• Home
  • News
  • લૉકડાઉનને લીધે ત્રણ મહિના કોર્ટ બંધ રહેતા રાજ્યના 500 વકીલો બેરોજગાર, 2 વકીલે ફૂડ ડિલિવરી શરૂ કરી
post

પ્રેક્ટિસ બંધ થઈ જતાં કેટલાક વકીલોએ ગામડે જઈ ખેતીનું કામ સ્વીકારી લીધું

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-16 08:46:41

અમદાવાદ: કોરોના મહામારીને કારણે લાગુ કરાયેલા લોકડાઉનને કારણે ત્રણ મહિનાથી કોર્ટ બંધ રહેતા અંદાજે 500 વકીલ બેરોજગાર બન્યા છે. સૂત્રો મુજબ, કામ ન મળતાં કેટલાક વકીલોએ પરિવારના પરંપરાગત કામ, કેટલાકે ખેતી તો 2 એવા વકીલ છે, જેઓ ફૂડ ડિલિવરીનું કામ શરૂ કર્યું છે. આમાંથી કેટલાક વકીલો અમદાવાદમાં ભાડે રહેતા હતા. જોકે બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના શિસ્ત સમિતિના સભ્ય અનિલ કેલ્લાએ જણાવ્યું હતું કે, હજુ સુધી એક પણ વકીલની લોકડાઉન દરમિયાન સનદ જમા કરાવાઈ નથી.

વકીલાત બંધ થતાં ઘરના ભાડાંનાં પૈસા પણ ન રહ્યા
સૌરાષ્ટ્રના નાનકડા ગામમાંથી આવેલા કમલેશભાઈએ નારણપુરામાં ફ્લેટ ભાડેથી લીધો હતો. સેશન્સ અને હાઈકોર્ટમાં તેઓ વકીલાત કરી રહ્યા હતા. સામાન્ય દિવસોમાં તેમને હંગામી અને રેગ્યુલર જામીન અરજીઓની પ્રેક્ટિસ સારી ચાલતી હતી. તે પરિવારનું ગુજરાન ચલાવી શકે અને ઘરે પૈસા મોકલાવી શકે તેટલી કમાણી હતી, પરતું લૉકડાઉનને લીધે કોર્ટ બંધ થતાં ભાડું ભરવા જેટલી પણ આવક થતી નથી. આથી તેઓ ફ્લેટ ખાલી કરી તેમના ગામ જતા રહ્યા છે.

એકે અન્ય વ્યવસાય માટે સનદ પરત કરવા તૈયારી દર્શાવી
જ્યાં સુધી કોર્ટ શરૂ ન થાય ત્યાં સુધી ઘર ચલાવવાની તકલીફ હોવાથી હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરતા જુનિયર વકીલ મયૂરે ઓનલાઇન ફૂડ ડિલિવરીનું કામ સ્વીકાર્યું છે. તેમણે જણાવ્યું હતું કે સામાન્ય દિવસોમાં મને વકીલાતમાંથી સારી આવક મળી રહે છે, પણ જ્યાં સુધી કોર્ટ સંપૂર્ણ ખૂલશે નહીં ત્યાં સુધી સનદ પરત આપીને આ વ્યવસાય કરીશ. જોકે તેમણે હજી સુધી સનદ પરત કરી નથી. ઓનલાઇન ફૂડ ડિલિવરીનું કામ શરૂ કરનારા મહેશભાઈએ કહ્યું કે, વકીલાતની પ્રેક્ટિસ શરૂ થશે ત્યાં સુધી તેઓ આ કામ ચાલુ રાખશે. (તમામ પાત્રોનાં નામ બદલ્યાં છે)

હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરી રહેલા વકીલ ખેતી કરે છે
બનાસકાંઠાથી અમદાવાદ આવેલા હાઈકોર્ટના વકીલ અજય ચૌહાણના એક વર્ષ પહેલાં જ લગ્ન થયાં હતાં. તઓે હાઈકોર્ટ અને મેટ્રો કોર્ટમાં પ્રેક્ટિસ કરતા હતા. કોર્ટ ચાલતી હતી ત્યારે બનાસકાંઠાના ઘણા કેસની બ્રીફ મળતી હતી. જોકે હાલ કોર્ટમાં માત્ર અરજન્ટ કેસ પર જ લિમિટેડ સુનાવણી ચાલતી હોવાથી તેમની વકીલાત બંધ થઈ છે, જેથી તેમણે પરિવારિક ખેતી શરૂ કરી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post