• Home
  • News
  • 26 યાત્રીની નોકરી જતી રહી હતી, 28 યાત્રીના વિઝા એક્સપાયર થઈ ગયા હતા, ત્રણ લગ્ન માટે ઘરે આવવાના હતા
post

વિમાનમાં 4 સગર્ભા મહિલા પણ હતી, જે પૈકી એક મહિલાનું મૃત્યુ થયુ, બે ઈજાગ્રસ્ત મહિલા સારવાર હેઠળ છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-10 12:04:06

નવી દિલ્હી: દુબઈથી આશરે 190 મુસાફરોને લઈ ભારત આવી રહેલુ બોઇંગ 737-800 વિમાન શુક્રવારે કોઝિકોડ(કેરળ) એરપોર્ટ પર ઉતરતી વખતે રનવે પરથી ઓવરશૂટ (overshoot) થઈ ગયુ હતુ. આ દુર્ઘટનામાં 18 લોકોના મૃત્યુ થયા હતા, જ્યારે અનેક મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા. આ ઘટના બાદ કેટલીક એવી કહાની સામે આવી છે કે જેનાથી કોઈ પણ વ્યક્તિ ભાવુક બની શકે છે. આ વિમાનમાં મુસાફરી કરનારી આશરે 26 વ્યક્તિ એવી હતી કે જેમની નોકરી જતી રહી હતી. 28 મુસાફર એવા હતા જેમના વિઝા એક્સપાયર થઈ ચુક્યા હતા. 54 મુસાફરો એવા હતા કે જે ફરવા માટે દુબઈ ગયા હતા, પણ કોરોનાને લીધે ત્યાં ફસાઈ ગયેલા.

1.   માતાના જન્મ દિવસ અંગે સરપ્રાઈઝ આપવાના હતા પાયલટ, એક દિવસ અગાઉ દુર્ઘટનાનો શિકાર બન્યા

કોઝિકોડ વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનાર પાયલટ કે.દીપક સાઠે તેમની માતાના જન્મ દિવસ નિમિતે સરપ્રાઈઝ વિઝિટ આપવાના હતા. તેમણે કેટલાક સગા-સંબંધિને આ અંગે માહિતી આપી હતી કે તે નાગપુર પહોંચી માતાને સરપ્રાઈઝ આપવા ઈચ્છે છે, પણ આ શક્ય ન બન્યું. માતાનો જન્મ દિવસ શનિવારે હતો અને તે અગાઉ શુક્રવારે દીપક સાઠે દુર્ઘટનાનો શિકાર બની ગયા.

દીપકની માતા નીલા સાઠે કહે છે કે ભગવાને તેને બદલે મારો જીવ લીધો હોત તો સારું હતુ. મારો દિકરો મહાન હતો. તેણે દેશ માટે બલિદાન આપ્યુ છે. તે હંમેશા અન્ય લોકોની મદદ કરતો હતો. નીલા સાઠે તેમના પતિ સાથે નાગપુરમાં રહે છે. તે કહે છે કે કોરોનાને લીધે દિકરાએ મને ઘરમાંથી બહાર નિકળવાની ના પાડી હતી. તે કહેતો કે તમને કંઈ થઈ જશે તો મારું શુ થશે.

કેપ્ટન સાઠે તેમના પત્ની સાથે મુંબઈમાં રહેતા હતા. એરફોર્સમાંથી નિવૃત્ત થયા હતા. તેમને NDAમાં ગોલ્ડ મેડલ અને સ્વોર્ડ ઓફ ઓનર પ્રાપ્ત થયુ હતું. તેમનું પ્રથમ પોસ્ટિંગ 17 સ્ક્વોડ્રનમાં થયુ હતું,જે અત્યારે રાફેલ ઉડાવી રહ્યા છે. દીપક આશરે 36 વર્ષનો અનુભવ ધરાવતા હતા. વર્ષ 2005માં તે એર ઈન્ડિયા સાથે જોડાયા હતા.

દીપક સાઠેના મિત્ર નિલેશ સાઠેએ ફેસબુક પર પોસ્ટ કરી તેમની બહાદુરીને સલામી આપી છે. તેમણે લખ્યુ છે કે 1990ના દાયકામાં દીપક એક પ્લેન ક્રેશમાં બચી ગયા હતા. તેમને ગંભીર ઈજા થઈ હતી. આશરે 6 મહિના સુધી હોસ્પિટલમાં રહ્યા હતા. કોઈએ વિચાર પણ નહીં કર્યો હોય કે તેઓ ફરી વખત પ્લેન ઉડાવી શકશે. પણ તેમના સ્ટ્રોંગ વિલ પાવરને લીધે આ શક્ય બન્યુ હતુ. તે એક ચમત્કાર હતો.

2. 18 મહિના અગાઉ લગ્ન થયા હતા, 10 દિવસ બાદ ઘરે પારણુ બંધાવાનું છે
મથુરાના રહેનારા એર ઈન્ડિયા વિમાનના કો-પાયલટ અખિલેશ કુમાર ભારદ્વાજના લગ્ન ડિસેમ્બર 2018માં થયા હતા. તેમની પત્ની પ્રેગ્નન્ટ છે. 10 દિવસ બાદ ઘરે પારણુ બંધાવાનું છે. 21 ઓગસ્ટના રોજ તે રજામાં ઘરે આવવાના હતા. પણ કોઈને ખબર ન હતી કે શુ થવાનું છે. ઘર-પરિવારમાં શોકની લાગણી છવાયેલી છે.

મથુરાના મોહનપુર ગામમાં રહેનારા અખિલેશ વર્ષ 2017માં એર ઈન્ડિયા સાથે જોડાયા હતા. તે ત્રણ ભાઈ પૈકી સૌથી મોટા હતા. છેલ્લે તેમણે માતા સાથે ફોન પર વાત કરી હતી અને રજા લઈને ઘરે આવવા અંગે જાણકારી આપી હતી. લોકડાઉનને લીધે તે ઘરે આવી શક્યા ન હતા.


3.
વિમાનમાં ચાર સગર્ભા મહિલા હતી, એક મહિલાનું મૃત્યુ, બે હોસ્પિટલમાં દાખલ
26 વર્ષની મનલ અહેમદ ગર્ભવતી હતી, તેનો વિઝા એક્સપાયર થવાનો હતો. આ માટે તેમણે સરકારે વિનંતી કરી હતી કે વંદે ભારત મિશન હેઠળ ભારત પરત ફરવા વ્યવસ્થા કરવામાં આવે. તેમણે ટિકિટ પણ મળી અને સ્વદેશ પરત ફરવા માટે ઉડાન ભરી હતી. મનલ દેશમાં તો પહોંચી પણ ત્યાં સુધીમાં તેના શ્વાસ અટકી ચુક્યા હતા. કેરળમાં વિમાન દુર્ઘટનામાં જે 18 લોકોના મૃત્યુ થયા તેમા એક મનલનો પણ સમાવેશ થતો હતો. કોરોના અગાઉ તેના પતિ પાસે દુબઈ ગઈ હતી, પણ લોકડાઉનને લીધે ફસાઈ ગઈ હતી.

આ વિમાનમાં 4 સગર્ભા મહિલા પણ હતી. તે પૈકી એક મહિલાનું મૃત્યુ થયુ છે. થજીના કોટ્ટાયિલ હોસ્પિટલમાં દાખલ છે. તે પણ પતિને મળવા દુબઈ ગઈ હતી. કોરોનાને પગલે વિઝાની મુદત પૂરી થઈ ગઈ હતી. તેની સાથે બે બાળકો પણ હતા. અત્યારે બન્નેની સ્થિતિ નાજુક છે. તેમાં એક નાફલા નામની ગર્ભવતી મહિલા પણ હતી, તેમને સામાન્ય ઈજા પહોંચી હતી. તેને પણ રાત્રે હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવી હતી અને સવારે ડિસ્ચાર્જ કરવામાં આવી હતી.

4. છેલ્લી ઘડીએ ફ્લાઈટ ચુકી ગયા, ત્યારે દુખ થયુ પણ હવે લાગે છે ભગવાને બચાવ્યો હતો
બે એવી વ્યક્તિ છે કે જે વારંવાર ભગવાનનો આભાર વ્યક્ત કરે છે. નોફલ મોઈન અને અફઝલ આ બન્ને વિમાનથી ભારત આવ્યા હતા, પણ છેલ્લી ઘડીમાં તેની ફ્લાઈટ ચુકી ગયા હતા. મોઈન દુબઈમાં એક શાળામાં કામ કરતો હતો. તાજેતરમાં તેના વિઝા રદ્દ થઈ ગયા. નિર્ધારિત સમય પર એરપોર્ટ પહોંચ્યા અને ચેક ઈન કર્યું. પણ વિઝા ન હોવાને લીધે તેને આશરે 20 હજાર રૂપિયા દંડ ભરવા કહેવામાં આવ્યુ, તેની પાસે ફક્ત 10 હજાર રૂપિયા હતા. માટે તે ઉડ્ડાન ભરી શક્યો નહીં.
અફઝલની કહાની પણ એવી જ છે. તેમના પણ વિઝા રદ્દ થયા હતા અને તેને દંડ ભરવા કહેવામાં આવ્યું, પણ તેની પાસે તે સમયે એટલા પૈસા ન હતા. માટે તે આ વિમાનમાં જઈ શક્યો નહીં. તે સમયે તેને ઘણી નિરાશા થઈ હતી. જોકે જ્યારે તેમને આ ફ્લાઈટની ઘટના અંગે માહિતી મળી ત્યારે બન્નેએ ભગવાનનો આભાર વ્યક્ત કર્યો હતો. ફ્લાઈટ મિસ થવી તેમના માટે લકી સાબિત થઈ.
5.
પરિવારના તમામ સાત સભ્ય સુરક્ષિત છે

દુબઈમાં રહેતા શેમિર વડક્કન વારંવાર ભગવાનનો આભાર વ્યક્ત કર્યો છે. તેના પરિવારના સાત લોકો આ વિમાનમાં સવાર હતા. આ એક ચમત્કાર હતો કે પરિવારના સાત સભ્ય સુરક્ષિત છે. શેમિરની પત્ની, તેનો દિકરો અને બે દિકરી તથા ભાઈની પત્ની તથા તેના એક દિકરા અને એક દિકરી પણ સુરક્ષિત છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post