેલાં માત્ર 3 ખેડૂતો દ્વારા કમલમ ફળની ખેતી શરૂ કરવામાં આવી હતી. હવે 70 જેટલા ખેડૂતો સરકારી સહાયનો લાભ લેવા સાથે આ ખેતીમાં નફાનું ધોરણ ઉંચુ, 20 વર્ષ સુધી એકધારી આવક અને ભારે માંગના કારણે કમલમ ફળની ખેતી શરૂ કરવા માટે આગળ આવ્યા છે. નોંધનિય છે કે, વડોદરા જિલ્લાના વેમાર ગામના ખેડૂતે પીળા કલરના કમલમ ફળની ખેતી કરી છે.

પીળા ડ્રેગન ફ્રૂટની કિંમત 500 રૂપિયા
આ ફળ હાલમાં મુખ્યત્વે આયાત કરવામાં આવે છે. વડોદરા જિલ્લામાં કમલમ ફળની ખેતીની વાત કરીએ તો રાજ્યના કચ્છ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓની સરખામણીમાં ધીમા વેગે પરંતુ મક્કમ ડગલે આ ગુણોની ખાણ જેવા થોરના વેલા પર લાગતા ફળની ખેતી વિસ્તરી રહી છે. વડોદરા જિલ્લામાં 15 જેટલા ખેડૂતો કમલમ ફળની ખેતી કરી વર્ષે લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. જેમાં વેમાર ગામના ખેડૂત જયેન્દ્રભાઇ પટેલે 5 એકરમાં કમલમ ફળની ખેતી કરી છે. જે પૈકી અડધા એકર જમીનમાં પ્રતિ ફળ રૂપિયા 500માં વેચાણ થાય તેવા પીળા કલરના કમલમ ફળની ખેતી કરી છે. સામાન્ય રીતે લાલ કલરના કમલમ ફળની ખેતી ખેડૂતો કરી રહ્યા છે. અને તે પ્રતિ ફળ રૂપિયા 200થી રૂપિયા 250માં વેચાણ થાય છે.

5 લાખ ડ્રેગન ફ્રૂટનું વેચાણ કર્યું
શિનોર તાલુકાના નાના કરાળા ગામના ખેડૂત ઇન્દ્રવદનભાઇ પટેલે જણાવ્યું હતું કે, મેં વર્ષ 2018માં એક એકર જમીનમાં કમલમ ફળની ખેતી શરૂ કરી છે. વર્ષ 2020થી ફળનું વેચાણ શરૂ કરી દીધું છે. તે વર્ષે રૂપિયા 2.50 લાખના ફળનું વેચાણ કર્યું હતું અને વર્ષ 2021માં રૂપિયા 5 લાખનું વેચાણ કર્યું હતું. આ ખેતીમાં 60 ટકા જેટલો નફો છે. આગામી જૂન માસમાં વધુ પોણા વીઘા જમીનમાં કમલમ ફળની ખેતી કરવા જઇ રહ્યો છું. આ ખેતી 20 વર્ષ સુધી ઉત્પાદન આપે છે. શરૂઆતમાં ખર્ચ થાય છે. પછી ખર્ચ વધારે થતો નથી. આ ખેતી કરવા ખેડૂતોએ આગળ આવવું જોઈએ.

શરૂઆતમાં 15થી 20 લાખનો ખર્ચ
વેમાર ગામના ખેડૂત જયેન્દ્રભાઇ પટેલ અને નાના કરાળા ગામના ખેડૂત ઇન્દ્રવદનભાઇ પટેલે જણાવ્યું કે, કમલમ ફળની ખેતી સામાન્ય ખેડૂત માટે કરવી મુશ્કેલ છે. કારણ કે, શરૂઆતમાં રૂપિયા 15થી 20 લાખ ખર્ચ આવે છે. થાભલા અને રીગો સહિત અન્ય ચિજવસ્તુઓમાં 18 ટકા GST લાગે છે. તેની સામે સરકાર દ્વારા આપવામાં આવતી એકર દીઠ રૂપિયા 1.25 લાખ સહાય નહીવત છે. સરકારે સહાયમાં વધારો કરવો જોઇએ. સરકાર દ્વારા વર્ષ 2021-22 ના બજેટમાં કમલમ ખેતીને પ્રોત્સાહન મળે તે માટે રૂપિયા 10 કરોડની જોગવાઇ કરી છે. પરંતુ, સબસિડીના દરમાં કોઇ વધારો કર્યો નથી.


15 જેટલા ખેડૂતોને સફળતા મળી
નાયબ બાગાયત નિયામકની કચેરીના બાગાયત અધિકારી હિમાશુ પટેલે જણાવ્યું હતું કે, પહેલીવાર ડ્રેગન ફ્રૂટ માટે અમલી બનેલી વાવેતર સહાય યોજનાનો લાભ પહેલા વર્ષે જ મેળવવા જિલ્લાના 30થી વધુ ખેડૂતોએ અરજી કરી છે, જેમના વાવેતર વિસ્તાર સહિત જરૂરી ચકાસણી કરી અરજીઓની મંજૂરીની પ્રક્રિયા ચાલી રહી છે. વડોદરા જિલ્લાના અંદાજે 15 જેટલા ખેડૂતોને પ્રમાણમાં સારી કહેવાય એવી સફળતા મળી છે.

ખેડૂતે ડ્રેગન ફ્રૂટના 1700 જેટલા છોડ ઉછેર્યા
છોટાઉદેપુર જિલ્લાના કવાંટના વતની ભરતભાઈ ગોવિંદભાઈ રાઠવાએ તેમની જમીનમાં ડ્રેગન ફ્રૂટના 1700 જેટલા છોડ ઉછેર્યા છે અને છેલ્લા બે વર્ષથી ઉત્પાદન મેળવી રહ્યાં છે. કવાંટના આદિજાતી વિસ્તારમાં કદાચ આ એક નવી પહેલ છે. તેઓ કહે છે કે, મારા ખેતર પાસેથી નસવાડીથી કવાંટનો મુખ્ય રસ્તો પસાર થાય છે. એટલે મારે ઉતારેલા ફળો વેચવા બજાર સુધી લાંબા થવું પડતું નથી. ખેતરની બહાર સ્ટોલ પરથી પસાર થતાં પ્રવાસીઓ આ ફળ ખરીદી જાય છે અને સારી આવક મળી રહી છે.


કમલમના ઉત્પાદનમાં 70 ટકાનો વધારો થયો
ઉલ્લેખનીય છે કે, અનેક ગુણકારી તત્વો ધરાવતા ડ્રેગન ફ્રૂટનું ગુજરાતમાં ઉત્પાદન અને ઉપયોગ વધતા રાજ્ય સરકારે ડ્રેગન ફ્રૂટનું નામ બદલીને કમલમ રાખ્યું છે. ઘણા ઓછા લોકો જાણતા હશે કે, વડોદરાની આસપાસના 5 ગામોમાં દર વર્ષે આશરે સવા કરોડ રૂપિયાના કમલમનો પાક ખેડૂતો લઇ રહ્યાં છે. તેના ભાવ અને મબલખ પાક ઉતરતાં કેટલાક વર્ષથી દર વર્ષે કમલમના ઉત્પાદનમાં 70 ટકાનો વધારો થઇ રહ્યો છે. વડોદરાની આસપાસ ઉગતા કમલમ માર્કેટમાં પ્રતિ કિલો રૂપિયા 250માં વેચાતા હોવાથી ખેડૂતો તેનો પાક લેવા તરફ આકર્ષાયા છે. આ ગામોના 15 ખેડૂતો 7.60 હેક્ટર જમીનમાં તેની ખેતી કરે છે.

એક હેક્ટરમાં 25000 કિલો ફ્રુટનો પાક નીકળે છે
કમલમનો પાક લેવા માટે ખેડૂતો એટલા માટે પણ આકર્ષાયા છે કારણ કે એક હેક્ટરમાં 25000 કિલો ફ્રૂટનો પાક નીકળે છે. એક કિલોના રૂ. 250ની આસપાસના ભાવની ગણતરી મૂકીએ તો એક હેકટરમાં જ લગભગ રૂ.60 લાખની ધીકતી કમાણી વર્ષમાં એક વાર કરી આપે છે. આ જ કારણસર અગાઉ 3 ખેડૂતો જ કમલમનો પાક લેતા હતા. હવે આ ખેડૂતોની સંખ્યા 15 પર પહોંચી ગઇ છે.

ડ્રેગન ફ્રૂટ રોગપ્રતિકારક શક્તિ વધારે છે
કમલમ એન્ટિઓક્સિડન્ટ્સથી ભરપૂર છે. તેનું નિયમિત સેવન રોગપ્રતિકારક શક્તિ વધારે છે. તેમાં રહેલું મેગ્નેશિયમ બીપી અને હાર્ટ ડિસિઝ માટે અક્સીર છે. જ્યારે ફાઇબર્સ પાચન શક્તિ વધારે છે. જ્યુસ અથવા મિલ્કશેક બનાવીને પી શકાય છે. તેમ ફેકલ્ટી ઓફ ફેમિલી એન્ડ કમ્યૂનિટી સાયન્સિસના આસિસ્ટન્ટ પ્રોફેસર નિકિતા જોષીએ જણાવ્યું હતું.

ગુજરાતમાં કચ્છ અને વડોદરામાં ડ્રેગન ફ્રૂટની ખેતી થાય છે
આજથી 300 વર્ષ પહેલા આ ફળની ખેતી વિયેતનામમાં શરૂ કરવામાં આવી હતી. જોકે આપણા દેશમાં આજથી 31 વર્ષ પહેલા એટલે કે 1990માં ડ્રેગન ફ્રૂટ આવ્યું હતું. આ ફ્રુટને ગુજરાતમાં કચ્છ અને વડોદરાની આસપાસ લાલ ડ્રેગન ફ્રૂટની ખેતી થાય છે જેનુ નામ કમલમ કરવામાં આવ્યું છે. જ્યારે માર્કેટમાં મળતા અંદરથી સફેદ અને પીળા ફ્રૂટને ડ્રેગન ફ્રૂટ જ કહેવાય છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post